ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપના દેવામાં છેલ્લા એક વર્ષમાં કમરતોડ 21 ટકાનો વધારો થયો છે અને તેમાં વૈશ્વિક બેંકોના લેણા લગભગ ત્રીજા ભાગનું છે એવું બ્લૂમબર્ગ કરાયેલા આંકડાના એનાલિસિસમાં જાણવા મળ્યું છે. અદાણી ગ્રૂપની આંતરિક કામગીરીથી પરિચિત વ્યક્તિઓ તેમજ રોકાણકારો સમક્ષ કરાયેલા ડિસ્ક્લોઝર અનુસાર માર્ચ 2023 અંતે તેના કુલ દેવામાંથી 29 ટકા ઋણ ગ્લોબલ ઇન્ટરનેશનલ બેંકોનું હતુ. સૌથી રસપ્રદ વાત એ છે કે, સાત વર્ષ પહેલા કંપની ઉપર કોઇ પણ પ્રકારનું વિદેશી દેવું ન હતું.
અદાણી ગ્રૂપના લેણદારોની યાદી અને તેમાં આવેલો ફેરફાર દર્શાવે છે કે ભારતના ગુજરાતી અબજોપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રૂપ કેટલી ઝડપથી વિકસ્યું છે અને તે ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયેલ જેટલા દૂરના વ્યાપારી હિતો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે જોડાયેલું છે. અલબત્ત તાજેતરમાં અમેરિકન શોર્ટ સેલર હિડંનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પર કથિત નાણાંકીય ગેરરીતિ અને છેતરપિંડીનો આરોપ મૂક્યો ત્યારે ચારેય બાજુ થી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અદાણીના અધિકારીઓ દ્વારા આરોપોનો વારંવાર ઇન્કાર અને દેવું ચૂકવવાનો આશ્વાસન આપી રહ્યા હોવા છતાં હિંડનબર્ગ રિસર્ચ વિવાદ બાદ આ કોર્પોરેટ કંપનીના શેરમાં શરૂ થયેલી વેચવાલીમાંથી હજી સુધી સંપૂર્ણપણે રિકવરી આવી નથી. આ વિવાદને કારણે જ અદાણી ગ્રૂપને તેનો 20000 કરોડ રૂપિયાનો FPO રદ કરવાની ફરજ પડી છે અને હાલ નાણાંકીય ભંડોળ એક્ત્ર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જો કે ડેટ રેશિયોમાં સુધારો થવાથી કંપનીને થોડીક રાહત મળી શકે છે. બે ગ્લોબલ રેટિંગ ફર્મ્સે કહ્યું છે કે, તેઓ અદાણી ગ્રૂપની કંપનીઓની ભંડોળ ઊભું કરવાની ક્ષમતા પર બાજ નજર રાખશે.
બ્લૂમબર્ગ દ્વારા એનાલિસિસ કરાયેલા આંકડા અનુસાર, અદાણી કંપનીઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીની તેની જવાબદારીઓ પૂરી કરવાની ક્ષમતાને માપતા મુખ્ય માપદંડમાં સુધારો કર્યો છે. વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાં રન-રેટ કમાણીમાં નેટ ડેટ રેશિયો માર્ચ 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં લગભગ 3.2 હતો. સપ્ટેમ્બર મહિનાની અદાણીએ રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, તે વર્ષ 2013માં દર્શાવેલા 7.6 ટકા કરતા ઓછો છે.
અદાણી ગ્રૂપે દાવો કર્યો છે કે. કંપનીઓએ તેમના દેવાના બોજમાં ઘટાડો કર્યો છે. સાત મુખ્ય લિસ્ટેડ અદાણી કંપનીઓ પર કુલ દેવું 31 માર્ચ સુધીમાં 20.7% વધીને 2.3 લાખ કરોડ રૂપિયા (28 અબજ ડોલર) થઈ ગયું છે. વર્ષ 2019થી આક્રમક વિસ્તરણ અને એક્વિઝિશનથી કંપનીના ઋણબોજમાં સતત વધારો થયો છે.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ વિવાદ વચ્ચે પણ અદાણી ગ્રૂપની કંપનીઓમાં LICએ રોકાણ વધાર્યું
બ્લૂમબર્ગ એનાલિસિસ અનુસાર માર્ચ અંત સુધીમાં અદાણી ગ્રૂપના કુલ ઋણમાં બોન્ડ્સનો હિસ્સો 39% હતો, જે વર્ષ 2016માં 14% હતો. તેમ છતાં સ્થાનિક લેણદારોના બાકી લેણા વધારે છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું અદાણી ગ્રૂપમાં લગભગ 270 અબજ રૂપિયા (3.3 અબજ ડોલર)નું એક્સ્પોઝર હતું, એવું બેંકના ચેરમેને ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું. નોંધનીય છે કે, અદાણી ગ્રૂપે પોર્ટ – લોજિસ્ટિક અને કોલ બિઝનેસ બાદ તાજેતરના વર્ષોમાં એરપોર્ટ, રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર, સિમેન્ટ અને મીડિયામાં વિસ્તરણ કર્યું.