Elon Musk’s Tesla Launch in India: એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા એ ભારતમાં મુંબઇ ખાતે પોતાનો પહેલો શો રૂમ ખોલ્યો છે. આ સાથે ટેસ્લાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મોડેલ વાય લોન્ચ કરીને ભારતીય બજારમાં સત્તાવાર રીતે એન્ટ્રી છે. ટેસ્લાનો આ શો રૂમ આજે મુંબઇમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત મેક્સસિટી મોલમાં આવેલો છે. મુંબઈમાં શોરૂમ ખોલ્યા બાદ ટેસ્લા ટૂંક સમયમાં ગુરુગ્રામ અને દિલ્હીમાં પોતાના સ્ટોર્સ ખોલવાની પ્રક્રિયા પર કામ કરશે.
ભારતમાં ટેસ્લા કાર મોડેલ વાય લોન્ચ : Tesla Model Y Launch In India
ભારતમાં લોન્ચ થયેલી ટેસ્લાની મોડેલ વાય ઇલેક્ટ્રિક કાર 2 વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે, જેમાં પ્રથમ વેરિઅન્ટ રિયર-વ્હીલ ડ્રાઇવ મોડેલ છે જેની કિંમત 60.1 લાખ રૂપિયા છે અને બીજું વેરિઅન્ટ લોંગ રેન્જનું વેરિઅન્ટ છે, જેની કિંમત 67.8 લાખ રૂપિયા છે. અત્યારે મોડલ વાય દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઇમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
ટેસ્લા ઇલેક્ટ્રિક કાર કિંમત : Tesla Car Price In India
ભારતમાં ટેસ્લા કારની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઘણી વધારે છે, જેનું સીધું કારણ ભારતમાં ઉંચી આયાત જકાત છે. અમેરિકામાં ટેસ્લા મોડલ વાયની કિંમત 38.6 લાખ રૂપિયા છે, ચીનમાં આ જ મોડલની કિંમત 30.5 લાખ રૂપિયા છે, તો જર્મનીમાં આ કાર 46 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.
ભારતમાં ટેસ્લા કાર કેવી રીતે વેચાશે
જ્યાં સુધી ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ નહીં થાય ત્યાં સુધી આ કાર CBU તરીકે વેચવામાં આવશે. જો કે, એલોન મસ્કની ટેસ્લાએ અત્યાર સુધી ટેસ્લા કાર્સના સ્થાનિક ઉત્પાદન અંગે મૌન સેવ્યું છે.
ટેસ્લા મોડેલ વાય રેન્જ અને ફીચર્સ
ટેસ્લાની મોડલ વાય ઇલેક્ટ્રિક કાર 2 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ કાર ફુલ ચાર્જ કરવા પર 622 કિમીની રેન્જ આપી શકે છે, જ્યારે તેની મહત્તમ સ્પીડ 201 કિમી પ્રતિ કલાકની હશે. તે 5.6 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ મેળવે છે.