વર્ષ 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઇસ માટે અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓની પસંદગી કરવામાં આવી છે, આ અર્થશાસ્ત્રીઓમાં – બેન એસ બર્નાન્કે (Ben S Bernanke) (યુએસ ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલ વોશિંગ્ટન ડીસીમાં બ્રુકિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે), ડગ્લાસ ડાયમંડ (Douglas W Diamond) (યુનિવર્સિટી ઓફ શિકાગો) અને ફિલિપ એચ ડાયબવિગ (Philip H Dybvig) (સેન્ટ લૂઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી)નો સમાવેશ છે. આ નોબલ પ્રાઇસ તેમને 10 ડિસેમ્બરે આપવામાં આવશે. આ નોબલ પ્રાઇસ (nobel prize money) માં 1 કરોડ સ્વીડિશ ક્રોનર (આશરે 7.31 કરોડ રૂપિયા) રકમ ઇનામ તરીકે અપાશે છે, જે ત્રણેય વિજેતા અર્થશાસ્ત્રી વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.
શા માટે તેમની નોબલ પ્રાઇસ માટે પસંદગી થઇઃ-
રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સીસ, જે નોબલ પ્રાઇસ કોને આપવો તેનો નિર્ણય કરે છે, તેણે જણાવ્યું હતું કે આ વર્ષના વિજેતાઓના સંશોધને “ખાસ કરીને નાણાંકીય કટોકટી દરમિયાન અર્થતંત્રમાં બેંકોની ભૂમિકા વિશેની આપણી સમજણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ‘શા માટે બેન્કોના પતનને રોકવું મહત્વપૂર્ણ છે’ – આ બાબત તેમના સંશોધનનું સૌથી મહત્વપૂર્ણ રિસર્ચ છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓની ‘બેન્ક અને નાણાંકીય કટોકટી અંગે રિસર્ચ’ બદલ નોબલ પુરસ્કર માટે પસંદગી કરવામાં આવી છે.

અર્થશાસ્ત્રના નોબલ પ્રાઇસ (Nobel prize for economics) વિજેતાઓનું સંશોધન આપણને 1980ના દાયકામાં લઇ જાય છે…
મહામંદી (recession)નું કારણ શું?
જે કામગીરી માટે બર્નાન્કેને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે તે એક લેખ 1983માં લખવામાં આવ્યો હતો, જેમાં 1930ના દાયકાની મહામંદીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
જાન્યુઆરી 1930 અને માર્ચ 1933 ની વચ્ચે યુએસ ઔદ્યોગિક ઉત્પાદનમાં 46 ટકાનો ઘટાડો થયો અને બેરોજગારી વધીને 25 ટકાએ પહોંચી ગઇ થઈ. આ કટોકટી જંગલની આગની જેમ ફેલાઈ ગઈ, જેના પરિણામે દુનિયાના મોટાભાગના દેશો મહામંદીમાં ધકેલાઇ ગયા હતા. બ્રિટનમાં બેરોજગારી દર વધીને 25 ટકા થયો, જર્મની અને ઑસ્ટ્રેલિયામાં લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓ બેકાર થયા હતા, તો વર્ષ 1929 થી 1932 દરમિયાન ચિલીની રાષ્ટ્રીય આવકમાં 33 ટકાનો ઘટાડો થયો હતો.
આ સંશોધનમાં ટાંકવામાં આવ્યુ કે, “બધે જ બેંકો પડી ભાંગી, લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી અને પ્રમાણમાં સમૃદ્ધ દેશોમાં પણ ગંભીર ભૂખમરો ફેલાયો હતો.”
બર્નાન્કેનું સંશોધન આવ્યું ત્યાં સુધી બેંકોની નાદારીને નાણાકીય કટોકટીના “પરિણામ” તરીકે જોવામાં આવી હતી. પરંતુ બર્નાન્કેના 1983ના સંશોધને સાબિત કર્યું કે વાસ્તવકિતા તેનાથી એકદમ વિરુદ્ધ છે – હકીકતમાં બેંકોની નાદારી જ નાણાકીય કટોકટીનું “કારણ” હતી. “ઇતિહાસના ઉદાહરણો- માહિતી અને આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગના આધારે તેમનું વિશ્લેષણ દેખાડે છે કે જીડીપીમાં ઘટાડા માટે કયા પરિબળો જવાબદાર છે. તેમણે શોધી કાઢ્યું કે, નિષ્ફળ બેંકો સાથે સીધી રીતે સંકળાયેલા પરિબળો મંદી માટે જવાબદાર છે.”
તેમનુ સંશોધન એ બાબત સ્પષ્ટ કરે છે કે, એક સામાન્ય મંદી આધુનિક ઈતિહાસમાં સૌથી મોટી આર્થિક કટોકટી બની ગઇ.
ખાતાધારકોનો વિશ્વાસ ડગમગે તો બેન્કોના પાયા હચમચી જાય
કોઇ પણ બેન્ક ત્યારે જ પડી ભાંગે છે જ્યારે તેના થાપણદારો બેંકના અસ્તિત્વ વિશે ચિંતિત હોય અને તેઓ ખાતામાં પડેલી બચત ઉપાડવા દોડી જાય છે. જો મોટી સંખ્યામાં થાપણદરો એક સાથે આવું કરે તો બેંક માટે તમામ ખાતેદારોને એક સાથે પરત ચૂકવણી કરવી મુશ્કેલી બને છે અને આ બાબત બેન્કને નાદારી તરફ દોરી જાય છે.
બેંકોની નાદારીને કારણે, 1929ની મંદી 1930 સુધીમાં પૂર્ણ બેંકિંગ ક્રાઇસિસમાં ફેરવાઈ ગઈ હતી કારણ કે 50 ટકા જેટલી બેંકો નાદાર થઈ ગઈ હતી.
બર્નાન્કેનું સંશોધન દર્શાવે છે કે, જ્યાં સુધી સરકાર બેંકોની ચિંતાને દૂર કરવા માટે શક્તિશાળી પગલાંનો અમલ ન કરે ત્યાં સુધી અર્થતંત્રમાં રિકવરીની શરૂઆત થઇ શકતી નથી. થાપણ માટેનો વીમો – જેમાં બેંકોમાં રહેલી થાપણોનો વીમો લેવામાં આવે છે, આ પગલું થાપણદારોનો વિશ્વાસ જાળવી રાખવા અને બેંકોની નાદારીને રોકવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે.
બર્નાન્કે એવો મત ધરાવે છે કે – બેંકોને નાદાર થવા દેવાથી ઘણી વખત નાણાકીય કટોકટી વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે .
ડાયમંડ અને ડાયબવિગનું વિશ્લેષણ
2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીથી બેંકોએ લોકોમાં વિશ્વસનિયતા ગુમાવી :-
બેન્કોને ઘણીવાર નાણાં પડાવી લેતી સંસ્થાઓ તરીકે જોવામાં આવે છે જે ઉધાર લેનારાઓ તેમજ થાપણદારોને નફો કરવા માટે જ અસ્તિત્વ ધરાવતી હોય છે. પરંતુ બેંકો વગરની દુનિયામાં લાંબા ગાળાનું રોકાણ કરવું અશક્ય છે.
આ પાછળના કારણો નોબલ પ્રાઇસ માટે પસંદગી પામેલા અર્થશાસ્ત્રી ડાયમંડ અને ડાયબવિગના 1983ના સંશોધન પેપરમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં ટાંક્યુ છે કે, “બચતકર્તાઓ અને રોકાણકારોની જરૂરિયાતો વચ્ચે મૂળભૂત સંઘર્ષો થયા કરે છે.” બચતકર્તા હંમેશા અણધાર્યા ખર્ચ માટે તેમની બચતની કેટલીક રકમ ખર્ચી નાંખે છે, જેને લિક્વિડિટીની જરૂરિયાત પણ કહેવાય છે. તેઓ જ્યારે જરૂર પડે ત્યારે પૈસા ખેંચી લેવાની ક્ષમતા ઇચ્છે છે. ધિરાણ લેનારાઓ, ખાસ કરીને જેઓ ઘર બનાવવા અથવા રોડ બનાવવા માટે લોન લે છે, તેમને લાંબા સમય સુધી નાણાંની જરૂર હોય છે. જો ટુંકા ગાળામાં ઉધાર આપેલા નાણાં પરત માંગવામાં આવે તો લેણદારો કામગીરી કરી શકતા નથી.
ડાયમંડ અને ડાયબવિગે દર્શાવ્યું કે ,બેંકોની જેમ જ બનાવવામાં આવેલી સંસ્થાઓ દ્વારા આ અસંગતતાઓને સારી રીતે ઉકેલી શકાય છે.” વર્ષ 1983ના એક લેખમાં, ડાયમંડ અને ડાયબવિગ એક સૈદ્ધાંતિક મોડેલ વિકસાવ્યો છે જે સમજાવે છે કે “બેંકો બચતકર્તાઓ માટે કેવી રીતે લિક્વિડિટી બનાવે છે, જેથી ઉધાર લેનારા લાંબા ગાળાની લોનનો ઉપયોગ કરી શકે છે.”
તેઓએ એવું પણ સમજાવ્યું કે, બેંકો મેચ્યોરિટી ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા મારફતે આ સમસ્યાને ઉકેલવામાં સક્ષમ છે.
“બેંકોની લોન લાંબા ગાળાની હોય હોય છે, કારણ કે તે ઋણ લેનારાઓને વચન આપે છે કે તેમણે તેમની લોન વહેલી પરત ચૂકવવાની જરૂર રહેશે નહીં. બીજી બાજુ, બેંકની જવાબદારીઓ એટલે કે ખાતાધારકોની થાપણો ટૂંકા ગાળાની મેચ્યોરિટી ધરાવતી હોય છે, કારણ કે થાપણદારો જ્યારે ઇચ્છે ત્યારે તેમના નાણાં ઉપાડી શકાય તેવું ઉચ્છતા હોય છે. બેંક એક એવી મધ્યસ્થી છે જે બેન્ક ખાતામાં રહેલી ટૂંકા ગાળાની મેચ્યોરિટી ધરાવતી થાપણોને લાંબા ગાળાની મેચ્યોરિટીમાં પરિવર્તિત કરે છે. આને સામાન્ય રીતે મેચ્યોરિટી ટ્રાન્સફોર્મેશન કહેવામાં આવે છે.”
આમ જે કામગીરી માટે બર્નાન્કે, ડાયબવિગ અને ડાયમંડને સમ્માનિત કરવામાં આવ્યા છે તેણે આધુનિક બેંક નિયમોનો પણ પાયો નાંખ્યો છે. નોબલ પ્રાઇસ આપતી સંસ્થાએ જણાવ્યુ કે, તેમની સંશોધન કામગીરી “ભાવિ સંશોધન માટે નિર્ણાયક બનશે જેણે બેંકો, બેંક નિયમન, બેંકિંગ ક્રાઇસિસ અને કેવી રીતે નાણાંકીય કટોકટીનો સામનો કરવો જોઈએ તે અંગેની આપણી સમજણમાં વધારો કર્યો છે.”
વર્ષ 2022ના નોબલ પુરસ્કારની યાદી
વિજેતાનું નામ | ક્ષેત્ર |
---|---|
સ્વાંતે પેબો | મેડિસીન |
એની એર્નોક્સ | સાહિત્ય |
એલેસ બિયાલિયાત્સકી | શાંતિ |
એલેન એસ્પેક્ટ, જોન ઓફ ક્લોઝર, એન્ટોન જિંલિંગર | ભૌતિક વિજ્ઞાન |
કેરોલિન બેરટોજી, માર્ટિન મેલડોલ, બેરી શાર્પલેસ | કેમેસ્ટી |
બેન એસ બર્નાન્કે, ડગ્લાસ ડાયમંડ, ફિલિપ એચ ડાયબવિગ | અર્થશાસ્ત્ર |