/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/EPFO-6.jpg)
EPFO : ઇપીએફઓ Photograph: (Social Media)
EPFO Rules For PF Withdrawal : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના સભ્યો માટે સારા સમાચાર છે. ઈપીએફઓ ટૂંક સમયમાં નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઇપીએફ સભ્ય યુપીઆઈ વડે પોતાના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. સમાચાર એજન્સી ભાષાએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, શ્રમ મંત્રાલય એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેના હેઠળ ઇપીએફ રકમનો એક ચોક્કસ ભાગ સુરક્ષિત કરવામાં આવશે, જ્યારે મહત્તમ રકમ યુપીઆઈ દ્વારા પીએફ એકાઉન્ટ માંથી બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડ માટે ઉપલબ્ધ હશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઇપીએફઓ એક નવી મોબાઇલ એપ્લિકેશન રજૂ કરશે, જેના દ્વારા સભ્યો UPI ગેટવેનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકશે તેમજ પાસબુક બેલેન્સ જેવી અન્ય સેવાઓનો લાભ લઈ શકશે. હાલમાં, સભ્યો તેમના ઇપીએફ ખાતાને ઍક્સેસ કરવા અને સેવાઓ મેળવવા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પોર્ટલ અથવા 'ઉમંગ' એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ સેવાઓ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે, જ્યારે નવી સમર્પિત એપ્લિકેશન EPFO સબસ્ક્રાઇબર્સ માટે સેવાઓની સુલભતા અને ડિલિવરીમાં સુધારો કરશે.
સૂત્રએ જણાવ્યું હતું કે સબ્સ્ક્રાઇબર્સ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઉપલબ્ધ લાયક ઇપીએફ બેલેન્સ જોઈ શકશે. તેમને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે તેમના ઉમેરેલા UPI PINનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે, બેંક ખાતાઓમાં ભંડોળનું સુરક્ષિત ટ્રાન્સફર સુનિશ્ચિત કરશે.
EPFO નવી App ક્યારે લોન્ચ થશે?
હાલ ઇપીએફઓ ની નવી એપ્લિકેશનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં શ્રમ મંત્રાલય દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. નવી EPFO App થી પીએફ ખાતાધારકોને મોટી રાહત મળશે.
હાલ ઇપીએફઓ સભ્યોએ તેમના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરવો પડે છે, જે સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. જો કે, હવે ઓટો સેટલમેન્ટ મોડ હેઠળ, ઘણા કિસ્સાઓમાં, કોઈપણ મેન્યુઅલ હસ્તક્ષેપ વિના 3 દિવસની અંદર ક્લેમ સેટલમેન્ટ થઈ જાય છે. આ ઓટો-સેટલમેન્ટની મર્યાદા અગાઉ 1 લાખ રૂપિયા હતી, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
PF ખાતામાંથી કેટલી રકમ ઉપાડી શકાય છે?
નિયમ મુજબ ઇપીએફઓ સભ્ય પોતાના EPF બેલેન્સની મહત્તમ 75 ટકા રકમ સુધી ઉપાડી શકે છે. ઓછામાં ઓછી 25 ટકા રકમ EPF ખાતામાં જાળવી રાખવી ફરજિયાત છે. એટલે કે કુલ PF ફંડનો એક હિસ્સો હંમેશા માટે ખાતામાં રહેવો જરૂરી છે.
નોકરી છુટી જાય તો શું કરવું?
જો કોઇ કર્મચારીની નોકરી છુટી જાય તો, EPF એકાઉન્ટમાં રહેલી 25 ટકા રકમ 12 મહિના પુરા થયા બાદ ઉપાડી શકાય છે. તેની પહેલા આ રકમ ઉપાડવાની મંજૂરી નથી.
નોંધનિય છે કે, EPFO સરકાર દ્વારા કર્મચારીઓનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સંચાલિત યોજના છે. EPFOના કુલ 30 કરોડ સભ્યો છે, જેમાં 7.5 કરોડ એક્ટિવ મેમ્બર છે જેઓ નિયમિત PF યોગદાન આપે છે. કુલ EPFO ભંડોળ 26 લાખ કરોડ રૂપિયા જેટલું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us