ભારત અને એશિયાના સૌથી મોટા અબજોપતિ ગૌત્તમ અદાણીએ તેમના જીવનમાં ઘણી મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે વિવિધ ઉદ્યોગો અને વેપારમાં મોટી સફળતા હાંસલ કરીને એક દિગ્ગજ ઉદ્યોગપતિ તરીકે દુનિયામાં ડંકો વગાડ્યો છે. હીરાના વેપારથી બિઝનેસ શરૂ કરનાર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવવા છતાં ગૌત્તમ અદાણીને એક વાતનો બહુ જ અફસોસ છે. ગૌત્તમ અદાણીને તેમનો કોલેજનો અભ્યાસ પુરો ન કરી શકવાનો આજે પણ ભારે અફસોસ છે. તેઓ 1978માં માત્ર 16 વર્ષની વયે કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને પોતાની કિસ્મત અજમાવવા માટે મુંબઇ જતા રહ્યા હતા. હાલ ગૌત્તમ અદાણી દુનિયાના ટોપ-3 અબજોપતિઓમાં સ્થાન ધરાવે છે.
તો હું વધુ સફળ થયો હોત…
ગૌત્તમ અદાણીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મને તે દિવસ હજુ પણ યાદ છે જ્યારે મેં જાપાનીઝ ખરીદદારો સાથે પ્રથમ સોદો કર્યો હતો જેમાં મને 10,000 રૂપિયાનું કમિશન મળ્યું હતુ.. આ એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની સફરની શરૂઆત હતી. તેમણે કહ્યું કે બીજો પ્રશ્ન મને વારંવાર પૂછવામાં આવે છે કે શું મને કોલેજનો અભ્યાસ ન કરી શકવાનો કોઈ અફસોસ છે? મારા જીવન અને તેમાં આવેલા વિવિધ વળાંકો પર ધ્યાન આપતા, મારું માનવું છું કે જો મેં મારું કૉલેજનો અભ્યાસ પુરો કર્યો હોત તો મને વધારે સફળતા મળી હોત.
જ્યારે પહેલી સફળતા મળી
મુંબઈ આવ્યાના ત્રણ વર્ષ પછી, તેમને બિઝનેસમાં પહેલી સફળતા ત્યારે મળી જ્યારે તેમને જાપાનીઝ ખરીદદારને હીરા વેચવા બદલ કમિશન તરીકે 10,000 રૂપિયા મળ્યા. આ સાથે જ તેમની એક ઉદ્યોગસાહસિક તરીકેની સફર શરૂ થઈ અને આજે તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે. તેમ છતાં, તેમને પોતાનો કૉલેજનો અભ્યાસ પૂરો ન કરી શકવાનો અફસોસ છે.
ઔપચારિક શિક્ષણ જ જ્ઞાનની ક્ષિતિજ વધારે છે
ગૌત્તમ અદાણીએ જણાવ્યું હતું કે, શરૂઆતના અનુભવોએ તેમને સમજદાર બનાવ્યા હતા પરંતુ ઔપચારિક શિક્ષણ જ જ્ઞાનમાં વધારો કરે છે. બનાસકાંઠામાં તેમના જીવનના પ્રારંભિક દિવસો બાદ તેઓ અમદાવાદ ગયા જ્યાં તેમણે માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે 4 વર્ષ વિતાવ્યા હતા. તેણે ઉમેર્યું કે ‘હું માત્ર 16 વર્ષનો હતો ત્યારે મેં મારો કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને મુંબઈ જવાનું નક્કી કર્યું. મને એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે – શા માટે હું મુંબઈ ગયો અને મારા પરિવાર સાથે કેમ કામ ન કર્યું?
ગૌત્તમ અદાણી કેટલું ભણેલા છે?
ગૌત્તમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ એક જૈન પરિવાર થયો હતો. તેમના પિતાનું નામ શાંતિલાલ અદાણી અને માતાનું નામ શાંતાબેન અદાણી છે. તેઓ 7 ભાઈ-બહેન છે. તેમના પિતા ગુજરાતના ઉત્તરમાં આવેલા થરાદમાંથી સ્થળાંતર કરીને અમદાવાદ આવ્યા હતા. તેમના પિતાને કાપડનો બિઝનેસ હતો. તેમણે શાળાનું શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં પૂર્ણ કર્યા બાદ બીકોમનો અભ્યાસ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધુ હતુ. પરંતુ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ અધવચ્ચે છોડીને તેઓ મુંબઇ જતા રહ્યા હતા.
હીરાના વેપારની આંટીઘૂંટીઓ
ગૌત્તમ અદાણીએ કહ્યું કે હું માત્ર એટલું જાણતો હતો કે હું કંઈક અલગ કરવા માંગુ છું અને હું તે જાતે કરવા માંગુ છું. મેં ટ્રેનની ટિકિટ ખરીદી અને ગુજરાત મેઇલ દ્વારા મુંબઈ જવા નીકળ્યો. મુંબઈમાં, મારા પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ દેસાઈએ મને મહેન્દ્ર બ્રધર્સમાં નોકરી અપાવી, જ્યાં મેં હીરાના વેપારની આંટીઘૂંટીઓ શીખવાનું શરૂ કર્યું. મને તે વ્યવસાય બહુ ઓછા સમયમાં સમજી લીધો અને મહેન્દ્ર બ્રધર્સ સાથે લગભગ 3 વર્ષ કામ કર્યા બાદમેં ઝવેરી બજારમાં મારી પોતાની હીરાની દલાલીનું કામકાજ શરૂ કર્યું.
અદાણી ગ્રુપ બિઝનેસ
આજે, વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા કંપની, ભારતનું સૌથી મોટું એરપોર્ટ અને પોર્ટ અદાણી ગ્રૂપની માલિકીનું છે. અદાણી ગ્રુપનો બિઝનેસ એનર્જીથી લઈને સિમેન્ટ ઉદ્યોગ સુધી વિસ્તરેલો છે. વર્તમાનમાં અદાણી ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન યુએસ 225 અબજ ડોલર અને આ બધુ છેલ્લા સાડા ચાર દાયકાની મહેનતનું પરિણામ છે.