કેન્દ્રીય બજેટ 2023-24ની પહેલા સસંદમાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. સંસદમાં આર્થિક સર્વે રજૂ કરતા નાણાં મંત્રીએ જણાવ્યુ કે, આગામી નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો આર્થિક વિકાસ 6 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી નીચો જીડીપી ગ્રોથ છે. પાછલા વર્ષે આર્થિક સર્વેક્ષણમાં વર્ષ 2022-23 દરમિયાન દેશનો વિકાસદર 8 ટકાથી 8.85 ટકાની આસપાસ રહેવાની ઘોષણા કરાઇ હતી. નોંધનિય છે કે સંસદના બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મૂના પ્રવચન સાથે થઇ છે.
આર્થિક સર્વેક્ષણ શું હોય છે
આર્થિક સર્વેક્ષણ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. દેશના વર્તમાન CEA વી અનંત નાગેશ્વરન છે. આર્થિક સર્વેક્ષણમાં વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેશના આર્થિક આંકડાઓ તેમજ આગામી નાણાકીય વર્ષ માટેના અંદાજો રજૂ કરવામાં આવ્યા હોય છે.
આર્થિક સર્વેક્ષણના મુખ્ય મુદ્દાઓ
- આગામી નાણાં વર્ષ 2026-24માં ભારતનો વિકાસદર 6 ટકાથી 6.8 ટકાની આસપાસ રહેવાનો અંદાજ
- ચાલુ નાણાં વર્ષ 2022-23માં ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની ધારણા છે
- આગામી નાણાંકીય વર્ષ 2024માં ભારતનો બેસલાઇન નોમિનલ જીડીપી રેટ 11 ટકા રહેવાનો અનુમાન છે
- નાણાં વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર 8.7 ટકા રહ્યો છે.
- દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ( CAC) વધશે તો રૂપિયા ઉપર દબાણ આવવાની શક્યતા છે.
મોંઘવારી દર 6.8 ટકા રહેવાની ધારણા
આર્થિક સર્વેક્ષણ અનુસાર ચાલુ નાણાંકીય વર્ષે ભારતમાં મોંઘવારી દર 6.8 ટકા રહેવાનો અનુમાન છે. આ સાથે સર્વેમાં એવો દાવો કરાયો છે કે, ફુગાવાનો દર એટલો ઉંચો નથી, કે તેનાથી ખાનગી વપરાશ ઘટી જાય અથવા મૂડીરોકાણ પર અત્યંત ગંભીર અસર પડે.
ચાલુ વર્ષનો રૂ. 7.5 લાખ કરોડનો મૂડીખર્ચનો લક્ષ્યાંક હાંસલ થશે
આર્થિક સર્વેક્ષણમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે ચાલુ નાણાકીય વર્ષ (FY23) દરમિયાન કેન્દ્ર સરકાર 7.5 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચ (CAPEX) લક્ષ્યને પૂર્ણ કરશે. સરકારે ગયા બજેટમાં કેપેક્સ માટે આ લક્ષ્યાંક નક્કી કર્યો હતો. સર્વે મુજબ કેન્દ્ર સરકારના આ મૂડીરોકાણના કારણે ખાનગી રોકાણમાં પણ તેજી જોવા મળી રહી છે. સર્વે અનુસાર, FY23 ના પ્રથમ 8 મહિના દરમિયાન, કેન્દ્ર સરકારના મૂડીરોકાણમાં વાર્ષિક ધોરણે 63.4 ટકાનો વધારો થયો છે, જેણે દેશની અર્થવ્યવસ્થા માટે ચાલકબળ તરીકેની ભૂમિકા ભજવી છે.
અસાધારણ પડકારો વચ્ચે સારો દેખાવ
આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે કે, અસાધારણ આર્થિક પડકારોનો સામનો કરવામાં ભારતે વિશ્વના મોટાભાગના દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
વૈશ્વિક પડકારો વચ્ચે નિકાસ પર માઠી અસર
વિશ્વની વૃદ્ધિની ધીમી ગતિ અને વૈશ્વિક વેપારમાં ઘટાડાથી ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં દેશની નિકાસ પર અસર પડી છે.
આયાત બીલ વધવાની શક્યતા
આર્થિક મંદીના વાદળો અને વૈશ્વિક માંગ ઘટવાને કારણ ભારતની નિકાસમાં ધીમી ગતિએ વૃદ્ધિ થઇ રહી છે જેની સામે દેશની અંદર વિવિધ ચીજવસ્તુઓની માંગમાં રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો છે પરિણામે ભારતનું આયાત બીલ વધવાની ચિંતા છે.
‘કેડ’ વધી તો રૂપિયા પર દબાણ આવશે
આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યુ છે કે, દેશની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) એટલે કે ‘કેડ’માં વધારો થયો હતો ભારતીય રૂપિયા ઉપર દબાણ વધી શકે છે.