Finance Minister Nirmala Sitharaman to Announced Budget 2024 : બજેટ 2024 નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમા રજૂ કરશે, આ તેમનું સતત છઠ્ઠું બજેટ હશે. આ સાથે તેના નામે ઘણા રેકોર્ડ પણ બનશે. તેઓ સળંગ 5 સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરવાના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરશે. તમને જણાવી દઇયે કે, નિર્મલા સીતારામન ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે, જેમણે જુલાઈ 2019થી પાંચ સંપૂર્ણ બજેટ રજૂ કર્યા છે અને 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે.
બજેટ 2024 : નિર્મલા સીતારામન નવા રેકોર્ડ બનાવશે (Nirmala Sitharaman Budget Record)
નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરવાની સાથે, આ સાથે જ તેઓ મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા જેવા ભૂતપૂર્વ નાણામંત્રીઓના રેકોર્ડને પાછળ છોડી દેશે. ઉપરોક્ત નાણાં મંત્રીઓએ સતત 5 બજેટ રજૂ કર્યા હતા. નાણા પ્રધાન તરીકે, દેસાઈએ 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના બજેટ પર મતદાન કરવામાં આવશે. આનાથી સરકારને એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક બાબતો પર ખર્ચ કરવાનો અધિકાર મળશે.

જુલાઇમાં રજૂ થશે સંપૂર્ણ બજેટ 2024 (Full Budget 2024)
આગામી દિવસોમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી હોવાથી સીતારામનના વચગાળાના બજેટ 2024માં કોઈ મોટા નીતિગત ફેરફારોની કોઈ શક્યતા નથી. નાણામંત્રીએ ગયા મહિને એક કાર્યક્રમમાં ઇન્ટરિમ બજેટમાં કોઈ ‘મોટી જાહેરાત’ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સામાન્ય ચૂંટણી પહેલા માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે. સંસદમાં પસાર થયા પછી વોટ ઓન એકાઉન્ટ સરકારને એપ્રિલ-જુલાઈ સમયગાળા માટેના ખર્ચને પહોંચી વળવા માટે દેશના કુલ ભંડોળમાંથી થોડાક નાણાં ઉપાડવાની મંજૂરી આપશે. સામાન્ય ચૂંટણી બાદ જૂનની આસપાસ નવી સરકાર રચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, નવી સરકાર દ્વારા આગામી જુલાઈમાં 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ થશે.
સામાન્ય રીતે, વચગાળાના બજેટમાં મોટી નીતિગત જાહેરાતો હોતી નથી, પરંતુ અર્થતંત્ર સામેના પ્રશ્નોનો સામનો કરવા માટે જરૂરી એવા પગલાં લેવાથી સરકાર પર કોઈ પ્રતિબંધ નથી. 2014 માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી, અરુણ જેટલીએ નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો અને 2014-15 થી 2018-19 સુધી સતત 5 બજેટ રજૂ કર્યા. વર્ષ 2017માં સરકારે બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસને બદલે તારીખે રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની પરંપરાનો અંત આવ્યો હતો.
ગત વચગાળાના બજેટમાં શું થયું હતું? (Interim Budget 2024)
જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરી, 2019ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પીયુષ ગોયલે પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કર્યું હતું. ઉપરાંત, જે કરદાતાઓની વાર્ષિક કરપાત્ર આવક રૂ. 5 લાખથી વધુ નથી, તેમના માટે કર મુક્તિ રૂ. 2500 થી વધારીને રૂ. 12,500 કરવામાં આવી છે.
નિર્મલા સીતારામન બજેટ રજૂ કરનાર બીજા મહિલા
મોદી સરકારે 2019ની સામાન્ય ચૂંટણી પછી તેના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારામનને નાણા વિભાગની જવાબદારી સોંપી હતી. બજેટ રજૂ કરનાર ઈન્દિરા ગાંધી પછી તેઓ બીજા મહિલા છે. ઈન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ 1970-71નું બજેટ રજૂ કર્યું હતું. તે વર્ષે, સીતારામને બજેટ દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત ‘બ્રિફકેસ’ને દૂર કર્યું અને તેના સ્થાને રાષ્ટ્રીય પ્રતીક ધરાવતું ‘બહી-ખાતા’નો અમલ કર્યો. ભારત 2027-28 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર અને 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.

ભારતમાં સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યું?
ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે, તેમણે સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું હતુ. કોઈપણ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ આ સૌથી વધુ બજેટ છે. તેમણે વચગાળાના બજેટ સહિત સતત છ વખત બજેટ રજૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ પ્રથમ નાણામંત્રી આરકે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.
વર્તમાન નાણાં મંત્રી નિર્મલા સીતારામન, જેઓ પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરી રહ્યા છે, તેઓ ગ્રામીણ વિસ્તારોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલાં લઈ શકે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે નાણાકીય વર્ષ 2023-24માં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ 4 ટકાથી ઘટીને 1.8 ટકા રહેવાની આશંકા છે.





