Buying vs Renting House Which Is Better Option In India : ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. હાલ પ્રોપર્ટીના ભાવ સતત વધી રહ્યા છે. કોવિદ 19 બાદ હવે રિયલ એસ્ટેટ માર્કેટમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા 8થી 10 મહિનામાં મકાનોના ભાવમાં 15થી 20 ટકા કે તેથી વધુનો વધારો થયો છે. પરિણામે ઘર – મકાન ખરીદવા માટે હોમ લોન લેવી પડે છે. બીજી તરફ બેંકો પણ હોમ લોન પર કમરતોડ વ્યાજદર વસૂલે છે. હોમ લોન ચૂકવવામાં વર્ષો વિતિ જાય છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર ચર્ચા થવા લાગી છે કે, શું હોમ લોન લઇ પોતાનું ઘર ખરીદવું એ શાણપણભર્યું છે કે ભાડાના મકાનમાં રહેવું ફાયદાકારક છે. અલબત્ત બંનેના ફાયદા અને ગેરફાયદા પણ છે.
હોમ લોન – લોનની રકમ કરતા બમણી ચૂકવણી
જો તમે હોમ લોન પર ઘર ખરીદો છો, તો એક રીતે તમારે વ્યાજ અને મુદ્દલ ઉમેરીને વાસ્તવિક કિંમતથી લગભગ બમણી કિંમત ચૂકવવી પડશે. ધારો કે તમે ઘર ખરીદવા માટે બેંક માંથી 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. આ હોમ લોન 20 વર્ષની છો. હાલ એસબીઆઈ હોમ લોનનો વ્યાજદર લગભગ 9 ટકા છે. આ કેસમાં તમે 40 લાખની હોમ લોન સામે કુલ 86,37,369 રૂપિયા ચૂકવશો. જેમા 46,37,369 રૂપિયા વ્યાજ ચૂકવશો, જે હોમ લોનની કુલ રકમ કરતા વધારે રકમ છે.
- હોમ લોન રકમ : 40 લાખ રૂપિયા
 - વ્યાજ દર : 9.00 ટકા
 - લોન સમયગાળો : 20 વર્ષ
 - માસિક ઇએમઆઈ : 35989 રૂપિયા
 - કુલ વ્યાજ : 4637369 રૂપિયા
 - કુલ લોન ચૂકવણી : 8637369 રૂપિયા
 
ભાડાના મકાનમાં રહેવાના શું છે ફાયદા?
ડાઉન પેમેન્ટની કોઈ ઝંઝટ નહીં:
60થી 70 લાખ રૂપિયાનું ઘર ખરીદવા માટે તમારે સૌથી પહેલા 15 લાખથી 20 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડે છે, જે બાદ લોનની પ્રક્રિયા શરૂ થાય છે. બીજી તરફ જો તમે ભાડા પર રહેવા જઇ રહ્યા છો તો વધુમાં વધુ તમારે 2 મહિનાનું ભાડું એડવાન્સ જમા કરાવવું પડશે. જો તમે બાકીનાં નાણાંને વધુ સારી અને સુરક્ષિત યોજનામાં મૂકો છો, તો તે ઝડપથી વધતા જશે.

લોન ઈએમઆઈ કરતા અડધું ભાડુંઃ
મેટ્રો શહેરોની વાત કરીએ તો નાના પરિવાર માટે 2 બીએચકે કે 3 બીએચકે મકાન મહિનાના 10 થી 20 હજાર રૂપિયાના સરેરાશ ભાડે મળી જાય છે. જ્યારે ઘર ખરીદવા માટે તમારે મોટા ડાઉન પેમેન્ટ બાદ હોમ લોન પેટે દર મહિને 35 હજાર થી 40 હજાર રૂપિયા ઈએમઆઈ હપતો ચૂકવવો પડે છે.
અનુકૂળતા અનુસાર સ્થાન:
ઘણી વખત બાળકની શાળા, તમારી અથવા જીવનસાથીની ઓફિસ, આવવા જવાના ખર્ચને ધ્યાનમાં રાખીને તમે કયા વિસ્તારરમાં રહેવા માંગો છો તે નક્કી કરી શકાય છે. જો તમે ભાડાના મકાનમાં રહો છો અને આવી જરૂરિયાત અનુભવો છો, તો પછી મકાન બદલવું સરળ બની જાય છે.
નોકરી બદલવી સરળ:
જો તમારે તમારી નોકરી માટે અન્ય કોઇ શહેરો અથવા દેશમાં શિફ્ટ કરવાની જરૂર હોય તો તમારે ઘરના મેન્ટેનન્સ અથવા ભાડે લેવાની ચિંતા કરવાની જરૂર નથી.
હોમ રેન્ટ એલાઉન્ટ ફાયદો :
મકાનના ભાડાના બદલે આવકવેરામાં હોમ રેન્ટ એલાઉન્ટ (એચઆરએ)નો લાભ લઈ શકો છો. તે જ સમયે, ભાડા પર રહેવાથી, તમે સામાન્ય રીતે મિલકત વેરો, મેન્ટેનન્સ, રિનોવેશન અથવા પાર્કિંગ ખર્ચ જેવા અન્ય ખર્ચ બચાવી શકો છો.
પોતાનું ઘર ખરીદવાના ફાયદા
પરમેનન્ટ એસેટઃ
જો તમે તમારું પોતાનું ઘર ખરીદો છો, તો એક રીતે તે તમારા માટે કાયમી સંપત્તિ બની જાય છે. સાથે જ ભવિષ્યમાં પ્રોપર્ટીના ભાવ વધતા રહે છે. તમારું પોતાનું ઘર હોવાને કારણે શાંતિ અને માનસિક સ્થિરતા મળે છે. તેને તેની ઇચ્છા મુજબ મેન્ટેનન્સની સ્વતંત્રતા મળે છે.
ટેક્સ બેનિફિટ્સ:
તમે તમારા પોતાના ઘર માટે વ્યાજની ચુકવણી પર આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ 2 લાખ રૂપિયા સુધી અને મુખ્ય રકમ પર કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો લાભ લઈ શકો છો.

ઘર બદલવાનું ટેન્શન નહીં:
ભાડાનું મકાન હોય ત્યારે ખાલી કરવાની ચિંતા રહે છે. જ્યારે પોતાનું ઘર ખરીદવાથી તમારે સતત મકાન બદલવાની ચિંતા રહેતી નથી.
હોમ ઇક્વિટી :
હોમ ઇક્વિટી એટલે તમે હોમ ઇક્વિટી, હોમ લોન પર વ્યાજ અને તમે જે કિંમતે મકાન ખરીદ્યું છે તે સિવાયની અન્ય વસ્તુઓ પર તમે કેટલા રૂપિયા ખર્ચ્યા છે. જ્યારે તમે ઘર વેચો છો, ત્યારે આ રકમ તમારા ઘરની મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે છે.
આ પણ વાંચો | 30 લાખની હોમ લોન 15 વર્ષથી ઓછા સમયમાં કેવી રીતે ચૂકવવી? આ બાબત ધ્યાનમાં રાખો
દર વર્ષે ભાવમાં વધારો:
જો તમે લાંબા સમયથી એક જ જગ્યાએ રહેતા હોવ તો ઘર ખરીદવાનો વિકલ્પ વધુ સારો રહેશે. જો આ વિસ્તારની આસપાસ વિકાસ થાય છે, તો આગામી વર્ષોમાં તમારી સંપત્તિના ભાવમાં અનેકગણો વધારો થઈ શકે છે.





