દેશ અને દુનિયા પર મહામારીની સાથે સાથે મંદીનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેલેન્ડર વર્ષ 2022 બહુ જ પીડાજનક રહ્યુ છે. યુક્રેન પર રશિયાના આક્રમણથી શરૂઆત થઇ અને દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સતત વ્યાજદરમાં વધારો, શેરબજારોમાં મસમોટા કડાકા અને હવે ચીન સહિત ઘણા દેશોમાં કોરોના મહામારી ફરી ફેલાવાની દહેશત, આ તમામ ઘટનાક્રમ આર્થિક કટોકટીના કારણ બની રહ્યા છે.
વર્ષ 2022 જેમ- જેમ આગળ વધતુ ગયુ તેમ તેમ વૈશ્વિક વૃદ્ધિની સંભાવનાઓ સતત ધૂંધળી થઇ ગઇ, હવે આગામી વર્ષ 2023 માટે કઈ ચાર બાબતો પર સૌની નજર રહેશે? ચાલો જાણીયે…
1 ફેબ્રુઆરીએ સિતારામન દ્વારા રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં શું નવું હશે?
કેન્દ્રીય બજેટ સામાન્ય રીતે કેન્દ્ર સરકારની આવકજાવકનું સરવૈયું હોય છે. મહામારીના દહેશત વચ્ચે મંદીની આશંકા અને સતત ઘટી રહેલા વિકાસદરના માહોલમાં દેશની વૃદ્ધિને વેગ આપવા માટે કેવા પ્રકારના પગલાં લેવાશે તેના પર સૌનું ધ્યાન રહેશે.
બજેટ એવા સમયે પણ આવી રહ્યુ છે જ્યારે ઘણા લોકો એવી આશા રાખી રહ્યા છે કે ચીનમાંથી અન્યત્ર પોતાના પ્લાન્ટ ખસેડવા ઇચ્છતી કંપનીઓ માટે ભારત રોકાણના પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવશે. ત્યારબાદ વિચારણા કરવા માટે ‘ચૂંટણી ચક્ર’ પણ છે – કારણ કે લોકસભાની ચૂંટણીઓ વર્ષ 2024માં યોજાશે, આથી હંમેશા એવી શક્યતા રહે છે કે બજેટની કેટલીક નીતિઓ/દરખાસ્તો આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવતી હોય છે.
ભારત હાલ અનિશ્ચિતતાના માહોલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યુ છે ત્યારે બજેટમં કેવા પ્રકારની દરખાસ્તો અને નીતિઓ રજૂ કરવામાં આવે છે જેનાથી સરકાર અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવામાં સક્ષમ બનશે તેના પર સૌની નજર રહેશે.
ઉપરાંત તે બાબત પણ જોવાની રહેશે કે સરકાર કેટલી હદ સુધી પોતાના ખર્ચમાં વધારો કરી શકે છે, ખાસ કરીને મૂડી ખર્ચના મામલે; શું આવકવેરાના દરમાં ઘટાડો કરશે અથવા કેપિટલ ગેઇન્સ ટેક્સના માળખાને સરળ બનાવશે; અને તે કેવી રીતે અર્થતંત્રમાં રોકાણ માટેની સુવિધા અને રોજગારીની તકો ઊભી કરવાના પડકારોનો સામનો કરે છે, આ તમામ બાબતો પણ તમામની નજર રહેશે.
વૈશ્વિક અને સ્થાનિક બંને સ્તરે વ્યાજદરોની ગતિ કઇ દિશામાં રહેશે?
મોંઘવારીનો સામનો કરવા માટે વર્ષ 2022માં દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરનું શસ્ત્ર ઉગામ્યુ છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે સળંગ સાત વખત વ્યાજદરમાં વધારો કર્યો છે અને તાજેતરમાં ઇન્ટરેસ્ટ રેટ 4.25 ટકાથી વધારીને 4.50 કર્યા છે. યુએસ ફેડની ટિપ્પણીઓ અનુસાર આગામી વર્ષે વ્યાજદર વધીને 5.1 ટકાના સ્તરે સ્પર્શવાની સંભાવના છે. હાલ અત્યાર સુધી તો તમામ મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં કોઇ પણ પ્રકારના ઘટાડાની સંભાવના ફગાવી દીધી છે. આમ લાંબા સમય સુધી વ્યાજદરો ઉંચા રહેવાની પ્રબળ શક્યતા છે.
સ્થાનિક મોરચે વાત કરીયે તો વિશ્વની અન્ય મધ્યસ્થ બેન્કો સાથે તાલ મીલાવતા ભારતની મધ્યસ્થ બેન્ક RBIએ પણ ફુગાવાને કાબુમાં રાખવા માટે વ્યાજદર વધાર્યા અને અત્યાર સુધીમાં ઇન્ટરેસ્ટ રેટ 4 ટકાથી વધીને 6.25 ટકાના સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેન્કની મોનેટરિંગ પોલિસી કમિટીએ હાલ વ્યાજદર અંગે કોઇ ભવિષ્યવાણી કરી નથી. રિઝર્વ બેન્કની છેલ્લી ધિરાણનીતિ બેઠકની સમીક્ષા અનુસાર કમિટીના મોટાભાગના સભ્યોનું માનવું છે કે ફુગાવો સતત ચિંતાનો વિષય છે.
અલબત્ત RBIની મોનેટરિંગ પોલિસી કમિટીના કેટલાક સભ્યોનું માનવું છે કે ફુગાવાને અંકુશમાં રાખવા માટેની નાણાકીય નીતિનું પરિણામ ‘મંદી’ છે, તેથી ફુગાવો કેવી રીતે વધે છે તે જોવા માટે વ્યાજદરની વૃદ્ધિને વિરામ આપવાનો હાલ યોગ્ય સમય છે.
પરંતુ મોટાભાગના સભ્યોનો મત આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ધિરાણનીતિ બેઠકમાં ફરી વ્યાજદર વધવાની શક્યતા છે. પરંતુ સમિતિના સભ્યોના મતભેદોને ધ્યાનમાં રાખતા વ્યાજદરમાં વૃદ્ધિને બ્રેક લાગે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.
ભારતીય અને વૈશ્વિક અર્થતંત્ર માટે શું સંભાવનાઓ છે?
ઉંચા વ્યાજદરોથી વ્યક્તિઓ અને કંપનીઓ માટે નાણાં ઉધાર લેવાનો ખર્ચ વધી જાય છે, જેની ગ્રાહકલક્ષી અને રોકાણલક્ષી માંગ બંને પર નકારાત્મક અસર થાય છે. પરિણામે આર્થિક ગતિવિધિઓ મંદ પડતા અર્થતંત્ર ઉપર મંદીનો ખતરો વધી જાય છે. આવો ઘટનાક્રમ અમેરિકામાં પહેલાથી ચાલી રહ્યો છે. યુએસ ફેડ રિઝર્વ વર્ષ 2023માં અર્થતંત્ર 0.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ મૂક્યો છે, જે તેના અગાઉના 1.2 ટકાની આગાહી કરતા નીચો છે. ઉપરાંત આગામી વર્ષે બેરોજગારીનો દર વધીને 4.6 ટકા થવાની ધારણા છે.
વિકસિત અર્થવ્યવસ્થાઓ, ખાસ કરીને અમેરિકામાં મંદીની અસરને પહેલાથી સમગ્ર દુનિયાએ અનુભવી લીધી છે. તાજેતરના મહિનાઓમાં ભારતની નિકાસ ઝડપથી ધીમી પડી છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. આમ, ચાલુ નાણાંકીય વર્ષના બીજા છ માસિકગાળા અને આગામી વર્ષ માટે ભારતની વૃદ્ધિની સંભાવનાઓ વિકસિત અર્થવ્યવસ્થાઓ કેટલી ઝડપથી ધીમી પડી છે તેનાથી પ્રભાવિત થતી રહેશે.
રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત આવે તેવી સંભાવના કેટલી છે?
તાજેતરમાં, રશિયાના વડા વ્લાદિમીર પુટિને સંકેત આપ્યો હતો કે તે યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા મંત્રણા માટે તૈયાર છે. જો કે, યુક્રેનના શહેરો પર રશિયા દ્વારા સતત બોમ્બ એટેક થઇ રહ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે. બંને પક્ષોની સ્થિતિને ધ્યાનમાં લેતા હાલ શાંતિ મંત્રણાની સંભાવનાઓ બહુ ઓછી દેખાય છે. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે પણે લશ્કરી ખર્ચ ઘટવાની હાલ કોઇ શક્યતા દેખાતી નથી.