Budget 2025 Expectations: બજેટ 2025 માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વખત બજેટ રજૂ કરવાના છે. બજેટ 2025 – 26માં મધ્યમ વર્ગ થી લઇ રોકાણકારો મોટી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. શેરબજારના રોકાણકારો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) બજેટ 2025માં નાબૂદ થાય તેવી અપેક્ષા રાખી રાખે છે. FM નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ ભારતનું કેન્દ્રીય બજેટ 2025-26 સંસદમાં રજૂ કરશે. ચાલો જાણીયે STT શું છે, માર્કેટ ઇન્વેસ્ટરોને કેવી રીતે અસર કરે છે અને આ ટેક્સ હટાવવાની કેમ માંગ કરે છે.
એસટીટી ક્યારે અને કેમ લાદવામાં આવ્યો
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) એ શેરબજારમાં ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સિક્યોરિટીઝના ખરીદ વેચાણ પર લાદવામાં આવતો કર છે. વર્ષ 2004માં તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે સ્ટોક માર્કેટમાં શેરના ખરીદી અને વેચાણ દ્વારા થતા નફા પર કરચોરી ઘટાડવા માટે એસટીટી લાદયો હતો.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે?
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) એ સ્ટોક એક્સચેન્જો પર શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડેરિવેટિવ્ઝ જેવી સિક્યોરિટીઝના ખરીદી અને વેચાણ પર વસૂલવામાં આવતો કરવેરો છે. આ ટેક્સ ખરીદનાર અને વેચનાર બંને પર લાગુ પડે છે. એસટીટી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એક્ટ દ્વારા સંચાલિત થાય છે અને ઇક્વિટી શેર, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડેરિવેટિવ્ઝ તેમજ ઓફર ફોર સેલ હેઠલ વેચાયેલા અનલિસ્ટેડ શેર અને ત્યારબાદ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ શેર સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શનને આવરી લે છે.
એસટીટી માંથી સરકારને 40000 કરોડની આવક
સરકારને આ વર્ષે 1 એપ્રિલથી 17 ડિસેમ્બરની વચ્ચે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી માંથી 40114 કરોડ રૂપિયાની આવક થઇ છે. શેરબજારોમાં ટ્રેડિંગ વોલ્યુમ વધવાની સાથે એસટીટી કલેક્શન વધે છે. સ્ટોક એક્સચેન્જમાં દરેક ટ્રાન્ઝેક્શન પર એસટીટી વસૂલવામાં આવે છે અને આ નાણાં સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રીતે તે સરકાર માટે આવકનું માધ્યમ છે. અલબત્ત એસટીટી માંથી મળતા ટેક્સ સ્વરૂપે થતી આવક અન્ય ટેક્સ કરતા ઘણી ઓછી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એસટીટી નાબૂદ કરવાથી શેરબજારમાં રોકાણકારોનો રસ વધી શકે છે.
શેર વ્યવહાર પર એસટીટી દર
જુલાઇ 2025માં રજૂ થયેલા પૂર્ણ યુનિયન બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ પર એસટીટી વધાર્યા છે. જેમા ઓપ્શન ટ્રેડિંગમાં શેર વેચવા પર એસટીટી રેટ 0.0625 ટકાથી વધારી 0.1 ટકા કર્યો હતો. તે પ્રીમિયમ પર લાગુ થાય છે. તેનો અર્થ એ છે કે, જો કોઇ રોકાણકારો ઓપ્શન વેચે છે, જેનું પ્રીમિયમ 100 રૂપિયા છે, તો તેણે 10 પૈસા એસટીટી ચૂકવવો પડશે.
તેવી જ રીતે ફ્યુચર ટ્રેડિંગ પર એસટીટી 0.0125 ટકાથી વધારીને 0.02 ટકા કર્યો છે. ઉદાહરણ તરીકે, જો કોઇ રોકાણકાર 1 લાખ રૂપિયાનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વેચ છે તો તેના પર 20 રૂપિયા એસટીટી ચૂકવવો પડશે. શેરની ડિલિવરી સાથે સંકળાયેલા ટ્રાન્ઝેક્શન પર એસટીટી 0.1 ટકા લેવામાં આવે છે. તે શેર ખરીદનાર અને વેચનાર બંનેને લાગુ પડે છે. તો ઇન્ટ્રાડે ટ્રેડમાં 0.025 ટકા એસટીટી વસૂલવામાં આવે છે.
એસટીટી હટાવવાની માંગ કેમ કરવામાં આવી રહી છે?
પીએચડીસીસીઆઈ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ પૂર્વેની ચર્ચામાં એસટીટી હટાવવાની ભલામણ કરી છે. ઇન્ડસ્ટ્રી ચેમ્બરનું કહેવું છે કે, એસટીટી હટાવવાથી શેર રોકાણ અને ટ્રેડિંગનો ખર્ચ ઘટી જશે. તેનાથી શેરબજારમાં રોકાણ કરનારની લોકોની રુચિ વધશે અને નવા રોકાણકારોને આકર્ષિત કરી શકાશે.





