ગૌતમ અદાણી માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુરુવારની સવારે અદાણી ગ્રૂપની બે કંપનીઓને MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાંથી દૂર કરાયા બાદ સાંજે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદની તપાસ માટે વધુ છ મહિનાની મુદ્દત માંગતી સેબીની વિનંતીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આજે શુક્રવારે અદાલતમાં આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાણી ગ્રૂપ સામે હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા વધુ છ મહિનાની મુદ્દત લંબાવવાની વિનંતીને મંજૂરી આપી શકશે નહીં.
સેબીની ઝાટકણી, તપાસ માટે 6 નહીં 3 મહિના આપી શકાય
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની ખંડપીઠ અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે છ મહિનાની મુદ્દત માંગતી સેબીની સુનાવણી કરી રહ્યા છે. સેબીની અપીલ પર સુનાવણી કરતા ખંડપીઠે જણાવ્યું કે, “અમે હવે વધુ 6 મહિનાનો સમય આપી શકતા નથી. કામગીરીમાં થોડીક ઝડપ હોવી જરૂરી છે. આ કેસની તપાસ માટે એક ટીમને કામ લગાડે. સેબીને તપાસ માટે 6 મહિના જેટલો સમય આપી શકાય તેમ નથી, અમે તેમને 3 મહિનાનો સમય આપીશું.”
આગામી સુનાવણી 15 મેના રોજ થશે
અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએમ સપ્રેની આગેવાનીમાં છ સભ્યોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ બંધ કવરમાં તેમનો રિપોર્ટ સોંપી દીધો છે અને તેમના તારણોને ધ્યાનમાં લીધા પછી 15 મેના રોજ આ કેસમાં આગામી સુનાવણી 15 મે, 2023ના રોજ હાથ ધરવાનું નક્કી કરાયુ છે.
અદાણી હિંડનબર્ગ વિવાદમાં 4 જાહેર હિતની અરજીઓ થઇ
અદાણી હિંડનબર્ગ વિવાદ અંગે અદાલતમાં જાહેર હિતની ચાર અરજીઓ થઇ હતી. આ અરજીઓ એડવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ મામલે પહેલી સુનાવણી 10 ફેબ્રુઆરીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ કરી હતી.
સેબીએ તપાસ માટે છ મહિનાનો સમય માંગ્યો હતો
અગાઉ તપાસ માટે વધારે સમયની માંગણી કરતી અરજીમાં સેબીએ જણાવ્યું હતું કે “12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં નાણાકીય બાબતોની ખોટી રજૂઆત, નિયમનો સાથે બાંધછોડ અને/અથવા છેતરપીંડિ યુક્ત ટ્રાન્ઝેક્શન્સની પ્રકૃતિને લગતા સંભવિત ઉલ્લંઘનોની ખાતરી કરવા માટે … મામલાની જટિલતાને જોતાં, સેબીને સામાન્ય રીતે આ ટ્રાન્ઝેક્શન્સની તપાસ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ છ મહિનામાં તે નિષ્કર્ષ પર લાવવાના તમામ વાજબી પ્રયાસો કરી રહ્યા છીએ”.વાંચી શકો છો.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.