Railway Bonus 2025 : રેલવે કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે. દશેરા પહેલા જ રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસની ઘોષણા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 10,91,146 રેલવે કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (પીએલબી) તરીકે રૂ. 1865.68 કરોડની ચુકવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. દર વર્ષે દુર્ગાપૂજા / દશેરાની રજાઓ પહેલા પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબી ચૂકવવામાં આવે છે.
પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીઓને દર વર્ષે દુર્ગાપૂજા/દશેરા અગાઉ પીએલબી ચૂકવવામાં આવે છે. આ પીએલબી દશેરા અગાઉ ચૂકવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આશરે 10.91 લાખ નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસના પગારની સમકક્ષ પીએલબી ચૂકવવામાં આવે છે.
આ બોનસ રેલવે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અને ભારતીય રેલવેની કામગીરી સુધારવા માટે કામ કરવા માટે પ્રોત્સાહન તરીકે કામ કરે છે. પાત્રતા ધરાવતા દરેક રેલવે કર્મચારીને 78 દિવસના વેતનની સમકક્ષ પીએલબી પેટે મહત્તમ 17,951 રૂપિયા ચૂકવવામાં આવશે.
ઉપરોક્ત રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેન્ટેનર, લોકો પાઇલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ)ને ચૂકવવામાં આવશે. તેમાં સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન આસિસ્ટન્ટ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ ‘સી’ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2024-25માં રેલવે વિભાગનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. રેલવે વિભાગે રેકોર્ડ 1614.90 મિલિયન ટન માલસામાન વહન કર્યું હતું અને લગભગ 7.3 અબજ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.





