ચેક બાઉન્સ (cheque bounce)ની વધતી જતી ઘટનાઓને રોકવા માટે નાણાં મંત્રાલય (Finance ministry) ગંભીરતા પૂર્વક નવા કડક નિયમો (norms)લાદી શકે છે. જેમાં ચેક બાઉન્સ થવાના કિસ્સામાં ચેક આપનાર વ્યક્તિનના અન્ય બેન્ક એકાઉન્ટમાંથી આપોઆપ રકમ કપાઇ જશે.
તાજેતરમાં જ નાણા મંત્રાલયે ચેક બાઉન્સની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચેક બાઉન્સની ઘટનાઓને રોકવા માટે ઘણા સૂચનો મળ્યા છે. જેમાં ચેક બાઉન્સ થવાના કિસ્સામાં ચેક આપનાર વ્યક્તિ કે કંપનીના અન્ય બેન્ક એકાઉન્ટમાંથી ઓટોમેટિક રકમ કાપવાનું અને આવી કંપની કે વ્યક્તિના નવા બેન્ક એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ લાદવાના સૂચનો મળ્યા છે. હાલ આ સૂચનો પર નાણાં મંત્રાલય વિચારણા કરી રહ્યુ છે.
હકીકતમાં ચેક બાઉન્સની ઘટનાઓને કારણે કાયદાકીય વ્યવસ્થા પર કેસોનું ભારણ વધી જાય છે. તેથી, નાણા મંત્રાલયની બેઠકમાં આવા સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં કાયદાકીય કાર્યવાહી પહેલા કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય છે. જેમાં ઘણા સૂચનો મળ્યા હતા. ઉદાહરણ તરીકે, જો ચેક ઇશ્યુ કરનારના ખાતામાં પૂરતી રકમ ન હોય, તો તેના અન્ય બેન્ક ખાતામાંથી બેલેન્સ કાપી લેવી જોઇએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોન ડિફોલ્ટ તરીકે ગણવામાં આવે છે અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને તેની જાણ કરવામાં આવે છે. જો કે આ સૂચનો સ્વીકારતા પહેલા કાયદાકીય અભિપ્રાય લેવામાં આવશે.
જો આ સૂચનો અમલમાં મૂકવામાં આવે તો, જે વ્યક્તિનો ચેક બાઉન્સ થયો છે તેને ચેકનું પેમેન્ટ કરવાની ફરજ પડશે અને આ કેસને કોર્ટમાં લઈ જવાની જરૂર રહેશે નહીં. આનાથી ધંધો-વેપાર કરવામાં સરળતા પણ વધશે અને બેન્ક એકાઉન્ટમાં પુરતું બેલેન્સ ન હોવા છતાં ચેક આપવાની પ્રથા પણ બંધ થઈ જશે.
ચેક ઇશ્યુ કરનારના અન્ય ખાતામાંથી રકમ આપમેળે કાપી લેવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય સૂચનોનું પાલન કરવું પડશે. ચેક બાઉન્સ થવા પર કોર્ટમાં કેસ દાખલ કરી શકાય છે. તે શિક્ષાને પાત્ર ગુનો છે, જેમાં ચેકની રકમ કરતા બમણો દંડ અથવા બે વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.
બેન્ક બાઉન્સ થવાના કિસ્સામાં કેવા પગલાં લેવાઇ શકે?
- ચેક આપનાર વ્યક્તિના અન્ય બેન્ક ખાતામાંથી બેલેન્સ કાપી લેવું
- કસૂરવાર વ્યક્તિના નવા બેન્ક એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂકવો
- ચેક બાઉન્સને લોનના ડિફોલ્ટ તરીકે ગણવું અને ક્રેડિટ માહિતી કંપનીઓને તેની જાણ કરવી
અગાઉ તાજેતરમાં, ઔદ્યોગિક સંગઠન પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ કંપનીએ તાજેતરમાં નાણાં મંત્રાલયને વિનંતી કરી હતી કે ચેક બાઉન્સના કિસ્સામાં કસૂરવાર વ્યક્તિના બેન્કમાંથી નાણાં ઉપાડવા પર થોડાક દિવસો સુધી ફરજિયાત પ્રતિબંધ મૂકવા જેવા પગલાં લેવા જોઈએ, જેથી ચેક ઈશ્યુ કરનારને જવાબદાર ઠેરવી શકાય.