How To Get Maximum Return On Fixed Deposit : ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ દેશમાં સૌથી લોકપ્રિય સલામત રોકાણના વિકલ્પોમાંથી એક છે. એફડી પર બેંકો નિશ્ચિત વ્યાજ મુજબ વળતર આપે છે અને તે સમગ્ર કાર્યકાળ દરમિયાન બદલી શકાતી નથી. આમાં બજારની વધઘટની કોઈ અસર નથી. એટલે કે તેમાં રોકાણ કરનારાઓને ખાતરીપૂર્વકનું વળતર મળે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે અચાનક કટોકટીના કારણે, તમારે પાકતી મુદત પહેલા તમારી એફડી ઉપાડવી પડે છે, જે વળતરને અસર કરે છે. એફડી અધવચ્ચે ઉપાડવા બદલ ઘણી વખત પેનલ્ટી પણ ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં, તમે એફડી લેડરિંગની મદદ લઈ શકો છો. એફડી લેડરિંગ મારફતે તમે કટોકટીના સમયે અધવચ્ચેથી એફડીને તોડ્યા વગર મહત્તમ રિટર્ન મેળવી શકો છો.
બેંક એફડી લેડરિંગ શું છે? (What is a Bank FD Laddering Scheme)
આપણે બધા આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા અને અમારા સપનાઓ પુરા કરવા માટે સ્માર્ટ ફાઇનાન્સિયલ પ્લાનિંગના મહત્વને સમજીએ છીએ. આવો એક અભિગમ કે જેણે તાજેતરમાં લોકપ્રિયતા મેળવી છે તે છે એફડી લેડરિંગ. જેવું કે નામ સૂચવે છે તેમ, એફડી લેડરિંગ એ એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એટલે કે રોકાણની વ્યૂહરચના છે જેમાં તમારા રોકાણને વિવિધ પાકતી તારીખો સાથે ઘણી બધી એફડી સ્કીમ્સમાં વિભાજિત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે એક ટાવર બનાવવા જેવું છે, જેમાં દરેક ડિપોઝિટની રકમ અલગ-અલગ સમયે પરિપક્વ થાય છે.
એટલે કે, એફડી લેડરિંગ એ એક ટેકનિક છે જેમાં રોકાણકારોએ એકથી વધુ એફડી એકાઉન્ટ્સ ખોલવા પડે છે, જેમાં એફડીનો મેચ્યોરિટી પીરિયડ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 20 લાખ રૂપિયા છે, જેને તમે ફિક્સ ડિપોઝિટ કરવા માંગો છો, તો પહેલા તેને 5 અલગ-અલગ ભાગોમાં વહેંચો. હવે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષની પાકતી મુદતવાળી એફડી સ્કીમમાં દરેક 2 લાખ રૂપિયા જમા કરો. આનાથી, તમને સમયાંતરે પૈસા મળશે, જેનો તમે તમારી જરૂરિયાત મુજબ ખર્ચ કરી શકો છો.
એફડી લેડરિંગ સ્કીમના ફાયદા (FD Laddering Scheme Benefits)
એફડી લેડરિંગમાં રોકાણનો સૌથી ખાસ ફાયદો એ છે કે જો તમને ઇમરજન્સીમાં પૈસાની જરૂર હોય, તો તમારે તમારી એફડી તોડવી પડશે નહીં. ઉપરાંત જો પૈસાની જરૂર ન હોય, તો વિવિધ મુદતની એફડી પરિપક્વ થાય, ત્યારે તેની ફરી એફડી કરાવી શકાય છે. આવી સ્થિતિમાં, તમારી પાસે લાંબા ગાળે ઘણી બધી એફડી હશે અને બહુ મોટી બચત કરી શકશો. અન્ય એક ફાયદો એ છે કે સમય સમય પર આકારણી કરવી કે ક્યા એફડી પર રિટર્ન વધી રહ્યું છે. મેચ્યોરિટી સમાપ્ત થયા બાદ તમારી પાસે વધુ વ્યાજ આપતી બેંકની એફડીમાં તેને ફરીથી જમા કરવાનો વિકલ્પ રહે છે.
એફડી લેડરિંગમાં દર વર્ષે વળતર મળશે
એફડી લેડરિંગનો આ સૌથી મોટો ફાયદો છે. તેમા જેમ જેમ તમારી એફડી મેચ્યોર થશે, તમને દર વર્ષે રિટર્ન મળશે એટલે કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ. જો તમને પાકતી મુદત પછી પૈસાની જરૂર હોય, તેનો ઉપયોગ કરો અને બાકીના બચેલા પૈસા ફરી એફડીમાં મૂકી દો.
આ પણ વાંચો | આ બેંકમાં ખોલાવો બચત ખાતું, મેળવો 1.5 કરોડનો વીમો, મફત ક્રેડિટ કાર્ડ અને લોકર જેવી ઘણી સુવિધાઓ
- એફડી લેડરિંગ યોજનામાં રોકાણ કરવાના ફાયદા
- ઉચ્ચ વ્યાજની કમાણી
- વ્યાજદર વધવાની અથવા ઘટાડો થવાની ચિંતાથી મુક્તિ
- મેચ્યોરિટી પહેલા એફડી ઉપાડવામાં સગવડતા
- રિસ્ક મેનેજમેન્ટ
- લાંબા ગાળે તમારા રોકાણના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ
- ટેક્સ સેવિંગ માટે