ગૌતમ અદાણીના દિવસો પલટાયા છે અને ફરી વિશ્વના ટોપ-20 ધનિકોની યાદીમાં આવી ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી અદાણી ગ્રૂપની કંપનીના શેરમાં તેજીનું તોફાન છે અને તેના સથવરે ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપી વધારો થયો છે. પ્રાથમિક આંકડા મુજબ ગૌતમ અદાણી હાલ 64.2 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિોની યાદીમાં 18માં ક્રમે છે.
ગૌતમ અદાણી 4.38 અબજ ડોલર વધુ ધનિક થયા
છેલ્લા ઘણા દિવસથી અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના શેર ભાવ સતત વધી રહ્યા છે, જેની સાનુકુળ અસરે ગૌતમ અદાણીની સંપત્તિ પણ ઝડપથી વધી રહી છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર તાજેતરમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 4.38 અબજ ડોલરનો વધારો થયો છે, જે છેલ્લા 24 કલાકમાં દુનિયાના ધનિકોની સંપત્તિમાં થયેલો સૌથી વધુ વધારો છે. હાલ તેમની ટોટલ નેટ વર્થ 64.2 અબજ ડોલર છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અદાણીને 56.4 અબજ ડોલરનું નુકસાન
હાલ ગૌતમ અદાણીની સંપત્તિમાં ભલે વધારો થયો હોય પરંતુ ચાલુ વર્ષ 2023માં અત્યાર સુધીમાં હજી પણ તેઓ 56.4 અબજ ડોલરનું નુકસાન કરી રહ્યા છે. 24 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી તેમની કંપની પર ગંભીર આક્ષેપો કરતો રિપોર્ટ જાહેર કર્યો હતો તે સમયે ભારતીય ઉદ્યોગપતિની કુલ સંપત્તિ 96થી 67 અબજ ડોલરની વચ્ચે હતી. જો કે હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાયા અને તેના પરિણામે એક સમયના વિશ્વના નંબર-3 અબજોપતિની સંપત્તિમાં ધરખમ ધોવાણ થતા તેઓ વિશ્વના ટોપ-30 ધનિકોની યાદીમાંથી પણ બહાર ફેંકાઇ ગયા હતા.
ઉલ્લેખનિય છે કે, ગૌતમ અદાણી સપ્ટેમ્બર 2022માં 154 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. આમ આ ધોરણે તેઓ હજી પણ 56.4 અબજ ડોલરનું નુકસાન સહન કરી રહ્યા છે.
મુકેશ અંબાણી પાસે હાલ કેટલી સંપત્તિ છે?
જો ભારતના અન્ય અબજોપતિ ઉદ્યોગપતિની વાત કરીયે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 64.1 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 13માં ક્રમે છે. તાજેતરમાં અંબાણીની સંપત્તિમાં 5.49 અબજ ડોલરનો ઉમેરો થયો છે, તેમ છતાં તેઓ હજી પણ ચાલુ વર્ષ 2023માં અત્યાર સુધીમાં તેમની નેટ વર્થમાં 3 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
વિશ્વના ટોપ-2 અબજોપતિની યાદી, કોણ કેટલુ અમીર અને ગરીબ બન્યું
વિશ્વના અન્ય ધનિકો અંબાણી અને અદાણી જેટલા નસીબદાર નથી કારણ કે બ્લુબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર ટોપ-20 અબજોપતિઓમાં માત્ર ઉપરોક્ત બંને ભારતીય ઉદ્યોગપતિઓને બાદ કરતા તમામની સંપત્તિમાં તાજેતરમાં ઘટાડો થયો છે. ફ્રાંસના ધનાઢ્ય બર્નાર્ડ આર્નોલ્ડ 192 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના નંબર-1 ધનિક છે, જો કે તાજેતરમાં તેમની સંપત્તિમાં 11.2 અબજ ડોલરનું ધોવાણ થયું છે. તેવી જ રીતે નંબર-2 ધનિક એલોન મસ્કની સંપત્તિ તાજેતરમાં 2.22 અબજ ડોલર ઘટીને 180 અબજ ડોલર અને જેફ બેફોસની નેટ વર્થ 19.8 અબજ ડોલર ઘટીને 139 અબજ ડોલર થઇ છે.
બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ – વિશ્વના ટોપ-20 ધનિકો અને તેમના સંપત્તિની વિગત

