EPFO: પીએફ મેમ્બર જાતે જ નામ જન્મ તારીખ બદલી શકશે, કંપની વેરિફાય કે ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે

EPFO Members Personal Details Change: ઈપીએફઓ મેમ્બર જેમનો UAN નંબર આધાર સાથે લિંક છે તેઓ તેમની પ્રોફાઇલ અપડેટ કરી શકે છે. તેની માટે કંપની પાસેથી વેરિફાઇ કરવાનું કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર પડશે નહીં.

Written by Ajay Saroya
January 20, 2025 12:34 IST
EPFO: પીએફ મેમ્બર જાતે જ નામ જન્મ તારીખ બદલી શકશે, કંપની વેરિફાય કે ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે
EPFO: ઇપીએફઓ. (Express File Photo)

EPFO Members Personal Details Change: ઈપીએફઓ દ્વારા પીએફ મેમ્બર માટે સતત નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ મેમ્બર પ્રોફાઇલ અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. પીએફ ખાતાધારકો હવે ઘરે બેઠાં પોતાના નામ અને જન્મ તારીખમાં સુધારો કે અપડેટ કરી શકશે. આ માટે તેમણે કંપની વેરિફાઇ કરવાની કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પણ જરૂર પડશે નહીં. શ્રમ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી છે.

EPFO સભ્યો વ્યક્તિગત માહિતી અપડેટ કરી શકશે

ઇપીએફઓની નવી સુવિધા હેઠળ, જે પીએફ ખાતાધારકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પહેલાથી જ આધાર દ્વારા લિંક થયેલ છે તેઓ નામ, જન્મ તારીખ, જાતિ, રાષ્ટ્રીયતા, પિતા-માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ, નોકરીમાં જોડવાની અને છોડવાની તારીખ કોઇ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર પોતે જ અપડેટ કરી શકશે.

આ પીએફ ખાતાધારકોને એમ્પ્લોયર વેરિફિકેશનની જરૂર પડશે

જો કે, અમુક કિસ્સાઓમાં જ્યાં UAN નંબર 1 ઓક્ટોબર, 2017 પહેલા જારી કરવામાં આવ્યો હતો, તેમણે અપડેટ કરવા માટે માત્ર એમ્પ્લોયર તરફથી વેરિફિકેશનની જરૂર પડશે. શ્રમ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે EPFO ​​ડેટાબેઝમાં EPF મેમ્બરની પર્સનલ વિગતો સાચી અને સચોટ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કરીને સેવાઓ કોઈપણ વિલંબ વગર પૂરી પાડી શકાય અને પીએફના પૈસા ઉપાડવામાં કે છેતરપિંડીનું જોખમ રહે નહીં.

આ પહેલા પણ વ્યક્તિગત વિગતોમાં ફેરફાર અથવા સુધારા કરવાની સુવિધા સભ્યો માટે ઉપલબ્ધ હતી. જો કે, આ માટે સભ્યોએ જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાના રહેતા હતા અને એમ્પ્લોયર પાસેથી વેરિફિકેશન કરાવવું પડતું હતું.

EPFO દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, જો કોઈ પીએફ સભ્યને તેની વ્યક્તિગત માહિતીમાં કોઈ ફેરફાર અથવા સુધારો કરવાની જરૂર હતી, તો એક સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ હતી જે હેઠળ તેઓ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન વિનંતી કરી શકે છે. આવી વિનંતીઓ એમ્પ્લોયર દ્વારા ઓનલાઈન મંજૂર કરવામાં આવી હતી અને પછી અંતિમ મંજૂરી માટે EPFOને મોકલવામાં આવી હતી.

પીએફ સભ્યોને રાહત મળશે

EPFOને નાણાકીય વર્ષ 2024-25માં કુલ 8 લાખ વિનંતીઓ મળી છે, જેમાંથી લગભગ 45 ટકા વિનંતીઓ એમ્પ્લોયરની પુષ્ટિ કર્યા વગર સભ્યો પોતે જ મંજૂર કરી શકે છે. આનાથી એમ્પ્લોયર દ્વારા સંયુક્ત ઘોષણાઓ મંજૂર કરવામાં સરેરાશ 28 દિવસનો વિલંબ દૂર થશે.

વધુમાં, ઇપીએફ સભ્યો કે જેમની પાસે ફુલ e-KYC નથી, તેમના માટે EPFO ​​મંજૂરી વિના લગભગ 50 ટકા કેસોમાં એમ્પ્લોયર સ્તરે ફેરફાર અથવા કરેક્શન વિનંતીઓ મંજૂર કરવામાં આવશે.

ઇપીએફઓફ પર કામનું ભારણ ઘટશે

નવી સુવિધાથી અંદાજે 3.9 લાખ પીએફ સભ્યોને ફાયદો થશે જેમની અરજીઓ વિવિધ તબક્કામાં પેન્ડિંગ છે. જો કોઈ પીએમ મેમ્બર જે પોતે મંજૂર કરી શકે છે તેણે પહેલેથી જ તેની રિક્વેસ્ટ સબમિટ કરી દીધી છે જે એમ્પ્લોયર પાસે પેન્ડિંગ છે, તો સભ્ય પહેલેથી જ સબમિટ કરેલી વિનંતીને હટાવી શકે છે અને સરળ પ્રક્રિયા મુજબ સેલ્ફ અપ્રુવ કરી શકે છે. મોટાભાગના કેસો સભ્ય પોતે અને અમુક પસંદ કરેલા કેસોમાં એમ્પ્લોયર દ્વારા જ વેરિફાઇ કરી શકાય છે.

હાલમાં, પીએપ સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદો પૈકી લગભગ 27 ટકા ફરિયાદો મેમ્બર પ્રોફાઇલ અથવા કેવાયસી (નો યોર કસ્ટમર) સંબંધિત છે. જો કે, જ્યારથી સંયુક્ત ઘોષણાપત્રની નવી સુવિધા દાખલ કરવામાં આવી છે, ત્યારથી સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.

ઓનલાઈન પ્રક્રિયામાં આ સરળીકરણ સભ્યોની વિનંતીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં, માહિતીની ચોકસાઈની ખાતરી કરવામાં અને ભૂલ થવાના જોખમને ઘટાડવામાં તેમજ સભ્યોને વધુ સારી સેવા પ્રદાન કરવાની ખાતરી કરવામાં મદદ કરશે અને તેથી જીવનને સરળ બનાવવામાં મદદ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ