(આંચલ મેગેઝિન) એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના જે કર્મચારીઓ પેન્શન પેટે મોટી રકમ મેળવવા ઇચ્છતા હોય તેમની માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ઇપીએફઓ એ કર્મચારીઓ માટે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (ઇપીએસ) હેઠળ પેન્શન પેટે વધારે રકમ મેળવવા અરજી કરવાની પ્રક્રિયા અંગેના દિશાનિર્દેશો જાહેર સોમવારે કર્યા છે.કોઇ પણ કર્મચારી જે 31 ઓગસ્ટ, 2014ના રોજ ઇપીએફનો મેમ્બર હતું અને ઇપીએસ હેઠળ વધારે પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો નથી, તેમની પાસે 3 માર્ચ, 2023 સુધીમાં વિકલ્પ પસંદ કરવાની તક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં એમ્પ્લોઈઝ પેન્શન (સંશોધન) સ્કીમ 2014ને યથાવત રાખી હતી. 22 ઓગસ્ટ, 2014ના EPS સંશોધન મારફતે પેન્શનપાત્ર પગારની મર્યાદા પ્રત્યેક મહિના માટે રૂ. 6,500 થી વધારીને રૂ. 15,000 પ્રતિ માસ કરવામાં આવી હતી અને સભ્યોને તેમના એમ્પ્લોયર સાથે મૂળભૂત પગારના 8.33 ટકા યોગદાન આપવાની છૂટ આપવામાં આવી હતી (જો આ મર્યાદા વધુ હોય તો).
કમ્બાઈન્ડ ઓપ્શન ફોર્મ જારી કર્યું
20 ફેબ્રુઆરીએ જારી કરાયેલા એક પરિપત્રમાં, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ફિલ્ડ ઓફિસો દ્વારા ‘કમ્બાઈન્ડ ઓપ્શન ફોર્મ’ સ્વીકારવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. EPFOએ કહ્યું કે, આ પ્રક્રિયા ટૂંક સમયમાં ઓનલાઈન શરૂ કરવામાં આવશે. આ માટે એક URL (યુનિક રિસોર્સ લોકેશન) જારી કરવામાં આવશે. આ વિશે માહિતી આપવા માટે, પ્રાદેશિક પીએફ કમિશનર નોટિસ બોર્ડ અને બેનરો મારફતે આ સંબંધિત માહિતી આપશે.
વધારે પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા
- નિવૃત્તિ બાદ વધારે પેન્શન મેળવવા માટે EPS મેમ્બરે નજીકના EPFO ઓફિસની મુલાકાત લેવી પડશે.
- EPFO ઓફિસ જઇને ત્યાં તેઓએ અરજીની સાથે આવશ્યક દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
- કમિશનર દ્વારા સૂચવેલી પ્રક્રિયા અને ફોર્મેટ મુજબ અરજી કરવાની રહેશે.
- જોઇન્ટ ઓપ્શનમાં ડિસ્ક્લેમર અને ડિક્લરેશન પણ હશે.
- જો પ્રોવિડન્ટ ફંડમાંથી પેન્શન ફંડમાં એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હોય, તો જોઇન્ટ ફોર્મમાં કર્મચારીની સંમતિની જરૂર પડશે.
- એક્ઝેમ્પ્ટેડ પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટમાંથી પેન્શન ફંડમાં ફંડ ટ્રાન્સફર કરવાના કિસ્સામાં, ટ્રસ્ટીએ એક બાંયધરી સબમિટ કરવી પડશે.
- અરજી સબમિટ કર્યા પછી ટૂંક સમયમાં URL (યુનિક રિસોર્સ લોકેશન)ની જાણ કરવામાં આવશે.
EPFOએ કહ્યું કે, પ્રત્યેક દરેક અરજીનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ઓનલાઇન લૉગ ઇન કરીને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અરજદારને એક રિસિપ્ટ નંબર આપવામાં આવશે. સંબંધિત પ્રાદેશિક PF ઓફિસના ઈન્ચાર્જ ઉંચા પગાર વાળા જોઇન્ટ ઓપ્શનના દરેક કેસની તપાસ કરશે અને અરજદારને ઈ-મેલ/પોસ્ટ દ્વારા અને ત્યારબાદ SMS દ્વારા નિર્ણયની જાણ કરશે.
કોઈપણ ફરિયાદ અરજદાર દ્વારા EPFiGMS ફરિયાદ પોર્ટલ પર તેના/તેણીના જોઇન્ટ ઓપ્શન ફોર્મ સબમિટ કર્યા પછી અને યોગ્ય કોન્ટ્રીબ્યૂશન, જો કોઈ હોય તો ચૂકવણી બાદ નોંધાવી શકે છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના 4 નવેમ્બર, 2022ના આદેશના અનુપાલનમાં જારી કરવામાં આવી રહી છે.
EPFOએ તેની ફિલ્ડ ઑફિસોને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાયક સબ્સ્ક્રાઇબર્સને ઉંચી પેન્શનનો ઓપ્શન આપવા જણાવ્યું છે. EPFOના 29 ડિસેમ્બર 2022ના પરિપત્ર મુજબ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ
સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બર, 2014થી તમામ EPS સભ્યોને સુધારેલી સ્કીમનો વિકલ્પ પસંદ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો. અદાલતે તેના આદેશમાં EPS-95 હેઠળ ઉંચું પેન્શન પસંદ કરવા પાત્ર પીએફ સભ્યોને ચાર મહિનાનો વધુ સમય આપ્યો છે.
EPFOએ શું વ્યવસ્થા કરી
EPFOના આ પરિપત્ર અનુસાર એવા પાત્ર સબ્સ્ક્રાઇબર્સ માટે ઉંચા પેન્શનના વિકલ્પની પણ જોગવાઈ કરવામાં આવી છે કે જેમણે કાં તો 5,000 રૂપિયાથી વધારે વાસ્તવિક વેતન અથવા 6,500 રૂપિયા પ્રતિ માસ પ્રવર્તમાન પેન્શનપાત્ર પગારમાં યોગદાન આપ્યું છે અથવા ઉંચા પેન્શન માટે તેમના પોતાના વિકલ્પનો ઉપયોગ કર્યો છે. આમાં તેઓનો પણ સમાવેશ થાય છે જેમની ઉંચા પેન્શન માટેની વિનંતીઓ નકારી કાઢવામાં આવી હતી.
એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ શું છે?
એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) જેનું સંચાલન EPFO દ્વારા કરવામાં આવે છે, તેનો હેતુ 58 વર્ષની ઉંમર બાદ કર્મચારીઓને પેન્શન આપવાનો છે. કર્મચારી અને એમ્પ્લોયર (નોકરીદાતા) બંને કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકાનું EPFમાં યોગદાન આપે છે. કર્મચારીનો સંપૂર્ણ હિસ્સો EPFમાં જમા થાય છે, જ્યારે નોકરીદાતા એટલે કે જે-તે કંપની દ્વારા આપવામાં આવેલ 12 ટકા યોગદાનનું 3.67 ટકા EPFમાં અને 8.33 ટકા EPSમાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકાર કર્મચારીના પેન્શન માટે 1.16 ટકા યોગદાન આપે છે. કર્મચારીઓ પેન્શન યોજનામાં યોગદાન આપતા નથી.