LPG gas cylinder prices Reduction | કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો : દેશમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30થી 32 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપરાંત 5 કિલો એફટીએલ (ફ્રી ટ્રેડ એલપીજી) સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ગુજરાત – અમદાવાદમાં ગેસ સિલિન્ડરના નવા ભાવ
સૂત્રોએ જણાવ્યું કે, 1 એપ્રિલથી અમદાવાદમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર ગેસની કિંમત ઘટીને 1784.50 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1816 રૂપિયા હતો. તો દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને 1764.50 થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1879 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં હવે તેની કિંમત 1,717.50 રૂપિયા થશે, જ્યારે ચેન્નઈમાં હવે તેની કિંમત 1,930 રૂપિયા હશે.
ત્રણ મહિનાથી વધી રહ્યા હતા ભાવ
તમને જણાવી દઈએ કે, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ છેલ્લા ત્રણ મહિનાથી સતત વધી રહ્યા હતા, જેના કારણે લોકો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો હતો. પરંતુ હવે ચૂંટણી મહિનામાં તેલ કંપનીઓએ ભાવ ઘટાડીને સામાન્ય જનતાને મોટી ભેટ આપી છે.
આ પહેલા મોદી સરકારે મહિલા દિવસ પર સામાન્ય જનતાને મોટી રાહત આપતા 14 કિલો ગેસ સિલિન્ડરમાં મોટી રાહત આપી હતી. આ પછી એલપીજીની કિંમત 100 રૂપિયા સુધી ઘટી ગઈ હતી. એલપીજી સિલિન્ડરની કિંમત 810 રૂપિયા, દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નઈમાં 818.50 રૂપિયા છે.
મહિલા દિવસે રાહત આપતા પહેલા કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ભેટ પણ આપી હતી. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતા સિલિન્ડર પરની સબસિડી 31 માર્ચ 2025 સુધી વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી.
આ પણ વાંચો – 2000 રૂપિયાની નોટ વિશે મોટા સમાચાર, જાણો RBI એ ચલણી નોટ જમા અને એક્સચેન્જ કરવા વિશે શું કહ્યું
રિટેલ ફુગાવો ઘટ્યો
આ પહેલા આર્થિક મોરચે સરકાર માટે મોટા સમાચાર આવ્યા હતા. જાન્યુઆરી 2024 ની સરખામણીએ રિટેલ મોંઘવારી ઘટીને 5.09 થઈ ગઈ છે. આ છેલ્લા ચાર મહિનાનું સૌથી નીચલું સ્તર છે. જાન્યુઆરીમાં ફુગાવો 5.1 ટકા હતો, જ્યારે ડિસેમ્બરમાં તે 5.69 ટકા હતો. જાન્યુઆરી 2023માં આ આંકડો 6.52 ટકા રહ્યો હતો. ઓગસ્ટ 2023 માં, રિટેલ ફુગાવાનો દર 6.83% ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.