Budget 2024 Expectations : બજેટ 2024 સંસદમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. ઘર ખરીદનારા કરદાતાઓ આશા રાખી રહ્યા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં તેમને ચોક્કસપણે થોડી રાહત આપશે. જો ઘર ખરીદનારાઓના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, એવા ઘણા પગલાં છે જેના દ્વારા નાણા પ્રધાન તેમના પર ટેક્સનો બોજ ઘટાડી શકે છે. તેમણે વચગાળાના બજેટમાં મોટી જાહેરાતો નહીં કરવાની વાત કરી હોવા છતાં પણ જો સરકાર ઇચ્છે તો ઓછામાં ઓછી કરદાતાઓની કેટલીક વાજબી માંગણીઓ પર વિચાર કરી શકે છે.
આવકવેરામાં હાલ શું રાહત મળશે?
આવકવેરા અધિનિયમ 1961 હેઠળ, હોમ લોન લઈને ઘર ખરીદનારાઓને ટેક્સમાં રાહત આપવા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓ હેઠળ, હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ અને મૂળ રકમ પર વિવિધ જોગવાઇ હેઠળ કર કપાતનો લાભ ઉપલબ્ધ છે.

તેનાથી ઓલ્ડ ટેક્સ રિજીમ (OTR) અપનાવનારા કરદાતાઓની કર જવાબદારીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પરંતુ આ કર લાભો સાથે જોડાયેલી કેટલીક મર્યાદાઓ છે, જે વર્ષોથી બદલાઈ નથી. આ જ કારણ છે કે કરદાતાઓ હવે નવા બજેટ (કેન્દ્રીય બજેટ 2024)માં તેમની સમીક્ષાની અપેક્ષા રાખી રહ્યા છે.
હોમ લોનના વ્યાજ પરની કર કપાત મર્યાદા વધારવા માંગ
ઘર ખરીદનારાઓની સૌથી મહત્વની માંગ એ છે કે હોમ લોનના વ્યાજની ચુકવણી પર કર કપાત હાલની મર્યાદા વધારવી જોઈએ. હાલમાં, કલમ 24(b) હેઠળ કપાતની મર્યાદા મહત્તમ રૂ. 2 લાખ છે, જે 10 વર્ષ પહેલા 2014માં નક્કી કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે જો તમે તમારી હોમ લોન પર દર વર્ષે 4-5 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવો છો, તો તમારે માત્ર 2 લાખ રૂપિયા પર જ ટેક્સ લાભ મળશે. છેલ્લા 10 વર્ષમાં ઘરની કિંમત બમણી કે તેથી વધુ થઈ ગઈ છે.
છેલ્લા દોઢથી બે વર્ષમાં વ્યાજદરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, ઘર ખરીદવા માટે જરૂરી હોમ લોન અને તેના પર વ્યાજની ચુકવણી બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી હવે આ મર્યાદા વધારીને 4 લાખ રૂપિયા કરવી જોઈએ. અન્યથા ઘર ખરીદનારાઓ પર વ્યાજ અને ટેક્સ બંનેનો બોજ ચાલુ રહેશે.
હોમ લોનની મૂળ રકમની ચૂકવણી પર અલગ છુટછાટ મળે
હાલમાં, કલમ 80C હેઠળ કર કપાતનો લાભ હોમ લોનની મૂળ રકમની પુનઃચુકવણી પર ઉપલબ્ધ છે. પરંતુ આ લાભ પણ કલમ 80Cની 1.5 લાખ રૂપિયાની વાર્ષિક સંપૂર્ણ મર્યાદાની અંદર પણ આવે છે, જેમાં 2014થી કોઈ વધારો થયો નથી. બાળકોની શાળાની ફી, જીવન વીમા પ્રીમિયમ અને મોટાભાગના કર બચત રોકાણો પણ આ મર્યાદા હેઠળ આવે છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં એકલા બાળકોની શાળાની ફી ઓછામાં ઓછી બમણી થઈ ગઈ છે. આ સાથે જીવન વીમાની જરૂરિયાત અને તેના પ્રીમિયમમાં પણ ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં, 1.5 લાખ રૂપિયાની આ મર્યાદા તમામ કરદાતાઓ માટે ખૂબ જ અપૂરતી સાબિત થઈ રહી છે.

તેથી, એવી માંગ પણ ઉઠી રહી છે કે હોમ લોનના વ્યાજની જેમ હોમ લોનની મુદ્દલની ચુકવણી પર પણ અલગથી કર મુક્તિ હોવી જોઈએ. છેવટે, ઘર એ રહેવા માટેની મૂળભૂત સુવિધા છે, જે માત્ર નાગરિકોની જરૂરિયાત નથી પણ સરકારની જવાબદારી પણ છે. તેથી જ સરકાર ગરીબોને ઘર આપવા માટે બજેટ રાખે છે. પરંતુ સરકાર ઓછામાં ઓછા તે કરદાતાઓને કર કપાતનો લાભ આપી શકે છે જેઓ ઘર ખરીદવા માટે લોન લે છે અને જીવનભર લોનની ચૂકવણી કરે છે.
શું ચૂંટણી પહેલા મતદારો પર મહેરબાની થશે?
જો કે આ વચગાળાનું બજેટ હશે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામને મોટી જાહેરાતોની અપેક્ષા ન રાખવાનું પહેલાથી જ જણાવી દીધું છે. પરંતુ 5 વર્ષ પહેલા 2019ના ચૂંટણી પૂર્વેના વચગાળાના બજેટમાં મોદી સરકારે પરંપરાને અવગણીને કર ચૂકવનારા મતદારોને મોટા પાયે રાહત આપવાનું કામ કર્યું હતું.
આ પણ વાંચો | બજેટ 2024માં સોનું – ચાંદી સસ્તા થશે? ડાયમંડ ઈમ્પ્રેસ લાઇસન્સ ફરી શરૂ કરવા GJEPCનું સૂચન
આ જ કારણ છે કે આ વખતે પણ ચૂંટણી પૂર્વેના બજેટમાં મતદારો પર મહેરબાની થવાની આશા છે. છેવટે, ચૂંટણી એવા સમય છે જ્યારે સત્તા મેળવવાનો પ્રયાસ કરતા રાજકારણીઓ સામાન્ય લોકોની ઇચ્છાઓ પર મહત્તમ ધ્યાન આપે છે. આવા સંજોગોમાં જો જંગી આવકવેરો ભરનારા મતદારો પણ તેમની કેટલીક વાજબી માંગણીઓ પૂર્ણ થવાની અપેક્ષા રાખતા હોય તો એમાં ખોટું શું છે?





