જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છે, તો આ સમાચાર તમને આંચકો આપી શકે છે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે તમારે વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે, કારણ કે બેટરી સંચાલિત આવા વાહનોની ખરીદી ઉપર આપવામાં આવતી સબસિડી સરકારે ઘટાડી દીધી છે. કેન્દ્ર સરકાર હાલ ઇલેક્ટ્રિક ટુ – વ્હીલર માટે પ્રતિ કિલોવોટ દીઠ 15000 રૂપિયા સબસિડી આપે છે.
હવે કેટલી સબસિડી મળશે
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે આપવામાં આવતી સબસિડી ઘટાડી રહી છે. હાલ કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક ટુ – વ્હીલર માટે પ્રતિ કિલોવોટ દીઠ 15000 રૂપિયા સબસિડી આપે છે, જેને ઘટાડીને હવે પ્રતિ કિલોવોટ દીઠ 10,000 રૂપિયા કરવામાં આવી છે. સિનિયર અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વાહનની એક્સ-ફેક્ટરી પ્રાઇસની 40 ટકા હાલની મહત્તમ સબસિડીની મર્યાદા પણ ઘટાડીને 15 ટકા કરવામાં આવી છે.
સબસિડી કેમ ઘટાડવામાં આવી?
સરકાર દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેનું ભંડોળ FAME સ્કીમની માર્ચ 2024ની સમયમર્યાદાના થોડા મહિના પહેલા સમાપ્ત થઇ જશે. સરકારે યોજના હેઠળ લક્ષ્યાંકિત 10 લાખ ઈ-ટુ-વ્હીલરમાંથી લગભગ 80 ટકાને સબસિડીનું વિતરણ કરી દીધું છે.
અત્યાર સુધી કેટલા ઇલેક્ટ્રિક વાહનો વેચાયા?
ભારે ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર 15 ફેબ્રુઆરી, 2023 સુધી FAME સ્કીમ હેઠળ 7,92,529 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયુ છે. મંત્રાલયે ઉદ્યોગો સાથે ચર્ચામંત્રણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારી અધિકારીઓએ કહ્યુ કે, ચર્ચા બાદ મેન્યુફેક્ચરોએ સબસિડી લગભગ સંપૂર્ણ ખર્ચાઇ જવાની ચિંતા વ્યક્ત કરી અને પ્રસ્તાવ મૂક્યો કે પ્રતિ વાહન દીઠ સબસિડીને ઘટાડીને યોજનાને 2000 કરોડ રૂપિયાના ખર્ચ સુધી વધારવામાં આવે. યોજનાનો ખર્ચ પ્રસ્તાવિત વધારો અને વાહન દીઠ સબસિડીમાં ઘટાડો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ માટે લાંબા સમય સુધી સરકારી સપોર્ટ ચાલુ રહેવાની ખાતરી આપે છે.
ઇલેક્ટ્રિક ટુ વ્હીકલની હાલની સબસિડી અને નવી સબસિડીનો દર
ફેમ 2 સબસિડી | |||
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની કિંમત | સરેરાશ બેટરી ક્ષમતા | વર્તમાન સબસિડી @ 40% / રૂ. 15,000 પ્રતિ KW (જે ઓછું હોય તે) | વાહનની કિંમતના 15% દરે પ્રસ્તાવિત સબસિડી / રૂ 10,000 પ્રતિ KW (જે ઓછું હોય તે) |
રૂ. 150,000 | 3.5 KW | 52,500 રૂપિયા | 22,500 રૂપિયા |
રૂ. 130,000 | 3 KW | 45,000 રૂપિયા | 19,500 રૂપિયા |
રૂ. 100,000 | 2.2 KW | 33,000 રૂપિયા | 15,000 રૂપિયા |