DeepSeek Privacy Risks: ચીનની ડીપસીક એપ વિશે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં આ એપ એક નવા પડકાર તરીકે ઉભરી આવી છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ડીપસીક એપ અમેરિકામાં સૌથી વધુ ડાઉનલોડ થનાર એપ્લિકેશનમાં સામેલ થઇ છે અને અત્યાર સુધીમાં તેને 1 કરોડથી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમે પણ ડીપસીક એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરવા વિચારો છો તો સૌથી પહેલા તેના સંબંધિત જોખમ વિશે જાણકારી હોવી જોઇએ.
DeepSeek Privacy Risks : ડીપસીક એપ પ્રાયવસી રિસ્ક
ડીપસીક એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવાની પહેલા સંભવિત પ્રાવયસી જોખમ વિશે સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે, જો તમે આ એપ ઇન્સ્ટોલ કરી તો તમારે અમુક સંભવિત જોખમનો સામનો કરવો પડી શકે છે. તાજા સમાચાર એ પણ છે કે સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખી અમેરિકાની નેવીએ આ એપ ઇન્સ્ટોલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, તમારે ડીપસીક ઇન્સ્ટોલ કરવું જોઈએ? આ સવાલના જવાબ પર આવતા પહેલા, ચાલો ટૂંકમાં જાણી લઈએ કે ડીપસીક એપ શું છે.
What Is DeepSeek : ડીપસીક એપ શું છે?
ડીપસીક ચાઇનીઝ ટેક સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલું એઆઈ ચેટબોટ છે, જે 2023 માં લિઆંગ વેનફેંગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એપ અમેરિકા સહિત ઘણા દેશોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને એપલ એપ સ્ટોરમાં ટોપ ડાઉનલોડ્સમાં સામેલ થઈ છે. ડીપસીકનું ઈન્ટરફેસ ચેટજીપીટી જેવું જ છે, જ્યાં યુઝર્સ ટેક્સ્ટ દ્વારા પ્રશ્નો પૂછી શકે છે અને વાતચીતના જવાબો મેળવી શકે છે. જોકે, હાલમાં તેમા ઈમેજ જનરેશન જેવા ફીચર નથી.
ડેટા કલેક્શન અને ગોપનીયતા સામે ખતરો
દરેક એઆઈ એપ યુઝર્સના ડેટા પ્રોસેસ કરે છે, પરંતુ ચાઈનીઝ એપ્સને વિશે ગોપનીયતા ગંભીર ચિંતાનો વિષય છે. ડીપસીક યુઝર્સના ઇન્ટરેક્શન અને ટેકનિકલ માહિતીને પણ સ્ટોર કરે છે. આ ડેટા માત્ર કંપનીના સર્વર પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચીન સરકાર સુધી પહોંચવાની પણ શક્યતા છે.
ચીનના સાયબર સુરક્ષા કાયદા હેઠળ સરકાર કોઈપણ સમયે ત્યાંની કંપનીઓ પાસેથી યુઝર ડેટાની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ડીપસીકનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે સમજવું જરૂરી છે કે તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત જગ્યાએ નથી. સમાન ચિંતાઓને કારણે, અન્ય લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન TikTok પર ભારત સહિત ઘણા દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચીન માટે સેન્સરશિપ
ઘણા યુઝર્સે શોધી કાઢ્યું છે કે ડીપસીકને સવાલ જવાબ કરતી વખતે, તે ચીનની સરકાર માટે સંવેદનશીલ એવા ઘણા મુદ્દાઓનો જવાબ આપતું નથી. ઉદાહરણ તરીકે, તે 1989 ના થિયાનમેન સ્ક્વેર હત્યાકાંડ અથવા ભારત ચીન સરહદ વિવાદ સંબંધિત પ્રશ્નોના જવાબો આપવાથી દૂર રહે છે. આ દર્શાવે છે કે ડીપસીક ચીનના દૃષ્ટિકોણથી સેન્સરશીપની નીતિ અપનાવે છે.
ટેકનિકલ ખાસિયત
ડીપસીક એપનું મુખ્ય આકર્ષણ તેની એડવાન્સ એઆઈ ક્ષમતાઓ છે. કંપનીનો દાવો છે કે તે ઓછા ખર્ચે OpenAI અને Google જેવી કંપનીઓના ચેટબોટ્સ કરતાં વધુ અસરકારક છે. ડીપસીકની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં સરળ યુઝર ઈન્ટરફેસ, ફ્રી એક્સેસ એટલે કે iOS અથવા એન્ડ્રોઈડ પર ફ્રી ડાઉનલોડ અને ઉપયોગ અને મોટા પાયે ડેટા પ્રોસેસ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. જો કે, આ એપમાં વપરાતી ચિપ્સ તુલનાત્મક રીતે ઓછી એડવાન્સ્ડ છે, જે તેની કામગીરીને મર્યાદિત કરી શકે છે.
તમારે ડીપસીક એપ ઇન્સ્ટોલ કરવી જોઈએ?
હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, શું તમારે ચાઈનીઝ એપ ડીપસીક ઈન્સ્ટોલ કરવી જોઈએ? સૌ પ્રથમ, જાણી લો કે તમે ડીપસીક ઇન્સ્ટોલ કરો કે તરત જ તમારે તેને તમારા ફોનની સંપૂર્ણ ઍક્સેસ મેળવવાની પરવાનગી આપવી પડશે. આમાં તમારી વ્યક્તિગત માહિતી, મેસેજ, લોકેશન અને અન્ય સંવેદનશીલ ડેટા શામેલ હોઈ શકે છે. એટલા માટે તમારે તેને ઇન્સ્ટોલ કરતા પહેલા નીચેની ગોપનીયતા અને ડેટા સુરક્ષા સંબંધિત જોખમ સમસ્યા વિશે વિચાર કરવો જોઈએ:
- શું તમે તમારી અંગત માહિતી અજાણી વિદેશી એપ્લિકેશન સાથે શેર કરવા માંગો છો?
- શું તમે તમારો ડેટા ખોટા હાથમાં પડવાનું જોખમ લઈ શકો છો?
જો તમારી પ્રાથમિકતા ડેટા સુરક્ષા અને ગોપનીયતા છે, તો તમારા ઉપકરણ પર ડીપસીક જેવી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવી અને તેનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે.
આ પણ વાંચો | ડીપસીક શું છે, કેવી રીતે ડાઉનલોડ કરવું? ચીનના એઆઈ ચેટબોટ થી અમેરિકામાં ખળભળાટ
ડીપસીક એક અસરકારક AI ચેટબોટ એપ્લિકેશન હોઈ શકે છે, પરંતુ તે ગોપનીયતા અને ડેટા સુરક્ષાના સંદર્ભમાં ગંભીર પ્રશ્નાર્થ છે. આવી સ્થિતિમાં, જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા તેના સંભવિત જોખમોને કાળજીપૂર્વક સમજો. કોઈપણ અજાણી વિદેશી એપને તમારા ફોનનો સંપૂર્ણ એક્સેસ આપતા પહેલા સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે ખોટો નિર્ણય તમારા પર્સનલ ડેટાને જોખમમાં મૂકી શકે છે.





