Union Budget 2025: બજેટ 2025 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવાના છે. કરદાતાઓને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મીડિયા રિપોર્ટ મુજબ, સરકાર વપરાશ વધારવા અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઇન્કમ ટેક્સ ઘટાડવા વિચારણા કરી રહી છે. હાલ નવી અને જુની બંને કર પ્રણાલીમાં 10 – 15 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા કરદાતાએ સૌથી વધુ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડે છે. આવી સ્થિતિમાં સરકાર 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવા વિચારી શકે છે.
નવી કર પ્રણાલી પર નાણા મંત્રી વધુ ભાર આપશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2020માં નવી કર પ્રણાલી (New Income Tax Rregime)ની શરૂઆત કરી હતી. તેમા રોકાણ અને હોમ લોન જેવી બાબત પર કર કપાતનો લાભ મળતો નથી પરંતુ ઈન્કમ ટેક્સ રેટ ઓછો છે. શરૂઆતમાં કરદાતાઓએ નવી કર પ્રણાલી પ્રત્યે વધારે રસ દેખાડ્યો નથી, પરંતુ હવે નવી ટેક્સ રિઝિમ હેઠળ ઇન્કમ ટેક્સ ફાઈલ કરનાર કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે. આ કારણસર જ સરકાર તેને વધુ આકર્ષક બનાવવા પ્રયાસ કરી રહી છે.
નવી કર પ્રણાલી હેઠળ કેટલા કરદાતા
હાલ લગભગ 72 ટકા કરદાતા નવી કર પ્રણાલી હેઠળ ઇન્કમ ટેક્સ ફાઇલ કરે છે. તેનું મોટુ કારણ નવી કર વ્યવસ્થા ઘણી સરળ છે અને તેમા કોઇ પ્રકારની ઝંઝટ વગર મોટી રકમ ટેક્સ ફ્રી થઇ જાય છે. જ્યારે બીજી બાજુ જુની કર પ્રણાલીમાં એવા લોકો છે, જેમણે હોમ લોન લીધેલી છે અથવા ટેક્સ બચાવવા માટે ઘણી બચત યોજનાઓમાં રોકાણ કરે છે.
કેટલા લોકો ITR ફાઇલ કરે છે?
આવકવેરા વિભાગના આકારમી વર્ષ 2023-24ના આંકડા મુજબ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનાર 70 ટકા લોકો Nil રિટર્ન ફાઇલ કરે છે. તેનો અર્થ એ છે કે, તેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે. બીજી બાજુ આઇટીઆર ફાઇલ કરનાર 88 ટકા લોકોની આવક 10 લાખ રૂપિયા થી ઓછી અને 94 ટકા લોકોની 15 લાખ રૂપિયાથી ઓછી છે.
આ પણ વાંચો | ભારતના એ નાણા મંત્રી જે એક પણ બજેટ રજૂ કરી શક્યા નહીં, જાણ કેમ
10 લાખ સુધી આવક ટેક્સ ફ્રી થવાથી શું ફાયદો થશે?
આવકવેરા વિભાગના આંકડાથી સ્પષ્ટ થાય છે કે,સરકારને સૌથી વધુ આવક એવા લોકો પાસેથી મળે છે, જેમની વાર્ષિક આવક 10 – 15 લાખ રૂપિયાથી વધુ વછે. આવી સ્થિતિમાં 10 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવાનો વિચાર કરી શકે છે. તેનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. અર્થશાસ્ત્રીઓ સરકારને 10 – 15 લાખ રૂપિયાના સ્લેબમાં પણ ટેક્સ રેટ ઘટાડવા સૂચન આપી રહ્યા છે. તેનાથી લોકોના હાથમાં વધારે પૈસા બચશે, જેનાથી વપરાશ વધશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે.





