(હિતેષ વ્યાસ) કેન્દ્ર સરકારે ડેટ મ્યુચ્યુઅલ ફંડના ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફારની દરખાસ્ત કરી છે, જે મુજબ ડેટ ફંડ્સ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG)ની ગણતરી માટે ઇન્ડેક્સેશનના લાભો 1 એપ્રિલ, 2023 ના રોજ અથવા તે પછી કરવામાં આવેલા રોકાણો માટે પાછા ખેંચવામાં આવશે.
આ ફેરફારો ડેટ-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પર લાગુ થશે જેઓ તેમના ભંડોળની ઓછામાં ઓછી 65 ટકા રકમનું ડેટ સિક્યોરિટીઝ અને માત્ર 35 ટકા રકમનું ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરે છે. આ ફંડમાં હવે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર ટેક્સ આર્બિટ્રેજ લાગુ પડશે નહીં, જ્યાં વ્યાજની આવક પર વ્યક્તિગત દરે ટેક્સ લાદવામાં આવે છે.
FY2022-23 સુધી ડેટ મ્યુ. ફંડ્સ પર કેવી રીતે ટેક્સ વસૂલવામાં આવ્યો?
31 માર્ચ, 2023 સુધી ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરેલા રોકાણની સમય મર્યાદાના આધારે ટેક્સ લાદવાની મંજૂરી આપે છે.
જો ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરેલું રોકાણ 36 મહિના એટલે કે 3 વર્ષ સમાપ્ત થવા પર અથવા તેની પહેલા ઉપાડી લેવામાં આવે તો તેમાં થતી કમાણીને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) કહેવામાં આવે છે. વ્યક્તિગત આવકના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે ટૂંકા ગાળાના મૂડી લાભો પર ટેક્સ વસૂલવામાં આવે છે.
જો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણનો સમયગાળો 36 મહિનાથી વધારે થઇ જાય તો તેમાંથી થતી કમાણીને
લાંબા ગાળાના મૂડી લાભ એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) કહેવામાં આવે છે. લાંગા ગાળાના
મૂડી લાભો પર ઇન્ડેક્સેશન બેનેફિટ્સ સાથે 20 ટકા ટેક્સ કર લાદવામાં આવે છે.
ઇન્ડેક્સેશન બેનેફિટ શું છે?
ઈન્ડેક્સેશન એટલે રિડેમ્પશન કોસ્ટમાં ફુગાવાને ધ્યાનમાં લીધા પછી કોસ્ટ ઓફ ફંડને એડજસ્ટ કરવું છે. તે સમાન સમયગાળા દરમિયાન ફુગાવાને ધ્યાનમાં લીધા બાદ મૂડીરોકાણના નવા વેલ્યૂની ગણતરી કરવામાં મદદ કરે છે.
ઇન્કમ ટેક્સના નિયમમાં શું સુધારો કરવામાં આવ્યો ?
નાણા મંત્રાલયે એક પરિપત્રમાં જણાવ્યું કે, “ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવક પર લાગુ પડતા દરે ટેક્સ લાદવાની દરખાસ્ત છે કારણ કે તેનું સ્વરૂપ વ્યાજની આવકનું છે.”
તદનુસાર, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર LTCGની ગણતરી માટે ઇન્ડેક્સેશન બેનેફિટ્સ 1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી કરવામાં આવેલા રોકાણો માટે ઉપલબ્ધ રહેશે નહીં – જ્યાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં કુલ ભંડોળની 35 ટકાથી ઓછી રકમનું સ્થાનિક કંપનીઓના ઇક્વિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે.

આવા ડેટ મ્યુ. ફંડ્સમાં કરેલા રોકાણો પર હવે તમારે લાગુ પડતા દરે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. આનાથી ડેટ મ્ચુચ્યુઅલ ફંડ્માં રોકાણ કરવું એ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા સમાન થઇ જશે. નિયમમાં ફેરફાર બાદ ડેટ અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડની માટે વ્યાવહારિક રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની વચ્ચે કોઇ ખાસ તફાવત રહેશે નહીં. ડેટ મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ અને માર્કેટ લિંક્ડ ડિબેન્ચર (એમએલડી) ની માટે કરવેરાના દર હવે લગભગ સમાન થઇ જશે. આવી સ્થિતિમાં બેંક FDમાં જોખમ ઓછું રહેવાના કારણે રોકાણકારોમાં ડેટ ફંડ્સનું આકર્ષણ ઘટી શકે છે. જો કે ડેટ ફંડ્સમાં એક્ઝિટ ચાર્જ વસૂલવામાં આવતો નથી, એટલે કે તેમાંથી ગમે ત્યારે રોકાણ પાછું ખેંચી શકાય છે.
રોકાણકારોને શું અસર થશે?
ધારો કે તમે માર્ચ 2018માં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું (ઇક્વિટીમાં 35 ટકા કરતાં ઓછું રોકાણ) અને પાંચ વર્ષ પછી માર્ચ 2023માં તેનું મૂલ્ય વધીને 3 લાખ રૂપિયા થયું છે. હાલના નિયમ મુજબ ઇન્ડેક્સેશન બેનેફિટ લાગુ કરવામાં આવશે ત્યારે તમારો 1 લાખ રૂપિયાનો મૂડી લાભ રહેશે નહીં, પરંતુ પાંચ વર્ષમાં ફુગાવા માટે એડજસ્ટ કરવામાં આવશે.
આથી,જો આ સમયગાળામાં ઇન્ડેક્સ ફુગાવાનો ખર્ચ 100 થી વધીને 125 થાય છે, તો એક્વિઝિશનનો ખર્ચ 2 લાખ રૂપિયાથી (2 લાખ રૂપિયા x 125/100) ને બદલે 2.5 લાખ રૂપિયા ગણવામાં આવશે – અને તમારા મૂડી લાભની રકમ માત્ર 50,000 રૂપિયા થશે (3 લાખ રૂપિયાથી ઓછી 2.5 લાખ રૂપિયા) અને તમારે 50,000 રૂપિયાની કમાણી પર 20 ટકાના દરે 10,000 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે.
હવે, જો 1 એપ્રિલ, 2023 થી ઇન્ડેક્સેશન બેનેફિટ્સ પાછો ખેંચી લીધા બાદ જો તમે આગામી પાંચ વર્ષમાં સમાન લાભ મેળવો છો, તો તમારે સીમાંત કર દરે ટેક્સ ચૂકવવો પડશે. ટેક્સની ગણતરી 1 લાખ રૂપિયા(3 લાખ રૂપિયાથી ઓછા 2 લાખ રૂપિયા) પર થશે. અને જો તમે 30 ટકા ટેક્સના દાયરામાં આવો છો તો (સેસ સહિત 31.2%), તો તમારે 31,200 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર કેવી અસર થશે?
ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સે નવા નિયમની પ્રતિકુળ અસર થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. એડલવાઈસ AMCના પ્રોડક્ટ અને માર્કેટિંગ હેડ નિરંજન અવસ્થીએ જણાવ્યું કે, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી ઈન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવું એ બોન્ડ માર્કેટ માટે મોટા ફટકા સમાન છે જે હજી પણ લિક્વિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડો એકમાત્ર મોટા સક્રિય સંસ્થાકીય રોકાણકારો છે જે બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી લાગે છે.
ફાઇનાન્સિયલ એડવાઇઝરી ફર્મ ફિન્ટૂના સ્થાપક મનીષ પી હિંગરે જણાવ્યું કે, નિયમમાં સંશોધનના પરિણામે રોકાણકારો ડેટ ફંડના બદલે રોકાણના અન્ય વિકલ્પો તરફ ફંટાઇ શકે છે, ખાસ કરીને નાના રોકાણકારો કારણ કે, અલ્ટ્રા-હાઇ નેટવર્થ અને મોટા ધનિક રોકામકારો બેંક ફિક્સ્ડ ડિપોઝિટ જેવા સલામત આશ્રયસ્થાનોમાં રોકાણ કરવાનું પસંદ કરી શકે છે.
શું બેંક FDનું આકર્ષણ ફરી વધશે?
આવું થવું જરૂર નથી. અમુક માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે, બોન્ડ માર્કેટમાં ટ્રેડિંગના કારણે તેમના એક્ટિવ
ફંડ મેનેજમેન્ટ અને મૂડી લાભો લીધે ડેટ ફંડ્સ હજુ પણ બેંક એફડી કરતા આકર્ષક છે. 5 લાખ રૂપિયા સુધીની થાપણો પર વીમા કવચ મળતું હોવાથી રૂઢિચુસ્ત રોકાણકારો બેંક FDને પહેલી પ્રાથમિકતા આપી શકે છે, તો કેટલાક બચત કરનારા રોકાણકારો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પસંદ કરી શકે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ તેઓ સબ્સ્ક્રાઇબ કરે તો બોન્ડ પેપરના જોખમને કારણે કેટલાક રિસ્ક પણ આવી શકે છે.