સોશિયલ મીડિયા કંપની ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મે એક જ ઝાટકે 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, નબળા નાણાંકીય પરિણામો, વધતા ખર્ચ અને ઓછી એડવર્ટાઇઝિંગને કારણે તેણે 11,000 કર્મચારીઓની છટણી કરી છે. છટણી કરાયેલી આ સંખ્યા તેના કુલ કર્મચારીના 13 ટકા બરાબર છે.
વર્ષ 2022માં ટેક કંપની દ્વારા આ સૌથી મોટી છટણી છે. મેટાએ કહ્યું છે કે કંપની આગામી દિવસોમાં પણ નવા કર્મચારીઓની ભરતી કરશે નહીં, તેવું સ્પષ્ટપણે જણાવ્યુ છે.
મેટાના સીઈઓ માર્ક ઝુબરબર્ગે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, આજે અમે જે નિર્ણય પર પહોંચ્યા છીએ તેની જવાબદારી હું લઉં છું. હું જાણું છું કે આ દરેક માટે મુશ્કેલ છે. હું તે લોકોની માફી માંગવા માંગુ છું જેઓ આ નિર્ણયથી પ્રભાવિત થઇ રહ્યા છે.
વર્ષ 2004માં ફેસબુકની સ્થાપના થયા બાદ તેના 18 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી છે, જે ડિજિટલ એડવર્ટાઇઝિંગની આવકમાં તીવ્ર ઘટાડા અને મંદી તરફ નિર્દેશ કરે છે. નોંધનિય છે કે, માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ નવા માલિક એલોન મસ્કે પણ લગભગ 50 ટકા કર્મચારીઓની છટણી કરી છે, જેમાં ભારતમાં મોટી સંખ્યામાં કર્મીઓને છુટા કરવામાં આવ્યા છે.