ગૌતમ અદાણીની માલિકીનું અદાણી ગ્રૂપને અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી કંપનીઓના શેરમાં ધરખમ કડાકાના કારણે મોટો ફટકો લાગ્યો હતો. હવે અદાણી ગ્રૂપે આ ફટકાથી ફરી બેઠું થવા માટે નક્કર અને મજબૂત રણનીતિ બનાવી છે, જે હેઠળ તે સંસ્થાકીય રોકાણકારોને ઇક્વિટી શેરના વેચાણ મારફતે લગભગ 3.5 અબજ ડોલર એકત્ર કરવાનું વિચારી રહ્યું છે.
ગૌતમ અદાણીની માલિકીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના બોર્ડે લાયક સંસ્થાકીય રોકાણકારોને શેર વેચીને 21,000 કરોડ રૂપિયા (2.5 અબજ ડોલરથી વધુ) એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનું ડિરેક્ટર બોર્ડ આગામી બે અઠવાડિયામાં 1 અબજ ડોલર સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી મેળવી તેવી શક્યતા છે, એવું આ ઘટનાક્રમથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.
ડિરેક્ટર બોર્ડની મંજૂરી મેળવ્યા બાદ હવે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે સંસ્થાકીય રોકાણકારોને ઇક્વિટી શેર હોલ્ડિંગ વેચીને ભંડોળ ઉભું કરવા હેતું શેરધારકો પાસે મંજૂરી માંગી છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનું બોર્ડ જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં ભંડોળ ઊભુ કરવાની મંજૂરી આપવા માટે બેઠક યોજી શકે છે, એવું સુત્રોએ જણાવ્યું હતું.
અદાણી ગ્રૂપ કુલ મળીને 3.5 અબજ ડોલરનું ભંડોળ ઊભું કરવામાં આવશે, જેના વડે જૂથની મૂડી ખર્ચની જરૂરિયાતો પુરી કરાશે અને આ ભંડોળ એક્ત્રિકરણ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
આ ભંડોળ એકત્રીકરણની કવાયતમાં લાયક સંસ્થાકીય ખરીદદારોને શેર ઇશ્યૂ કરીને તેમની પાસેથી નાણાં ઉભા કરવામાં આવશે. આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે યુરોપ અને મધ્ય પૂર્વના રોકાણકારોએ મજબૂત રસ દર્શાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલના કેટલાક રોકાણકારો ઓફરમાં સબ્સ્ક્રાઇબ કરે તેવી શક્યતા છે અને કેટલાક નવા રોકાણકારો પણ તેમાં જોડાઈ શકે છે.
માર્ચમાં GQG પાર્ટનર્સે અદાણીમાં 1.87 અબજ ડોલરનું રોકાણ કર્યું
નોંધનિય છે કે, GQG પાર્ટનર્સ જેણે માર્ચના પ્રથમ સપ્તાહમાં અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં 1.87 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું, તે પણ આ ભંડોળ એક્ત્રિકરણની યોજનામાં જોડાઈ શકે છે અને તેણે આ ભારતીય સમૂહમાં રોકાણ કરવાની રુચિ દર્શાવે છે. નાણાકીય સંસ્થાઓ અને અન્ય રોકાણકારો સાથે વિદેશમાં વ્યાપક રોડ-શો કર્યા પછી ભંડોળ એકત્રીકરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણ કરનાર બે મોરેશિયસ કંપનીઓ ITના રડારમાં
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીએ 20000 કરોડનો FPO રદ કર્યો હતો
ઉલ્લેખનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને પગલે અદાણી એન્ટરપ્રાઇઝિસને 20,000 કરોડ રૂપિયાનો ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) રદ કરવાની ફરજ પડી હતી તેના ત્રણ મહિના ગૌતમ અદાણી ફરી મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





