Gautam Adani Jumps In Bloomberg Billionaires Index List: ગૌતમ અદાણી માટે ફરી ‘અચ્છે દિન’ આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજીથી અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેની સીધી અસરે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ દિન દો ગુની રાત ચો ગુની વધારો થઇ રહ્યો છે. આ સાથે જ વિશ્વના ટોપ-20 ધનાઢ્યોની યાદીમાં ગૌતમ અદાણી એક જ દિવસમાં 4 ક્રમની છલાંગ લગાવીને 15માં ક્રમે પહોંચી ગયા છે. ઉપરાંત એક જ દિવસમાં સંપત્તિમાં વધારાના મામલે અદાણીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.
ગૌતમ અદાણીની સંપત્તિ એક જ દિવસમાં 12.3 અબજ ડોલર વધી
ગૌતમ અદાણીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં છેલ્લા એક સપ્તાહથી તેજીનો માહોલ છે અને તેનાથી આ ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિમાં પણ સતત જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 12.3 અબજ ડોલરનો વધારો થયો છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ 1,91,62,33,50,000 રૂપિયા થાય છે. એટલે કે ગૌતમ અદાણી એક જ દિવસમાં 19162.335 કરોડ રૂપિયા ધનવાન બન્યા છે. આ સાથે જ અદાણી એક દિવસમાં સૌથી વધારે કમાણી કરવાના મામલે નંબર-1 અબજપતિ બની ગયા છે.
ગૌતમ અદાણી પાસે કેટલી સંપત્તિ છે? (Gautam Adani Net Worth)
ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા એકાદ સપ્તાહથી સતત વધારો થઇ રહ્યો છે. બ્લુમબર્ગ બિલિયોરન્સ ઇન્ડેક્સના આંકડા અનુસાર 6 ડિસેમ્બર 2023ના રોજ ગૌતમ અદાણીની સંપત્તિ 12.3 અબજ ડોલર વધીને 82.5 અબજ ડોલર થઇ છે. આ સાથે તેઓ વિશ્વના ટોપ-20 ધનિકોની યાદીમાં 15માં ક્રમે છે. આ અગાઉ 4 ડિસેમ્બરે તેઓ 65.8 અબજ ડોલરને નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં 20માં ક્રમે હતા. તેમ છતાં વાર્ષિક દ્રષ્ટિએ જોઇએ તો ચાલુ વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં 38.08 અબજ ડોલરનું ધોવાણ થયું છે અને તેનું કારણ છે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ.
મુકેશ અંબાણીની નેટ વર્થ કેટલી છે? ( Mukesh Ambani Net Worth)
ભારતના નં-1 ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની વાત કરીયે તો છેલ્લા એક દિવસમાં તેમની સંપત્તિ 1.01 અબજ ડોલર વધીને છે અને 91.4 અબજ ડોલરની નેટ વર્થ સાથે તેઓ દુનિયાના ટોપ-20 ધનાઢ્યોની યાદીમાં 13માં ક્રમે છે. ચાલુ વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં 4.33 અબજ ડોલરનો ઉમેરો થયો છે.
દુનિયાના ટોપ-15 ધનાઢ્યોની યાદી (Bloomberg Billionaires Index)
ક્રમ ધનાઢ્યનું નામ કુલ સંપત્તિ વધારો વાર્ષિક ફેરફાર દેશ 1 એલોન મસ્ક 222 +2.25 અબજ ડોલર +85.0 અબજ ડોલર યુએસ 2 જેફ બેઝોસ 171 +1.94 અબજ ડોલર +64.1 અબજ ડોલર યુએસ 3 બર્નાર્ડ આર્નોલ્ટ 169 +2.16 અબજ ડોલર +6.59 અબજ ડોલર ફ્રાંસ 4 બીલ ગેટ્સ 134 -50.2 કરોડ ડોલર +24.9 અબજ ડોલર યુએસ 5 લેરી એલીસન 129 -1.01 અબજ ડોલર +37.3 અબજ ડોલર યુએસ 6 સ્ટીવ બાલ્મર 129 +1.08 અબજ ડોલર +42.7 અબજ ડોલર યુએસ 7 વોરન બફેટ 119 -71.1 કરોડ ડોલર +11.5 અબજ ડોલર યુએસ 8 લેરી પેજ 119 +1.28 અબજ ડોલર +36.0 અબજ ડોલર યુએસ 9 માર્ક ઝુકરબર્ગ 115 -60.5 કરોડ ડોલર +69.8 અબજ ડોલર યુએસ 10 સેર્ગેઈ બ્રિન 113 +1.20 અબજ ડોલર +33.5 અબજ ડોલર યુએસ 11 કાર્લોસ સ્લીમ 96.3 +70.2 કરોડ ડોલર +22.0 અબજ ડોલર મેક્સિકો 12 ફ્રાન્કોઇસ બેટનકોર્ટ 94.9 +20.5 કરોડ ડોલર +23.4 અબજ ડોલર ફ્રાંસ 13 મુકેશ અંબાણી 91.4 +1.01 અબજ ડોલર +4.33 અબજ ડોલર ભારત 14 અમાનસિઓ ઓર્ટેગા 83.6 +2.04 કરોડ ડોલર +29.0 અબજ ડોલર સ્પેન 15 ગૌતમ અદાણી 82.5 +12.3 અબજ ડોલર -38.0 અબજ ડોલર ભારત
સેન્સેક્સ અને નિફ્ટી સતત નવી ઐતિહાસિક ટોચે
ભારતીય શેરબજારમાં ફુલગુલાબી તેજીનો માહોલ છે. આગ ઝરતી તેજીથી સેન્સેક્સ – નિફ્ટી સતત પાંચ દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે અને રોકાણકારો માલામાલ થઇ રહ્યા છે. 6 ડિસેમ્બર 2023, બુધવારના રોજ સેન્સેક્સે 69744 અને નિફ્ટીએ 20961ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યા બાદ ક્લોઝિંગની રીતે પણ સર્વોચ્ચ સપાટીએ બંધ થયા હતા. ઐતિહાસિક તેજીના પગલે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓન કુલ માર્કેટ વેલ્યૂએશન પણ ઘટી 348.85 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ લેવલે પહોંચ્યુ હતુ.