Government Employee DA Hike: કેન્દ્ર સરકાર દ્વારા 28 માર્ચે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપ્યા હતા. જી હા, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનર્સ માટે ડીઆરમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિયરનેસ એલાઉન્સ (ડીએ)માં વધારો 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવશે, અને 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
આ વખતે ડીએમાં વધારાની જાહેરાત થોડી મોડી થઈ છે. સામાન્ય રીતે સરકાર હોળી કે દિવાળી પહેલા જાહેરાત કરતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી-જૂન માટે વધારાની જાહેરાત માર્ચના અંતમાં કરવામાં આવી હતી.
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વધારો થયો
આ વખતે ડીએમાં માત્ર 2 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો છે. સામાન્ય રીતે સરકાર 3 ટકા કે 4 ટકાનો વધારો આપતી હતી, પરંતુ આ વખતે તે માત્ર 2 ટકા સુધી જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા સરકારે જુલાઈ-ડિસેમ્બર 2024 માટે ડીએ 50 ટકાથી વધારીને 53 ટકા કરી દીધું હતું. હવે તે 55% હશે.
પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે?
7માં પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીનો લઘુતમ મૂળ પગાર 18,000 રૂપિયા છે. ડીએ 2 ટકા વધવાથી પગારમાં દર મહિને 360 રૂપિયા વધુ મળશે, જેનો અર્થ છે કે ત્રણ મહિના (જાન્યુઆરીથી માર્ચ 2025) માટે એરિયર્સ 1,080 રૂપિયા હશે.
9,000 રૂપિયા લઘુત્તમ બેઝિક પે મેળવનારા પેન્શનરો માટે, એરિયર્સ 540 રૂપિયા હશે, જે એપ્રિલ 2025 ના પેન્શનની સાથે ચૂકવવામાં આવશે.
8માં વેતન પંચની જાહેરાત પછી પ્રથમ વધારો
8માં વેતન પંચની જાહેરાત બાદ ડીએમાં આ પ્રથમ વધારો છે. સરકારે 16 જાન્યુઆરી, 2025 ના રોજ 8માં વેતન પંચની રચનાની જાહેરાત કરી હતી, જેની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.
સામાન્ય રીતે વેતન પંચની ભલામણો તૈયાર કરવામાં 1 વર્ષનો સમય લાગે છે, તેથી આ વર્ષે દિવાળીની આસપાસ જાહેર થનાર જુલાઈ-ડિસેમ્બર 2025 માટે ડીએ વધારો સાતમા પગાર પંચ હેઠળ છેલ્લો રહેશે.
સરકાર જુલાઈ-ડિસેમ્બર 2025 માટે ઓક્ટોબર-નવેમ્બર 2025 માં ડીએ વધારાની જાહેરાત કરશે. 8માં પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ ડીએ બેઝિક સેલેગી જોડવામાં આવશે અને ત્યારબાદ તે શૂન્યથી શરૂ થશે.
હાલ એપ્રિલમાં વધેલા ડીએ અને ત્રણ મહિનાના એરિયર્સથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે. હવે 8માં વેતન પંચ પર સૌની નજર છે, ટૂંક સમયમાં જ સરકાર પગાર સમિતિના સભ્યોના નામ જાહેર કરી શકે છે. સમિતિ ૧૫ થી ૧૮ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. સમિતિની ભલામણોના આધારે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત લોકો માટે પગાર અને પેન્શનમાં વધારા અંગે નિર્ણય લેશે.





