Budget 2025: બજેટ 2025માં કરદાતાઓ ઇન્કમ ટેક્સમાં મોટી રાહત મળવાની આશા રાખી રહ્યા છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના સંસદમાં બજેટ 2025-26 રજૂ કરશે. આ બજેટમાં સીતારમણ ઈન્કમ ટેક્સ ઘટાડવાની ઘોષણા કરી શકે છે. અર્થશાસ્ત્રી અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ સરકારને વપરાશ વધારવા માટે ઇન્કમ ટેક્સ ઘટાડવા સૂચન કર્યું છે. ખાસ કરીને 15 થી 20 લાખ રૂપિયા વાર્ષિક આવક વાળા કરદાતાઓને યુનિયન બજેટમાં મોટી રાહત મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ નાણા મંત્રી સીતારમણ બજેટ 2025માં જૂની કર પ્રણાલી નાબૂદ કરવાની ઘોષણા કરી શકે છે. હવે પ્રશ્ન એ છે કે, જો આવું થાય તો સૌથી વધુ નુકસાન કોને થશે?
ઇન્કમ ટેક્સની બે કર પ્રણાલી
હાલ ઈન્કમ ટેક્સની બે કર પ્રણાલી અમલમાં છે. વ્યક્તિગત કરદાતાને કોઇ એક રિઝીમ હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. વ્યક્તિગત કરદાતાને ઇન્કમ ટેક્સ રિઝીમ બદલવાની મંજૂરી છે. સરકારે બજેટ 2020માં નવી કર પ્રણાલીની ઘોષણા કરી હતી. આ રિઝીમમાં ટેક્સ રેટ ઓછો છે, પરંતુ વધારે કર કપાતનો ફાયદો મળતો નથી. જ્યારે જુની કર પ્રણાલીમાં ટેક્સ રેટ વધારે છે પરંતુ ઘણા પ્રકારના કર કપાત અને કર મુક્તિનો લાભ મળે છે.
જુની કર પ્રણાલીમાં કર કપાતના લાભ
જુની કર પ્રણાલીમાં આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ સામેલ બચત રોકાણ યોજનામાં કરેલા રોકાણ પર કર કપાતનો લાભ મળે છે. કલમ 80સી હેઠળ લગભગ 1 ડઝન રોકાણના વિકલ્પ ઉપલબ્ધ છે. તેમા પીપીએફ, ઇએલએસએસ, જીવન વીમા પોલીસી વગેરે સામેલ છે. બે બાળકોની ટ્યુશન ફીની ચૂકવણી પર પણ આ સેક્શન હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. સેક્શન 80સી હેઠળ હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર ટેક્સ ડિડક્શન મળે છે.
હોમ લોન પર કર લાભ
જુની કર પ્રણાલીમાં હોલ લોન પર કર લાભ મળે છે. એક નાણાકીય વર્ષમાં હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. આ ડિડક્શન ઇન્કમ ટેક્સની કલ 24બી હેઠળ મળે છે. ઉપરાંત હોમ લોનની મૂળ રકમ પર પણ ડિડક્શન ક્લેમની મજૂરી છે. પરંતુ તે સેક્શન 80સી હેઠળ ક્લેમ કરવાનું હોય છે, જે હેઠળ પહેલાથી લગભગ 1 ડઝન જેટલા રોકાણ વિકલ્ફ આવે છે.
આ પણ વાંચો | બજેટ 2025 કરદાતાઓને કર રાહત આપશે! કલમ 80સી લિમિટ વધવાની અપેક્ષા
જુની કર પ્રણાલી નાબુદ કરવાથી કોને વધુ નુકસાન થશે?
ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો નાણાં મંત્રી બજેટ 2025માં આવકવેરાની જુની કર પ્રણાલી નાબૂદ કરે છે તો તેનો સૌથી વધુ નુકસાન હોમ લોન ધારકોને થશે. ઘણા લોકો હોમ લોન એટલા માટે છે, કારણ કે તેનાથી તેમને બે ફાયદો થાય છે. પહેલુ પોતાના ઘરનું સપનું પુરું થાય છે. બીજું તેની કર જવાબદારી ઘણી ઓછી થઇ જાય છે. જુની કર પ્રણાલી નાબૂદ થવાથી તેમને હોમ લોન પર મળતો ટેક્સ બેનિફિટ બંધ થઇ જશે.





