Union Budget 2025: બજેટ 2025 રજૂ થવાની રાહ જોવાઇ રહી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ 2025 રજૂ કરવાની સાથે નવા રેકોર્ડ બનાવશે. બજેટ સામાન્ય વ્યક્તિ થી લઇ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. બજેટથી કરવેરા વ્યવસ્થા થી લઇ જન કલ્યાણ યોજનાઓ દરેક આર્થિક બાબત પ્રભાવિત થાય છે. બજેટની દરેક લાઇન મહત્વપૂર્ણ હોય છે. હાલ સંસદમાં બજેટ સવારે રજૂ થાય છે પરંતુ વર્ષો પહેલા સાંજના સમયે રજૂ કરવામાં આવતું હતું.
બજેટ વિશે 10 રસપ્રદ વાતો
- કેન્દ્રીય બજેટ 1 એપ્રિલથી શરૂ થઇ આગામી વર્ષે 31 માર્ચના રોજ થનાર નાણાકીય વર્ષનું એક સરવૈયું હોય છે. સરળ ભાષામાં કહીય તો સરકારની અપેક્ષિત આવક અને ખર્ચનું એક વિસ્તૃત નાણાકીય આયોજન હોય છે.
- બજેટ સંસદમાં રજૂ થાય છે. સૌથી પહેલા મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ નાણાંમંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે.
- બજેટ રજૂ થવાની તારીખ અને સમય બંને બદલાયા છે. અગાઉ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ 28 કે 29 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ રજૂ થતું હતું. જો કે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ વર્ષ 2017માં 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવાની નવી પરંપરા શરૂ કરી હતી. આનું કારણ બજેટને ઝડપી મંજૂરી, વહીવટી વિલંબ દૂર કરવાનો અને સરળ નાણાકીય આયોજનની ખાતરી કરવાનો છે.
- વર્ષ 2017થી દર વર્ષે યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે. જો કે લોકસભા ચૂંટણીના વર્ષે બે વખત બજેટ થાય છે (1) અંતરિમ બજેટ અને (2) પૂર્ણ બજેટ. 1 ફેબ્રુઆરીએ અંતરિમ બજેટ હોય છે. ત્યાર પછી લોકસભા ચૂંટણી પત્યા બાદ દેશમાં નવી સરકારની રચના બાદ પૂર્ણ બજેટ રજૂ થાય છે.
- વર્ષ 1998 સુધી બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સાંજે 5 વાગે સંસદમાં રજૂ થતું હતું. વર્ષ 1999માં અટલ બિહારી વાજપાયીની સરકારમાં યશવંત સિન્હા એ બજેટ રજૂ કરવાનો સમય બદલ્યો હતો. તેણે સાંજે 5 વાગેના બદલે સવારે 11 વાગે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી. સરકારનું માનવું છે કે, ચર્ચા અને અમલીકરણ માટે આ સમય વધારે વ્યવહારિક છે
- યુનિયન બજેટ મારફતે વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોને ભંડોળની ફાળવણી કરવામાં આવે છે. બજેટમાં રક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા, માળખાગત સુવિધા, ખેતી અને સબસિડી જેવા ક્ષેત્રો માટે નાણાકીય જોગવાઇ કરવામાં આવે છે.
- કેન્દ્રીય બજેટ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. તેમાં મહેસૂલ બજેટ અને મૂડી બજેટનો સમાવેશ થાય છે. મહેસૂલ બજેટમાં સરકારના રોજિંદા ખર્ચ જેવા કે સંચાલન ખર્ચ, પગાર, પેન્શન અને નિયમિત સેવાઓ વિશે માહિતી હોય છે.
- મૂડી બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય માળખાંગત સુવિધાનો વિકાસ, શિક્ષણ યોજના અને સ્વાસ્થ્ય સેવા પહેલા જેવા લાંબાગાળાના લક્ષ્યો પાછળ રોકાણ કરવું. અલબત્ત, જ્યારે આવક કરતા ખર્ચ વધી જ્યા છે ત્યારે રાજકોષીય ખાધ આવે છે.
- બજેટ તૈયાર કરવાની પહેલા સંલગ્ન તમામ સરકાર વિભાગ, ઉદ્યોગો, આર્થિક નિષ્ણાંતો અને હિતધારકો સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવે છે. બજેટ પહેલા ઘણી બધી બેઠકો યોજાય છે. આ બેઠકોમાં દેશની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે.
- યુનિયન બજેટ ભારતની આર્થિક નીતિઓનું ઘડતર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બજેટ કર વ્યવસ્થા થી લઇ જન કલ્યાણ યોજનાઓ દરેક બાબતને પ્રભાવિત કરે છે. સામાન્ય શબ્દોમાં કહીયે તો બજેટ એક એવું દસ્તાવેજ છે કે ન માત્ર સરકારના કામને સાથે સાથે દેશના સામાન્ય નાગરિકોને પણ પ્રભાવિત કરે છે.





