ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) એ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છેતરપિંડી કરનાર લોન એપ્લિકેશન્સ સંબંધિત જાહેરાતો બંધ કરવા અને ‘વધારાના પગલાં’ અપનાવવાનો આદેશ આપ્યો છે. IT મંત્રાલયે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તેઓ છેતરપિંડી કરતી લોન એપ્લિકેશન્સ માટે જાહેરાતો ન મૂકે. આ સાથે, એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, કોઈપણ ‘પરિણામો’ માટે આવા મધ્યસ્થી/પ્લેટફોર્મની ‘એકમાત્ર જવાબદારી’ રહેશે.
તમને જણાવી દઈએ કે, ધ ઈન્ડિયન એક્સપ્રેસ અંગ્રેજી દ્વારા 20-21 નવેમ્બરના રોજ છેતરપિંડી લોન એપ્સ સંબંધિત એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફ્રોડ લોન એપ્સની જાહેરાત કરવામાં આવે છે. આ એપ્સને રોકવા માટે આ પ્લેટફોર્મ્સ દ્વારા કડક નીતિ બનાવવામાં આવી હોવા છતાં, આવી ઘણી એપ્સની જાહેરાતો જોવા મળી રહી છે, જેને સરકાર દ્વારા લાલ ઝંડી દેખાડવામાં આવી હોવા છતા, તેમની સેવાઓ હજુ પણ કાર્યરત છે.
સરકારે ઓનલાઈન પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેર કરી છે
આઈટી મંત્રાલયે મેટાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ જેવા ઓનલાઈન પ્લેટફોર્મને એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં આ પ્લેટફોર્મ્સને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે, ફ્રોડ એપ્સની જાહેરાતો 7 દિવસની અંદર હટાવી દેવામાં આવે.
આ સિવાય સરકાર હાલના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોને સુધારવા પર પણ કામ કરી રહી છે. આ સુધારાઓનો હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવી જાહેરાતો બતાવવાથી રોકવાનો છે. એક ઉચ્ચ સરકારી અધિકારીએ આ માહિતી આપી છે. એકવાર નવા નિયમો બન્યા પછી, આવી જાહેરાતો હોસ્ટ કરતા આ પ્લેટફોર્મને કાનૂની પ્રતિરક્ષા ગુમાવવાના જોખમનો સામનો કરવો પડી શકે છે.
સલાહકારે જણાવ્યું હતું કે, “મધ્યસ્થી/પ્લેટફોર્મને ગેરકાયદે લોન અને સટ્ટાબાજીની એપ માટે જાહેરાતોને મંજૂરી ન આપવા માટે વધારાના પગલાં લેવાની જરૂર છે, આ એક કૌભાંડો છે અને યુઝર્સને ગેરમાર્ગે દોરે છે, કોઈપણ પરિણામોની એકમાત્ર જવાબદારી આ પ્લેટફોર્મ્સની રહેશે.”
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, ‘આ તમારા દ્વારા કરવામાં આવેલી કેટલીક મહત્વની માહિતી દ્વારા બહાર આવેલા તારણોની પ્રતિક્રિયા છે. IT મંત્રાલય ઘણા મહિનાઓથી ભારતીય રિઝર્વ બેંક સાથે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે, પરંતુ અમે તાજેતરમાં આ સમસ્યાનો સામનો કરવા માટે અમારા પ્રયાસો તેજ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘IT નિયમોના નિયમ 3 (1) (b) હેઠળ, અમે ખાસ એ ઉમેરવાનું ઈચ્છી રહ્યા છીએ કે, કોઈપણ વચેટિયા કોઈપણ હેતુ માટે છેતરપિંડીવાળી લોન એપ્લિકેશન્સની જાહેરાતો બતાવવા માટે સક્ષમ ન હોવો જોઈએ.’
ઇન્ડિયન એક્સપ્રેસની તપાસની અસર, જે મહિનાઓ સુધી ચાલી હતી
નકલી લોન એપ્લિકેશન્સમાં મહિનાઓ સુધી ચાલેલી તપાસના ભાગ રૂપે, ધ ઈન્ડિયન એક્સપ્રેસે સિસ્ટમમાં સામેલ કેટલાક હિતધારકો સાથે વાત કરી. તેમાં લોન યુઝર્સ, ફિનટેક મધ્યસ્થી, સરકારી અધિકારીઓ, મોટી ટેક કંપનીઓ અને RBIના પૂર્વ અધિકારીઓનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, આ તપાસમાં એવા ઘણા પીડિતો મળી આવ્યા હતા અને તેમની વચ્ચે એક વસ્તુ સમાન હતી. આ એપ્સ માટે કોઈ સરકારી અને નિયમનકારી નિયમો ન હતા. ઓનલાઈન પ્લેટફોર્મ પોતાના નાના ફાયદા માટે આ નકલી લોન એપ્સની ખુલ્લેઆમ જાહેરાત કરે છે. RBI પાસે પણ ન તો રજિસ્ટર્ડ લોન એપની કે, ન તો છેતરપિંડી એપની કોઈ યાદી છે.
આ સિવાય મંગળવારે (27 ડિસેમ્બર 2023) જારી કરાયેલ એડવાઈઝરીમાં પણ આઈટી નિયમોના કડક અમલની વાત કરવામાં આવી હતી. અને તે જણાવે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત માહિતી અને ડીપફેક્સ સાથે સખત રીતે વ્યવહાર કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની જરૂરિયાત છે.





