ભારતના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ભણવા જવું દિવસને દિવસે મોંઘુ બની રહ્યુ છે. જેમાં અમેરિકામાં ભણવાનો ખર્ચ 1.5 લાખથી વધીને 2 લાખ રૂપિયા જેટલો વધી ગયો છે, તેવી જ રીતે લંડન, યુકે અને ઓસ્ટ્રેલિયામાં ટ્યુશન ફીમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વિમાન ટિકિટ પણ મોંઘી થઇ ગઇ છે. આ તમામ પરિબળોના કારણે ભારતના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં રહેવા અને અભ્યાસ કરવાનો ખર્ચ અતિશય વધી ગયો છે.
ખર્ચ વધવા પાછળનું મુખ્ય કારણ શું?
ફોરેન સ્ટડીનો ખર્ચ વધવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, જેમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણ મુખ્ય છે. આ સિવાયના અન્ય પરિબળોને કારણે પણ વિદેશીમાં અભ્યાસ કરવા જવું ખર્ચાઇ બની રહ્યુ છે. યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો દરરોજ નવા ઐતિહાસિક તળિયે જઇ રહ્યો છે. 10 ઓક્ટોબર, 2022ના રોજ ભારતીય રૂપિયો યુએસ ડૉલરની સામે 82.33ના રેકોર્ડ નીચા સ્તરને સ્પર્શ્યો હતો.
બીજું કારમ મહામારી બાદ દુનિયાભરમાં બેફામપણે વધેલી મોંઘવારી છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ મોંઘવારી કુદકેને ભૂસકે વધી રહી છે. જેના કારણે વિદેશમાં રહેવાનો – ખાવાનો ખર્ચ અને ત્યાંની કોલેજોની ફીમાં વધારો થયો છે. જેથી ભારતીયોએ વિદેશમાં અભ્યાસ કરવા માટે હવે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.
વીઝા મેળવવામાં મુશ્કેલી
વિદેશમાં શિક્ષણ મોંઘુ થતા યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો લાખો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપી રહ્યા નથી. ભારતીય વિદ્યાર્થીઓને આ દેશોને વિઝા મેળવવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે. બીજી તરફ, જેમને વિઝા મળી ગયા છે તેઓ રૂપિયાના મૂલ્યમાં ધોવાણને કારણે બજેટ કરતા ખર્ચ વધી જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, ભારતીય વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને હોમસ્ટેના રેન્ટમાં વધારો થતો વિદેશમાં ઘર શોધવું અને રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
શા માટે જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય રહેશે?
રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વચ્ચે, જર્મની સરકાર તરફથી શિક્ષણ પર સબસિડીના કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે જર્મની પસંદગીનો દેશ બની શકે છે. ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓએ ત્યાં ટ્યુશન ફી ચૂકવવાની જરૂર નથી. આવી સ્થિતિમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુકે જેવા પોપ્લુલર દેશોના મોંઘા શિક્ષણ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ માટે જર્મની એક સારો વિકલ્પ બની શકે છે. જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ (DAAD)ના રિપોર્ટ અનુસાર, 2021માં જર્મનીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 34,134 થઈ ગઈ છે.
ભારતીય વિદ્યાર્થીઓની પસંદગી બદલાઇ, હવે દેશમાં ફોરેન સ્ટડીનો ક્રેઝ વધ્યો
રૂપિયાના મૂલ્યમાં ધોવાણ બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓની વિદેશમાં શિક્ષણ મેળવવાની પસંદગી બદલાઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે અગાઉ યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતા, જો કે હવે પરિસ્થિતિ બદલાઇ છે અને જર્મની, સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ તેમજ યુએઈ વિદેશ અભ્યાસ માટે પ્રથમ પસંદગીના દેશો તરીકે ઉભરી રહ્યા છે.