Adani Group Withdraws Sri Lanka Wind Project: ગૌમમ અદાણીને મોટો ફટકો લાગ્યો છે. શ્રીલંકા સરકાર દ્વારા પાવર પ્રોજેક્ટની શરતો પર ફરીથી વાટાઘાટો શરૂ કર્યા બાદ, અદાણી ગ્રૂપ ઉત્તર શ્રીલંકામાં 484 મેગાવોટ વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માંથી પીછેહઠ કરી છે. આ વિન્ડ પાવર પ્રોજેક્ટમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાનું હતું. આ અહેવાલ બાદ બીએસઇ પર અદાણી ગ્રીન એનર્જી કંપનીનો શેર અડધો ટકો ઘટ્યો હતો.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે બુધવારે શ્રીલંકાના ઇન્વેસ્ટમેન્ટ બોર્ડને જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથેની ચર્ચા બાદ તેઓ વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માંથી સમ્માનપૂર્વક ખસી જશે. શ્રીલંકાના ઇન્વેસ્ટમેન્ટ બાર્ડે વિન્ટ પાવર પ્રોજેક્ટની દરખાસ્ત પર ફરીથી વાટાઘાટો કરવા માટે નવી સમિતિઓની રચના કરવાના સંકેત આપ્યા હતા.
નોંધનિય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની ચૂંટણી બાદથી વિન્ડ પ્રોજેક્ટ મામલે કડક તપાસ ચાલી રહી છે. તેમણે ચૂંટણી પહેલા કથિત પ્રોજેક્ટને રદ કરવાનું વચન આપ્યું હતું.
અદાણી ગ્રીન એનર્જી કંપનીએ શ્રીલંકાના ઇન્વેસ્ટમેન્ટ બોન્ડના અધ્યક્ષ અર્જુન હેરાથને લખેલા પત્રમાં લખ્યું છે કે, અમારા અધિકારીઓએ તાજેતરમાં CEB (સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ) ના અધિકારીઓ તેમજ કોલંબો સ્થિતિ મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. એવું જાણવા મળ્યું છે કે વિન્ડ પ્રોજેક્ટ દરખાસ્ત પર ફરીથી વાટાઘાટો કરવા માટે કેબિનેટ દ્વારા નિયુક્ત બીજી વાટાઘાટો સમિતિ (CANC) અને પ્રોજેક્ટ સમિતિ (PC) ની રચના કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે અગાઉ 20 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં અદાણી ગ્રૂપ 1 અબજ ડોલરનું રોકાણ કરવાનું થતું.બિલ્ડ-ઓન-ઓપરેટ મોડેલ હેઠળ મન્નાર અને પૂનરીન ખાતે કેટલાક ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિન્ડ એનર્જી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની હતી.
અદાણી ગ્રૂપ શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી (SLPA) અને જોન કીલ્સ હોલ્ડિંગ્સ સાથે મળીને કોલંબો બંદર પર એક ટર્મિનલ પણ વિકસાવી રહ્યું હતું. જો કે ડિસેમ્બરમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે આગામી ટર્મિનલ માટે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) પાસેથી 55.3 કરોડ ડોલરની લોન માટેની વિનંતી પાછી ખેંચી લીધી હતી.
અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં લાંચનો કેસ
નોંધનિય છે કે, નવેમ્બરમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને છ અન્ય લોકો પર પર સોલાર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને કથિત રીતે 2,029 કરોડ રૂપિયા (26.5 કરોડ ડોલર)ની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. 21 નવેમ્બર, 2024ના રોજ દાખલ કરવામાં આવેલા આરોપનામામાં 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપવાનો, રોકાણકારો અને બેંકો સાથે જૂઠું બોલવાનો અને ન્યાયમાં અવરોધ ઊભો કરવાની યોજના બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.





