scorecardresearch

ફિક્સ્ડ ડિપોઝિટ્સના ગેરફાયદા : બેંક એફડીમાં શા માટે રોકાણ ન કરવું જોઇએ તેના 5 કારણો

Fixed Deposit Disadvantages: અહીંયા બેંકની એફડી રોકાણની મુખ્ય 5 મર્યાદાઓ જણાવી છે, જે તમારે જાણવી જોઈએ

investment
અહીંયા ફિક્સ્ડ ડિપોઝિટના મુખ્ય ગેરફાયદા/મર્યાદાઓની માહિતી આપી છે જે તમારે જાણવી જોઈએ. (પ્રતિકાત્મક ફોટો)

બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ એ ચોક્કસ અને સુરક્ષિત વળતર મેળવવા માટે પરંપરાગત મૂડીરોકાણનો વિકલ્પ છે. આજના ડિજિટલ યુગમાં પણ સિનિયર સિટીઝનથી લઇને યુવાવર્ગ પણ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનું યોગ્ય માને છે. જો કે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાના ફાયદાની સામે કેટલાક ગેરફાયદાઓ પણ છે. મોટાભાગની બેંકો હવે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકા કે તેનાથી વધારે વ્યાજ ઓફર કરી રહી છે આથી થાપણદારો માટે ઉંચું વળતર આપતી એફડીમાં રોકાણ કરવાનો બેસ્ટ સમય છે. કેટલીક નાની ફાઇનાન્સ બેંકો FD પર 9 ટકા કે તેથી વધુ વ્યાજ પણ ઓફર કરી રહી છે પરંતુ તેમાં જોખમ રહેલું હોય છે. જો કે, ફિક્સ્ડ ડિપોઝિટ્સ માં રોકાણ કરતા પહેલા તમારે ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટમાં નાણાંને લાંબા સમય સુધી લૉક કરતા પહેલા તેના કેટલાક ગેરફાયદા અથવા મર્યાદાઓ જાણી લેવી જોઈએ

ટેક્સ કપાત બાદ ઓછું રિટર્નઃ-

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનો સૌથી મોટો ગેરલાભ ટેક્સ પછીનું ઓછું રિટર્ન છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બેંક 5-વર્ષની FD પર 7% વ્યાજ ઓફર કરતી હોય, તો ઘણા થાપણદારો માટે ટેક્સ પછીનું વળતર ફક્ત 5% જ જેટલુ હોઈ શકે છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાંથી થતી વ્યાજની આવક પર વાર્ષિક ટેક્સ લાગે છે. સ્ક્રીપબોક્સના ચીફ બિઝનેસ ઓફિસર અનુપ બંસલના જણાવ્યા અનુસાર , વાર્ષિક 7% વળતર ઓફર કરતી બેંક FD સૌથી વધુ ટેક્સ બ્રેકેટમાં રોકાણકારોને કરવેરા પછીનું માત્ર 4.8% અસરકારક વળતર આપી શકે છે.

સંપત્તિનું ધોવાણઃ-

ટેક્સ કારણે FDમાંથી વાસ્તવિક વળતર ઓછું થઇ જાય છે, આ પ્રકારનું રોકાણ ફુગાવાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળા માટે સંપત્તિનું ધોવાણ કરે છે. ઉદાહરણ તરીકે, ઉપરોક્ત કિસ્સામાં કરવેરા બાદ 4.8%નું રિટર્ન એ સરેરાશ ગ્રાહક ફુગાવાના દર કરતાં ઓછું છે, જે આખરે લાંબા ગાળે રોકાણકારની સંપત્તિને નષ્ટ કરશે.

કર બચત માટે અસરકારક વિકલ્પ નથી:-

ઘણા રોકાણકારો કલમ 80C હેઠળ કર બચત માટે 5-વર્ષની એફડીમાં રોકાણ કરવાનું વલણ ધરાવે છે, જેના માટે કર કપાતની મર્યાદા દર વર્ષે રૂ. 1.5 લાખ છે. ઉપરાંત, આવા રોકાણોમાંથી મળતું રિટર્ન એ કર પાત્ર હોય છે. ઘણા રોકાણકારો ખાસ કરીને પગારદાર વ્યક્તિઓએ સેક્શન 80Cના લાભો માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની જરૂર નથી કારણ કે તેમની પાસે કરમુક્ત રિટર્ન મેળવવા માટે PPF, VPF અને NPS જેવા વિકલ્પો છે.

માત્ર 5 લાખની ગેરંટી છે:-

જો તમે બેન્ક FDમાં રોકાણ કરી રહ્યાં હોવ તો RBIના DICGC નિયમો હેઠળ દરેક બેન્કને તેના થાપણદાર દીઠ માત્ર 5 લાખની ગેરંટી આપવામાં આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં PPF , NSC , KVP અને SCSS (સિનિયર સિટીઝન માટે) જેવી પોસ્ટ ઑફિસ યોજનાઓ ગેરંટેડ રિટર્ન આપે છે. PPF, NSC અને SCSS પણ ટેક્સ બેનેફિટ્સ આપે છે.

લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે ઉત્તમ વિકલ્પ નથી:-

બેંક એફડી એ નાણાંની બચત કરવવા માટે સારી છે જેને તમે કોઈપણ સમયે ખર્ચી શકો છો, તે ચોક્કસપણે લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે શ્રેષ્ઠ વિકલ્પ નથી. બેંકોમાં એફડીની તુલનામાં, PPF , VPF અને NPS કરમુક્ત રિટર્ન આપે છે. ઉપરાંત, કેટલાંક મ્યુચ્યુઅલ ફંડોએ ઐતિહાસિક રીતે લાંબા ગાળે આકર્ષક રિટર્ન આપ્યું છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે વ્યક્તિએ સાવચેત રહેવાની અને પ્રમાણિત અને અનુભવી પર્સનલ ફાઇનાન્સ સલાહકારોની સલાહ લેવાની જરૂર છે.

દર વર્ષે વધતી જતી ફુગાવાને જોતાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ તમારા ભાવિષ્યના ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરી શકશે નહીં. જો કે, રોકાણકારો કે જેઓ તેમની મૂડીને જોખમમાં મૂકવા માંગતા નથી, તેમના માટે એફડી એ હાલના ઉંચા વ્યાજદરની દ્રષ્ટિએ એક આદર્શ વિકલ્પ બની શકે છે.

Disclaimer: ઉપરોક્ત સામગ્રી માત્ર માહિતી માટે છે. રોકાણ કરતા પહેલા મહેરબાની કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી. આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Fixed deposit disadvantages know 5 reasons not to invest in bank fd

Best of Express