DA Hike News : દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને કેન્દ્ર સરકાર તરફથી મોટી ખુશખબર મળી શકે છે. 8માં વેતન પંચની તૈયારીઓ વચ્ચે 7માં વેતન પંચ હેઠળ મોંઘવારી ભથ્થું (Dearness Allowance) બહુ જલદી વધી શકે છે. સરકાર જુલાઇ થી ડિસેમ્બર 2025 દરમિયાનનું ડીએ 3 ટકા સુધી વધારી શકે છે. જો આમ થાય તો સરકારી કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થુ 55 ટકાથી વધી 58 ટકા થઇ જશે. ડીએ વધવાથી લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકોને મોટો ફાયદો થશે.
DA વર્ષમાં બે વખતે વધે છે
સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરે છે. જાન્યુઆરી થી જૂન અને જુલાઇથી ડિસેમ્બર સમયગાળા માટે મોંઘવારી ભથ્થું સંશોધિત કરવામાં આવે છે. સરકાર ગમે ત્યારે ડીએ વધારે પરંતુ તેનો અમલ નિર્ધારિત સમયગાળામાં માનવામાં આવે છે. સરકારે માર્ચ 2025માં જાન્યુઆરી થી જૂન 2025 માટે ડીએ 2 ટકા વધાર્યું હતું, તે સમયે મોંઘવારી ભથ્થુ 53 ટકાથી વધી 55 ટકા થયું હતું. મનીકન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે દિવાળી પહેલા જુલાઇ ડિસેમ્બર 2025 માટે 3 ટકા ડીએ વધારવાની ઘોષણા થઇ શકે છે. જો આમ થાય તો કુલ મોંઘવારી ભથ્થું વધીને 58 ટકા થઇ જશે.
સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન વધશે
DA ની ગણતરી બેઝિક પગાર પર થાય છે. આથી મોંઘવારી ભથ્થમાં વધારાની અસર કર્મચારીઓ અને પેન્શનધારકો પર અલગ અલગ હોય છે. દાખલા તરીકે, પેન્શનધારકની લઘુત્તમ પેન્શન 9000 રૂપિયા છે અને હાલ 55 ટકા ડીએ પર તેમને 4950 રૂપિયા વધારાના મળે છે, એટલે કે કુલ પેન્શન 13950 રૂપિયા થઇ જાય છે. જો ડીએ વધીને 58 ટકા થાય તો 5220 રૂપિયા મળશે. એટલે કે કુલ પેન્શનની રકમ વધીને 14220 રૂપિયા થઇ જશે. આમ માસિક પેન્શનની રકમ 270 રૂપિયા વધી જશે.
પગાર કેટલો વધશે?
જો કોઇ કર્મચારીને હાલ 18000 રૂપિયા લઘુત્તમ વેતન પર 55 ટકા ડીએના 9900 રૂપિયા સાથે કુલ 27900 રૂપિયા પગાર મળે છે. હવે ડીએ વધીને 58 ટકા થતા તેમનું કુલ મોંઘવારી ભથ્થું વધીને 10440 રૂપિયા થશે. આથી કર્મચારીનો કુલ પગાર 28400 રૂપિયા થઇ જશે. આમ દર મહિને 540 રૂપિયા વધારે મળશે.
સરકાર DA ક્યારે વધારશે?
હાલ સરકાર તરફથી આ મામલે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. જો કે પાછલા વર્ષોનો ટ્રેન્ડ જોઇયે તો સરકારે નવરાત્રી બાદ અને દિવાળી પહેલા ડીએ વધારવાની ઘોષણા કરી છે. આથી આ વખતે પણ એવી અપેક્ષા છે કે, દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકોનું ડીએ 3 ટકા વધી શકે છે. આમ થાય તો લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકોનો પગાર અને પેન્શન વધશે અને તહેવારોમાં વધારે ખર્ચ કરી શકશે.





