Budget 2025 Expectations: બજેટ 2025 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં રજૂ કરશે. આ બજેટને લઈને નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના લોકો પોતાની માંગ સરકાર સામે રાખી રહ્યા છે. ઇન્ફોસિસના પૂર્વ સીએફઓ મોહનદાસ પાઇએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાનને મધ્યમ વર્ગને રાહત આપવા અપીલ કરી છે. તેઓએ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવા અને કરદાતા પર વધતા ભારણને ઘટાડવાની માંગ કરી છે.
ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારની માંગ
મોહનદાસ પાઈનું કહેવુ છે કે હાલનો ઈન્કમ ટેક્સ સ્લેબ મધ્યમ વર્ગ પર બોજ નાંખી રહ્યો છે. તેમણે સૂચવ્યું છે કે, બજેટ 2025 માં કર બોજ ઘટાડવાની અને સમાયોજિત કરવાની જરૂર છે. તેમણે ઈન્કમ ટેક્સ સ્લેબ અંગે અમુક સલાહ આપી છે.
- 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ ન હોવો જોઈએ.
- 5 – 10 લાખ રૂપિયા વચ્ચેની આવક પર 10 ટકા ઈન્કમ ટેક્સ નક્કી કરો.
- 10 – 20 લાખ રૂપિયા વચ્ચેની આવક પર 20 ટકા ઈન્કમ ટેક્સ વસૂલવો.
- 20 લાખથી વધુની આવક પર 30 ટકા ઈન્કમ ટેક્સ લાદવો જોઇએ.
- રૂપિયા 50 લાખથી વધુની આવક પર સરચાર્જ લાદો.
- 60 વર્ષથી વધુ વયના નાગરિકોની 7.5 લાખ રૂપિયા અને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની 10 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોવી જોઇએ.
મધ્યમ વર્ગ પર કર બોજ
મોહનદાસ પાઇનું કહેવુ છે કે મધ્યમ વર્ગ પર સૌથી વધુ કરબોજ છે. છેલ્લા 3 વર્ષમાં પર્સનલ ટેક્સ કલેક્શનમાં 114 ટકાનો વધારો થયો છે, પરંતુ મધ્યમ વર્ગની આવક અને બચત પર કોઈ રાહત મળી નથી. ઉંચી મોંઘવારી, વધતી જતી શાળા કોલેજની ફી અને જરૂરી ખર્ચ બાદ મધ્યમ વર્ગ પાસે અન્ય ખર્ચા માટે પૈસા બચતા નથી.
હાઉસિંગ લોન પર રાહતની માંગ
તેમણે કહ્યું કે હાઉસિંગ લોન પર ટેક્સ ડિડક્શનથી ફક્ત તેમને જ લાભ મળે છે જેઓ લોન લે છે. આ રાહત 3.5 કરોડ કરદાતા માંથી માત્ર 1.2 કરોડ કરદાતાને જ મળે છે. તેમણે સૂચન કર્યું હતું કે, આવા પ્રકારની યોજનાઓને બજેટમાં લાવવી જોઈએ, જેથી મધ્યમ વર્ગને ખર્ચ કરવા માટે વધારે નાણાં મળી રહે.
કર વિવાદનો ઉકેલ લાવવો
મોહનદાસ પાઇએ, કર વિવાદનો અંત લાવવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, 2014માં વિવાદિત ટેક્સની રકમ 4.5 લાખ કરોડ રૂપિયા હતી, જે 2025 સુધી વધીને 12.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે આવકવેરા વિભાગ અને સરકારની નિષ્ફળતા છે. તેમણે વર્ષ 2025-26ને ટેક્સ વિવાદ નિવારણ વર્ષ તરીકે જાહેર કરવાની પણ હાકલ કરી હતી.
આ પણ વાંચો | બજેટ 2025માં ઇલેક્ટ્રીક વાહન સસ્તા થશે! નાણાંમત્રી સીતારમન જીએસટી ઘટાડે તેવી અપેક્ષા
મધ્યમ વર્ગને નજર અંદર ન કરવા
મોહનદાસ પાઇ એ કહ્યું કે સરકાર ગરીબ વર્ગ માટે સબસિડી પાછળ 9 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે, પરંતુ મધ્યમ વર્ગની સમસ્યાઓનું સમાધાન થતું નથી. તેમણે મધ્યમ વર્ગને રાહત આપવા અને તેમની નારાજગી દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મધ્યમ વર્ગને બજેટ 2025 થી ઘણી અપેક્ષાઓ છે. હવે જોવાનું એ રહેશે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2025માં મધ્યમ વર્ગ માટે કેવા પગલાં લે છે અને તેમની સમસ્યાઓનું કેટલું નિરાકરણ લાવે છે.





