મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ ભારતની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પાને રિલોન્ચ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ સાથે મળીને 50 વર્ષ જૂની સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલાએ ભારતના સોફ્ટ ડ્રિંક માર્કેટમાં ફરી એન્ટ્રી કરી છે. રિલાયન્સ શરૂઆતમાં કોમ્પા કોલાના ત્રણ ફ્લેવર – કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ માર્કેટમાં લોન્ચ કરશે. કંપનીએ તેને ‘ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ’ નામ આપ્યું છે.
કેમ્પા બ્રાન્ડ પેપ્સીકો અને કોકા-કોલાને સીધી ટક્કર આપશે
ભારતીય સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની બે સૌથી મોટી કંપનીઓ – પેપ્સીકો અને કોકા-કોલાને સીધી ટક્કર આપશે. માર્કેટ એક્સપર્ટનું અનુમાન છે કે કેમ્પા બ્રાન્ડ પેપ્સીકો અને કોકા-કોલાના માર્કેટમાં સીધો પ્રવેશ કરશે. રિલાયન્સનું કહેવું છે કે રિલાયન્સ ભારતમાં તેની પોતાની રિટેલ ચેઈનના આધાર પર આ વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધા કરવા તૈયાર છે.
આ લોન્ચિંગ પ્રસંગે નિવેદન આપતા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું, “કેમ્પાને તેના નવા અવતારમાં રજૂ કરીને, અમે આશા રાખીએ છીએ કે ગ્રાહકોની આગામી પેઢી આ આઇકોનિક બ્રાન્ડને અપનાવશે, યુવા ગ્રાહકોને નવો સ્વાદ ગમશે. ઝડપથી વિકસતા ભારતીય બજારમાં વધુ વપરાશને કારણે કેમ્પા માટે ઘણી તકો છે.
કેમ્પા 1 અને 2 લિટરના પેકમાં ઉપલબ્ધ
200, 500 અને 600 ml ના પેક ઉપરાંત, કંપની 1 અને 2 લીટરના સ્થાનિક પેકમાં પણ કેમ્પા સોફ્ડ ડ્રિંક ઓફર કરશે. RCPL એ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી શરૂ કરીને સમગ્ર ભારતમાં તેનો કોલ્ડ બેવરેજ પોર્ટફોલિયો બહાર પાડ્યો છે. કંપનીનું વિઝન ભારતીય ઉપભોક્તાઓને પોસાય તેવા દરે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોની સેવા આપવાનું છે.