Cheapest Home Loan EMI: હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સારો હોઈ શકે છે. આરબીઆઈ (RBI) એ શુક્રવાર, 6 જૂનના રોજ રેપો રેટમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો છે અને હવે તે ઘટીને 5.5% થઈ ગયો છે. ફેબ્રુઆરી થી જૂન 2025 સુધીના 5 મહિનામાં RBI એ રેપો રેટમાં કુલ 1 ટકાનો ઘટાડો કર્યો છે.
હોમ લોન સહિત વિવિધ બેંક લોન સસ્તી થઇ
આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ હોમ લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર ઘટ્યા છે. તેનાથી જુની લોનના ઇએમઆઈ અને નવી લોનના વ્યાજદર ઘટતા ગ્રાહકોને મોટો ફાયદો થયો છે. તાજેતરના રેપો રેટ કટ બાદ ઘણી બેંકોએ તેમના હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેનાથી તમારા લોનના માસિક હપ્તા એટલે કે EMI (Home Loan EMI) ની રકમ પહેલા કરતા ઓછી થઇ શકે છે. સારી વાત એ છે કે આ રાહત ફક્ત નવા લોન લેનારાઓ માટે જ નથી, પરંતુ જેમણે પહેલાથી લોન લીધી છે તેમને પણ તેનો લાભ મળશે.
બેંક ઓફ બરોડા (BOB)
બેંક ઓફ બરોડા એ હોમ લોન સસ્તી RBIના રેટ કટનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપ્યો છે. બેંક ઓફ બરોડા એ તેના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં 0.50% ઘટાડો કર્યો છે, જે હવે ઘટીને 8.15% થઈ ગયો છે. વેબસાઇટ અનુસાર, હોમ લોનનો પ્રારંભિક દર 8% થી શરૂ થઈ રહ્યો છે, જો કે નવા ઘટાડા પછીના દરો હજુ સ્પષ્ટ નથી.
પંજાબ નેશનલ બેંક (PNB)
પીએનબી એ પણ ગ્રાહકોને રાહત આપી છે. બેંકે તેનો આરએલએલઆર 8.85% થી ઘટાડીને 8.35% કર્યો છે, જે આવતીકાલથી એટલે કે સોમવાર 9 જૂનથી લાગુ થશે. બેંકે સોશિયલ મીડિયા પર લખ્યું – “ગ્રાહકો માટે સારા સમાચાર! હવે તમારો ઇએમઆઈ વધુ સસ્તો થયો છે.” હવે પીએનબી પાસેથી હોમ લોન લેનારાઓને પ્રારંભિક વ્યાજ દર 7.45% અને ઓટો લોનનો દર વાર્ષિક 7.80% મળશે.
બેંક ઓફ ઇન્ડિયા (BOI)
બેંક ઓફ ઈન્ડિયા એ પણ હોમ લોન રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. હવે તેનો RLLR ઘટીને 8.35% થઈ ગયો છે. બેંકે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.
યુકો બેંક (Uco Bank)
યુકો બેંકે પણ લોન લેનારાઓને રાહત આપી છે. બેંકે તેના MCLR દરોમાં 0.10% ઘટાડો કર્યો છે, જે 10 જૂનથી અમલમાં આવશે. નવા દર નીચે મુજબ છે.
લોનની મુદત જુનો દર નવો દર ઓવરનાઇટ 8.25% 8.15% એક મહિનો 8.45% 8.35% 3 મહિના 8.60% 8.50% 6 મહિના 8.90% 8.80% 1 વર્ષ 9.10% 9.00%
આ પણ વાંચો | RBI એ રેપો રેટ ઘટાડતા 30 લાખની હોમ લોન EMI કેટલો ઘટશે? જાણો અહીં
ઓછો EMI, વધુ બચત
આરબીઆઈ દ્વારા સતત 3 વખત રેપો રેટ ઘટાડવામાં આવતા ગ્રાહકોને સસ્તી હોમ લોનનો લાભ મળી રહ્યો છે. જેમની લોન રેપો રેટ સાથે જોડાયેલી છે (જેમ કે RLLR સાથે હોમ લોન), તેમનો EMI હવે પહેલા કરતા ઓછો થઈ ગયો છે. આનો અર્થ એ છે કે – હવે ઘર ખરીદવું પહેલા કરતા વધું સરળ થઈ ગયું છે.