Personal Finance Tips For Loan: જો અચાનક કોઈ જરૂરિયાત ઉભી થાય અથવા તમારે ઘર, કાર જેવી મોંઘી વસ્તુઓ ખરીદવી હોય તો દરેક વ્યક્તિ લોન લે છે. નવી ટેક્નોલોજીના ઉપયોગથી લોન લેવાનું પહેલા કરતા ઘણું સરળ બન્યું છે. તેથી, લોકોએ પણ મોટા પાયે સરળ ક્રેડિટની આ સુવિધાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
જરૂરિયાતના સમયે લોન લેવામાં કંઈ ખોટું નથી. પરંતુ લોન લેતી વખતે અથવા તેની ચુકવણી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. અહીં અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવીશું, જેને અમલમાં મૂકીને તમે તમારા લોન લેવા અને ચુકવણીના અનુભવને સમસ્યામાં ફેરવાતા બચાવી શકો છો.
એટલી જ લોન લેવી જેટલી તમે સરળતાથી ચૂકવી શકો

તમારે હંમેશા એટલી જ લોન લેવી જોઈએ જેટલી તમે સરળતાથી ચૂકવી શકો. ભલે ગમે તેટલી સરળતાથી લોન મળી જાય, છેવટે તો તે એક લોન છે, જે તમારે વહેલા કે મોડા ચુકવવી પડશે. તેથી, વ્યક્તિએ પોતાની ચુકવણી ક્ષમતા કરતાં વધુ લોન લેવાનું ટાળવું જોઈએ. જો તમારી આવકનો મોટો હિસ્સો લોનના હપ્તાઓ (EMI) ચૂકવવામાં જાય છે, તો તમારું તમામ નાણાકીય આયોજન બગડી જવાનો ભય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમારી હોમ લોન EMI તમારી માસિક આવકના 35-40 ટકાથી વધુ ન હોવી જોઈએ. તેમજ જો કાર લોન અથવા વ્યક્તિગત લોનની ઇએમઆઈ તમારી માસિક આવકના 10 ટકાથી ઓછી હોય તો તે વધુ સારું છે.
લોનની મુદત શક્ય તેટલી ટૂંકી રાખો
લોન લેવાનું નક્કી કરતી વખતે, લોકો ઘણીવાર ઇએમઆઈ જોતા હોય છે અને આમ કરવું એકદમ યોગ્ય છે. પરંતુ ભૂલો ત્યારે થાય છે જ્યારે, ક્ષમતા કરતાં વધુ લોન લેવા માટે, લોકો લોનની મુદત વધારીને ઇએમઆઈ ઘટાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ જો લોનની રકમ અને વ્યાજદર સમાન હોય તો ઇએમઆઈ ઓછી રાખવા માટે લોનની મુદત વધારવી એ હંમેશા યોગ્ય નિર્ણય નથી.
આમ કરતી વખતે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે લોન ચૂકવવામાં જેટલો વધુ સમય લેશો, તેટલો જ વ્યાજનો બોજ વધશે. હોમ લોન જેવી લોનના કિસ્સામાં, જો તમે તમારી ઓછી આવકને કારણે શરૂઆતમાં લાંબો સમયગાળો પસંદ કરો છો, તો પણ ભવિષ્યમાં ઇએમઆઈ વધારવાનો પ્રયાસ કરો, જેથી લોન ઓછામાં ઓછા સમયમાં ચૂકવી શકાય. જો તમારી પાસે ઘણી બધી લોન છે, તો પછી સૌથી વધુ વ્યાજદર ધરાવતી લોનને સેટલ કરવાનો પ્રયાસ કરો.
વાજબી વ્યાજદરે લોન લેવી
હોમ લોન જેવી લાંબા ગાળાની લોન લઇને ભૂલી જવું નહીં. જો તમારે હોમ લોન પર ખૂબ જ ઊંચો વ્યાજ ચૂકવવો પડે છે, તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો. ખાસ કરીને જો લોન લીધા પછી બજારમાં વ્યાજ દરો નરમ થઈ ગયા હોય, તો તમારે ચોક્કસપણે તેનો લાભ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા તમારે તમારી વર્તમાન બેંક અથવા એનબીએફસી સાથે વાત કરવી જોઈએ. જો આ કામ કરતું નથી, તો તમારે અન્ય બેંકોનો સંપર્ક કરવાનું અને લોન બેલેન્સ ટ્રાન્સફર કરવાનું વિચારવું જોઈએ. લાંબા ગાળાની લોનના વ્યાજદરમાં થોડો ઘટાડો પણ વ્યાજના બોજને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

લોન ઇએમઆઈના પેમેન્ટમાં બેદરકારી રાખવી નહીં
લોન ગમે તે હોય, વ્યક્તિએ હંમેશા તેની ઇએમઆઈની નિયમિત ચૂકવણી પર ધ્યાન આપવું જોઈએ. લોનની ચુકવણીમાં બેદરકાર રહેવું લાંબા ગાળે તમારા નાણાકીય સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક બની શકે છે. લોનની સમયસર ચૂકવણી ન કરવાથી તમારે દંડ તરીકે વધારાની રકમ કરવી પડી શકે છે અથવા વધુ વ્યાજ (પેનલ ઇન્ટરેસ્ટ) ચૂકવવું પડી શકે છે. આના કારણે, તમારી ક્રેડિટ પ્રોફાઇલ અને સિબિલ સ્કોર પણ બગડે છે, પરિણામે તમારે ભવિષ્યમાં વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.
મોજશોખ, બિનજરૂરી ખર્ચ અથવા બજારમાં રોકાણ માટે લોન લેવાનું ટાળો
એક વાત હંમેશા યાદ રાખો. લોન ત્યારે જ લેવી જ્યારે ખાસ જરૂરી હોય, જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે આવું કરી રહ્યા હોવ. માત્ર મોજશોખ કે બિન જરૂરી ખર્ચ માટે લોન લેવાનો કોઈ અર્થ નથી. આવી જ રીતે, શેરબજાર જેવા વધઘટવાળા રોકાણ માટે લોન લેવી પણ યોગ્ય નથી. આ માટે તમારે તમારા વધારાના ભંડોળનો જ ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો | બીજી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? સૌથી પહેલા આ બાબત ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા
લોન લેવી ત્યારે જ વ્યાજબી છે જ્યારે તમે તેનો ઉપયોગ કોઈ જરૂરિયાત માટે કરી રહ્યાં હોવ. ઉદાહરણ તરીકે, મેટ્રોપોલિટન સિટીમાં રહેતા લોકો માટે કાર એક આવશ્યકતા હોઈ શકે છે, પરંતુ જો તમારું કામ સામાન્ય કારથી મેનેજ કરી શકાય છે, તો માત્ર દેખાડો કરવા માટે મોટી લોન લઈને મોંઘી લક્ઝરી કાર ખરીદવી એ સમજદારી ભર્યૂ નિર્ણય ન હોઈ શકે.





