Nirmala Sitharaman Presents Interim Budget 2024 : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામન બેંક થાપણદારોને રાહત આપે તેવી અપેક્ષા છે. શેર અને ડિજિટલ કરન્સીના સમયમાં પણ ભારતમાં બેંક એફડીમાં રોકાણ કરવાનું ચલણ યથાવત છે. બેંક બચત ખાતા કે એફડીમાં રોકાણ કરવું એ ભારતમાં રોકાણનો પ્રચલિત વિકલ્પ છે. બેંક સેવિંગ એકાઉન્ટમાં રહેલી રકમ પર મળતી વ્યાજ રૂપી આવક ઉપર પણ ટેક્સ લાગે છે.
બેંક બચત ખાતાની વ્યાજ આવક પર ટેક્સનો નિયમ (Saving Account Interest Deduction Limit Rules)
ભારતમાં બેંકના બચત ખાતામાં રહેલી રકમ પર મળતા વ્યાજ પર એક નાણાંકીય વર્ષમાં 10000 રૂપિયા સુધીની છુટછાટ મળે છે. સરળ શબ્દોમાં કહીયે તો, 10000 રૂપિયા સુધીની વ્યાજ રૂપી આવક પણ કોણ ટેક્સ લાગતો નથી.

વ્યાજ આવક પર કર મુક્તિ મર્યાદા વધારવા ભલામણ
બજેટ 2024માં બેંક થાપણની વ્યાજ આવક પર કર મુક્તિ વધારવા માંગણી કરવામાં આવી છે. થાપણદારો ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ટેક્સ ડિડક્શન લિમિટ હાલની 10000 રૂપિયાથી વધારીને 50000 રૂપિયા થવાની અપેક્ષા રાખી રહ્યા છે.
હાલ શું નિયમ છે
આવકવેરા કાયદા 1961ની કલમ 80TTA મુજબ, જો કોઈ વ્યક્તિ (60 વર્ષથી ઓછી ઉંમરની) અથવા હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) બેંક કે સહકારી બેંકોના બચત ખાતામાંથી વ્યાજની આવક મેળવે છે, તો તે બેંક કે પોસ્ટ ઓફિસની કુલ આવકમાંથી 10000 રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કરદાતાઓ એફડી, રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ વગેરે પર મળતી વ્યાજ આવક પર આ કર કપાતનો ફાયદો ઉઠાવી શકતા નથી. 60 વર્ષથી ઉપરના સીનિયર સિટીઝનની માટે સેક્શન 80TTB હેઠળ 50,000 રૂપિયા સુધીની અન્ય કપાત, જે સેવિંગ એકાઉન્ટ, એફડી અને અન્ય ઇન્ટરેસ્ટ ઇન્કમ પર લાગુ પડે છે.

2012થી બચત ખાતાના વ્યાજ પર અલગ કપાત શરૂ થઈ
બચતને પ્રોત્સાહન આપવા માટે સરકારે બજેટ 2012માં કલમ 80TTA હેઠળ કર કપાતની રજૂઆત કરી હતી. જો કે, ત્યારથી આ કર કપાતની મર્યાદામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બજેટ 2024માં આ કર કપાતને વર્તમાન 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા થાય તેવી અપેક્ષા છે.
બચત ખાતા પર હાલ કેટલું વ્યાજ મળે છે?
હાલ બચત ખાતા પર વાર્ષિક 3થી 4 ટકા વ્યાજ મળે છે. તો ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 7 ટકાથી 8.6 ટકા વ્યાજ મળે છે. જો કે કેટલી બેંકો સેવિંગ એકાઉન્ટ પર 7 કે 6.5 ટકા વ્યાજ ઓફર કરે છે, પરંતુ તેની માટે ખાતામાં એક મર્યાદા કરતા વધારે રકમ જમા હોવી જરૂરી છે.





