FM Nirmala Sitharaman Budget 2025 Expectations: ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને બજેટ 2025 થી ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025 સંસદમાં રજૂ કરશે. આ બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મોટી ઘોષણાઓ કરવામાં આવી શકે છે, કારણ એ છે કે સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માંગે છે. ભારતમાં બેટરી સંચાલિત EV લોકપ્રિય થઇ રહ્યા છે અને તેના વેચાણમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.
ચાર્જિંગ સર્વિસ પર જીએસટી ઘટાડવાની માંગ
ઇવી ઉદ્યોગ બજેટ 2025માં કરવેરામાં રાહત આપવાની માંગણી કરી રહ્યું છે. હાલ ઇલેક્ટ્રિક વ્હીકલ પર 5 ટકા ટેક્સ લાગે છે. તો EVમાં વપરાતી બેટરી પર પણ 5 ટકા જીએસટી લાગે છે. જો કે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે. ઇવી ઉદ્યોગ લાંબા સમયથી જીએસટી ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી રહ્યું છે. વાહન ઉદ્યોગનું માનવું છે કે, જીએસટી ઘટવાથી ઇલેક્ટ્રિક વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહન મળશે. EVના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી સરકારને એક સાથે ઘણા ફાયદા થશે.
ઈલેક્ટ્રિકવ વ્હીકલ ખરીદવા સબસિડી યોજના
ભારત સરકાર 2030 સુધીમાં દેશમાં કુલ વાહન વેચાણમાં EV નો હિસ્સો 30 ટકા કરવાની ઈચ્છા ધરાવે છે. આ માટે સરકારે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તેની માટે મોટા પગલા લેવા પડશે. સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાંઓથી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થઈ રહ્યો છે.
અલબત્ત, સરકારે સામાન્ય માણસને ઇવી નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. હાલ સરકારની પીએમ ઈ ડ્રાઈવ યોજના માટે 2 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ચાર્જિંગ સ્ટેશનોનું વિશાળ નેટવર્ક ઉભું કરવાનું લક્ષ્યાંક છે. ફોર વ્હીલર ઇવી માટે 22100 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેમા ઇલેક્ટ્રિક બસો માટે 1800 ચાર્જિંગ સ્ટેશન અને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇવી માટે 48400 ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના છે.
આ પણ વાંચો | બજેટ 2025માં FM સીતારમણ શેરબજારના રોકાણકારોને રાહત આપશે! STT હટાવવાની માંગ
હાલ વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ પોતાની રીતે ઈલેકટ્રીક વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે, જો કેન્દ્ર સરકાર પોતાની સબસિડી યોજના લાવે તો દેશભરમાં તેનો ફાયદો થશે. કેન્દ્ર સરકારની સબસિડીયોજના ઇલેક્ટ્રીક વ્હીકલનું વેચાણ વધારવામાં મદદ કરશે.





