8th Pay Commission: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ)ની જાહેરાત દિવાળીની આસપાસ થઈ શકે છે. અમારા સહયોગી ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે ડીએમાં 3 ટકાનો વધારો થઇ શકે છે. આ રીતે ડીએ હાલના 55 ટકાના સ્તરથી વધીને 58 ટકા થઈ જશે.
છેલ્લા 12 મહિનાના ફુગાવાના આંકડા અને ફોર્મ્યુલા આધારિત ગણતરીઓના આધારે ડીએ વર્ષમાં બે વાર સંશોધિત કરવામાં આવે છે. લેબર બ્યૂરોના આંકડા મુજબ, જૂન 2025 માટે અખિલ ભારતીય સીપીઆઈ-આઈડબ્લ્યુ 1 અંક વધીને 145 થયો છે. જાન્યુઆરી 2025માં સરકારે ડીએમાં માત્ર 2% નો વધારો કર્યો હતો, જે 53% થી વધારીને 55% કર્યો હતો. તે સમયે કર્મચારીઓમાં થોડી નિરાશા પણ જોવા મળી હતી, કારણ કે તેના કરતા અપેક્ષાઓ ઘણી વધારે હતી.
તાજેતરમાં, લેબર બ્યુરોએ જૂન 2025 માટે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ-આઇડબ્લ્યુ) બહાર પાડ્યો છે, જે 145 હતો. આ સાથે જુલાઈ 2024થી જૂન 2025 ની વચ્ચે 12 મહિનાનો સરેરાશ સૂચકાંક 143.6 થઈ ગયો છે.
DA ની ગણતરી કેવી રીતે થાય છે?
7માં પગાર પંચ હેઠળ ડીએ ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવે છે:
મોંઘવારી ભથ્થું (%) = [(CPI-IW સરેરાશ × 2.88) – 261.42] ÷ 261.42 × 100
હવે જુલાઈ 2024 થી જૂન 2025 સુધીના 12 મહિના માટે સીપીઆઈ-આઈડબ્લ્યુ સરેરાશ 143.6 છે.
તેને સુત્રમાં લખો:
= [(143.6 × 2.88) – 261.42] ÷ 261.42 × 100= (413.57 – 261.42) ÷ 261.42 × 100= 152.15 ÷ 261.42 × 100= 58.2%
સરકારી પ્રથા મુજબ, દશાંશને બાકાત રાખવામાં આવે છે એટલે કે ડીએ = 58%. આનો અર્થ ૩ ટકા ડીએ વધારો થઈ શકે છે.
અગાઉ કરતા વધુ સારો DA વધશે?
અમારા સહયોગી ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025 માં માત્ર 2% ડીએ વધારા સાથે, એકંદર દર વધીને 55% થઈ ગયો હતો. હવે જુલાઈ 2025 થી 3% ના વધારા સાથે, તે 58% હશે. તેનાથી કર્મચારીઓને વધારાનો રોકડ લાભ મળશે, ખાસ કરીને તહેવારોની મોસમમાં.
ડીએ વધવાની જાહેરાત ક્યારે થશે?
જો કે નવું ડીએ 1 જુલાઈ, 2025 થી લાગુ માનવામાં આવશે, પરંતુ કેન્દ્ર સરકાર સામાન્ય રીતે તહેવારો પહેલા જ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં તેની જાહેરાત કરે છે. અમારા પાર્ટનર ફાઈનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે આ વખતે પણ ડીએ/ડીઆર વધારાની ઔપચારિક જાહેરાત દિવાળીની આસપાસ થઈ શકે છે.
7માં વેતન પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થાય છે.
જુલાઈ-ડિસેમ્બર 2025 નો આ ડીએ વધારો 7 મા પગાર પંચ હેઠળ સૂચવવામાં આવેલો છેલ્લો વધારો હશે, જેની મુદત 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થાય છે.
જાન્યુઆરી 2025 માં 8 મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી, તેમ છતાં સરકારે ન તો તેના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત કરી છે કે ન તો ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર) જારી કર્યા છે. સરકાર એપ્રિલ સુધીમાં ટર્મ ઓફ રેફરન્સ તૈયાર કરશે તેવા સંકેતો મળ્યા હતા, પરંતુ હજુ સુધી કોઇ નક્કર પ્રગતિ થઇ શકી નથી.
8માં વેતન પંચમાં વિલંબ થવાની શક્યતા
અમારા સહયોગી ફાઈનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, જો આપણે અગાઉના વેતન પંચના ઇતિહાસ પર નજર નાખીએ, તો કોઈપણ કમિશનની ભલામણોને લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે. આ આધાર પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 8માં પગાર પંચની ભલામણોને 2027માં લાગૂ કરી શકાય છે. આનો અર્થ એ છે કે ત્યાં સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના હાલના મૂળભૂત પગાર પર ડીએ વધારો મળતો રહેશે.





