બજેટ 2025 સોના ચાંદી પર ટેક્સ ઘટશે! ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણો નિયમ

Budget 2025 Expectations: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2025માં સોનું ચાંદી સસ્તુ થાય તેવી ઘોષણા કરે તેવી અપેક્ષા છે. સતત વધી રહેલા ભાવથી સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ થયું છે.

Written by Ajay Saroya
Updated : January 08, 2025 12:44 IST
બજેટ 2025 સોના ચાંદી પર ટેક્સ ઘટશે! ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણો નિયમ
Gold Silver: બજેટ 2025માં સોનું ચાંદી સસ્તુ થાય તેવી અપેક્ષા છે. (Photo: Canva)

Budget 2025 Expectations Tax Cut On Gold Silver: બજેટ 2025 નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસંદમાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. બજેટ 2025-26માં સોનું ચાંદી પર ટેક્સ ઘટાડવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કોરોના બાદ વૈશ્વિક બજારોમાં તેજી અને ઉંચા ટેક્સના કારણે સોના ચાંદીના ભાવ રોકેટ ગતિથી સતત રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી રહ્યા છે. સોનાના ભાવમાં ટેક્સ પણ મોટી ભૂમિકા ભજવે છે. જો ટેક્સ ઘટે તો સોના ચાંદીના ભાવ ઘટી શકે છે. શું તમને ખબર છે સોના ચાંદી પર કેટલી આયાત જકાત અને જીએસટી વસૂલાય છે? ભારતમાં કોઇ મહિલા કે પુરુષ કેટલું સોનું રાખી શકે છે? જાણો અહીં વિગતવાર

ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ

ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જગજાહેર છે. ચીન બાદ ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. સોનું ચાંદી ખરીદનાર મોટાભાગના લોકોને આ કિમતી ધાતુ પર કેટલી આયાત જકાત અને જીએસટી વસૂલાય છે તેના વિશે જાણકારી હોતી નથી.

ભારતમા સોના ચાંદી પર કસ્ટમ ડ્યૂટી

ભારત સરકાર સોના ચાંદી પર જંગી ટેક્સ વસૂલે છે. 23 જુલાઇ, 2024ના રોજ રજૂ કરાયેલા FY25 માટેના સંપૂર્ણ બજેટ માં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા થી ઘટાડી 6 ટકા કરવામાં આવી હતી. તો પ્લેટિનમ પરની આયાત જકાત ઘટાડી 6.5 ટકા કરવામાં આવી હતી.

સોના ચાંદી પર જીએસટી ઘટાડવા ભલામણ

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચેરમેન રાજેશ રોકડેએ તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે વ્યવસાયને ટેકો મળે તેની કરવેરાને તર્કસંગત બનાવવા અને નાણાંની ઉપલબ્ધતાની માંગ કરીએ છીએ. સતત વધી રહેલા સોનાના ભાવ સાથે હાલનો જીએસટી ઉદ્યોગ અને ગ્રાહકો પર વધુ બોજ લાદે છે. આથી અમે આગામી બજેટમાં જીએસટી હાલના 3 ટકાથી ઘટાડી 1 ટકા કરવા વિનંતી કરીયે છીએ.

આ પણ વાંચો | ઘર ખરીદવા સરકાર સબસીડિ આપશે! બજેટ 2025માં પીએમ આવાસ યોજના ફરી શરૂ થવા અપેક્ષા

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? મહિલા અને પુરુષ માટે અલગ અલગ નિયમ

ભારતમાં સોનું રાખવા માટે આવકવેરા વિભાગ દ્વારા ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યા છે, જેમા મહિલા અને પુરુષો માટે અલગ અલગ નિયમ છે. લિમિટ કરતા વધારે સોનું રાખવા પર તેના સ્ત્રોત વિશે જાણકારી આપવી પડે છે.

સેન્ટ્રેલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નિયમ મુજબ અપરિણીત મહિલા 250 ગ્રામ અને પરિણીત મહિલા 500 ગ્રામ પોતાની પાસે રાખી શકે છે. જ્યારે ભારતમાં પુરુષો માત્ર 100 ગ્રામ સુધીની લિમિટમાં સોનું રાખી શકે છે.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ