Diwali 2024 Sensex And Gold Investment Tips: સોનામાં શાનદાર રિટર્ન મળ્યું છે. શેરબજારનો દેખાવ પણ 2024માં એકંદરે સારો રહ્યો છે. અલબત્ત છેલ્લા 3 સપ્તાહમાં શેરબજારમાં મોટા ઘટાડા બાદ સ્ટોક્સના ભાવ ઘણા આકર્ષક સ્તરે આવી ગયા છે. હાલ સેન્સેક્સ 80300 લેવલ આસપાસ છે. તો બીજી બાજુ સોનું 81000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોના મનમાં એ પ્રશ્ન થઇ રહ્યો છે કે, હવે સોનું કે સેન્સેક્સ શેમાં રોકાણ કરવાથી જબરદસ્ત વળતર મળી શકે છે.
સોનું રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ
સોનું રોકાણ માટેનો પરંપરાગત સ્ત્રોત છે. એક્સપર્ટ્સનું કહેવું છેકે, જો કોઇ રોકાણકાર માત્ર રિટર્ન માટે રોકાણ કરવા ઇચ્છે છે તો તેણે શેરમાં રોકાણ કરવું જોઇએ. કારણ કે, અલગ અલગ સમયગાળામાં સ્ટોકનું રિટર્ન સોનાની તુલનાએ વધારે રહે છે. એવું પણ બની શકે કે, કોઇ ચોક્કસ સમયગાળામાં સોના એ વધુ વળતર આપ્યું હોય, પરંતુ રિટર્નની મામલે શેરનું પ્રદર્શન સારું હોય છે. તેનું મોટું કારણ એ છે કે, સોનું રોકાણ માટે સૌથી સુરક્ષિત સ્ત્રો છે. સોનામાં રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય હેજિંગ છે. તે મુશ્કેલીના સમયમાં કામ લાગે છે. તે મોંઘવારી સામે પણ રક્ષણ આપે છે.
પોર્ટફોલિયોનું 10 ટકા રોકાણ સોનામાં કરવું
એક્સપર્ટ્સ સોનામાં ડાયવર્સિફિકેશન માટે રોકાણ કરવાની સલાહ આપે છે. તમારા કુલ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો 5 થી 10 ટકા હોવો જોઇએ. જો રોકાણકાર વધારે જોખમ લેવા નથી માંગતા તો તે પોર્ટફોલિયોમાં સોનો હિસ્સો વધારી 20 ટકા સુધી લઇ શકે છે. જો સોનાની કિંમત ઘણા પરિબળો પર નિર્ભર કરે છે.
Gold ETF : ગોલ્ડ ઇટીએફ પણ સોનામાં રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ
સોનામાં રોકાણ માટે સોનાના સિક્કા કે જ્વેલરી ખરીદવા ઉપરાંત ડિજિટલ ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. હાલ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે ગોલ્ડ ઇટીએફ પણ સોનામાં રોકાણ માટે સારો વિકલ્પ છે. ગોલ્ડ ઇટીએફમાં તમારી ક્ષમતા અનુસાર તમે ઓછી રકમ સાથે રોકાણ કરી શકો છો.
ગોલ્ડ ઇટીએફ ને ડિજિટલ ગોલ્ડ પણ કહેવાય છે, જે મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે. ભારતમાં ઘણી ગોલ્ડ ઇટીએફ સ્કીમ કાર્યરત છે. ગોલ્ડ ઇટીએફ યુનિટનો ભાવ પણ બજારમાં ચાલી રહેલા સોનાના ભાવ સમકક્ષ હોય છે. ગોલ્ડ ઇટીએફની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ડિજિટલ ફોર્મેટમાં હોય છે, તેથી સોનાના સિક્કા કે દાગીનાની જેમ ચોરાઇ કે ખોવાઇ જવાની ચિંતા રહેતી નથી. જ્યારે તમને નાણાંની જરૂર પડે ત્યારે વેચી શકો છો
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
શેરબજારમાં ઘટાડે ખરીદવાનો મોકો
જો કોઇ રોકાણકારના પોર્ટફોલિયોમાં પહેલાથી સોનામાં પૂરતું રોકાણ કરેલું છે તો તેણે સેન્સેક્સ પર દાવ લગાવવો જોઇએ. ખાસ કરીને શેરબજારમાં ઘટાડો આવે ત્યારે રોકાણની તક ઝડપી લેવી જોઇએ. તાજેતરમાં ઓક્ટોબરમાં શેરબજારમાં મોટા ઘટાડા બાદ ઘણા સ્ટોકની કિંમત આકર્ષક લેવલ પર આવી ગઇ છે. રોકાણ કરવામાં એક વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે માર્કેટમાં ઘટાડો ચાલુ હોય ત્યારે એક સાથે મોટું રોકાણ કરવાથી બચવું પડશે.