ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપ કંપનીઓ વિરુદ્ધ અમેરિકાની ફર્મ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદને એક મહિનો થયો છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં રોજેરોજ સેલર સર્કિટ લાગી અને ગૌતમ અદાણી ‘અર્શથી ફર્શ પર પટકાયા’ છે. એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ધોવાણથી હાલ તેઓ વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 29માં ક્રમે આવી ગયા છે. આ સમગ્ર વિવાદમાં છેવટે નુકસાન તો રોકાણકારોને જ થયુ છે અને માત્ર એક જ મહિનામાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 11 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
એક મહિનામાં અદાણી ગ્રૂપની માર્કેટકેપમાં ધોવાણ (કરોડ રૂપિયામાં)
કંપનીનું નામ | 24 જાન્યુઆરી | 23 ફેબ્રુઆરી | ઘટાડો |
---|---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 392474 | 157730 | 234744 |
અદાણી પોર્ટ્સ-સેઝ | 164354 | 119261 | 45093 |
અદાણી ટોટલ ગેસ | 427326 | 87242 | 340084 |
અદાણી ટ્રાન્સમિશન | 307447 | 83589 | 2,23,858 |
અદાણી ગ્રીન એનર્જી | 303113 | 81157 | 221956 |
અંબુજા સિમેન્ટ | 98994 | 66916 | 32078 |
અદાણી પાવર | 105989 | 59589 | 46400 |
અદાણી વિલ્મર | 74491 | 48718 | 25773 |
એસીસી લિમિટેડ | 43869 | 32636 | 11233 |
NDTV | 1830 | 1295 | 535 |
કુલ | 1919887 | 738133 | 1181754 |

એક મહિનામાં અદાણી ગ્રૂપની કંપનીના શેરમાં ધોવાણ (ભાવ રૂપિયામાં)
કંપનીનું નામ | 24 જાન્યુઆરી | 23 ફેબ્રુઆરી | ઘટાડો | ઘટાડો(%) |
---|---|---|---|---|
એસીસી લિમિટેડ | 2336 | 1737 | 599 | -25% |
અદાણી એન્ટરપ્રાઇસ | 3442 | 1383 | 2059 | -60% |
અદાણી ગ્રીન એનર્જી | 1913 | 512 | 1401 | -73% |
અદાણી પોર્ટ્સ-સેઝ | 760 | 552 | 208 | -27% |
અદાણી પાવર | 274 | 154 | 120 | -44% |
અદાણી ટોટલ ગેસ | 3885 | 793 | 3092 | 80% |
અદાણી ટ્રાન્સમિશન | 2756 | 749 | 2007 | -73% |
અદાણી વિલ્મર | 573 | 374 | 199 | -35% |
અંબુજા સિમેન્ટ | 498 | 337 | 161 | -32% |
એનડીટીવી | 283 | 201 | 82 | 30% |
અદાણી ગ્રૂપના શેરમાં 80 ટકા સુધીનો કડાકો
હિંડનબર્ગ રિપોર્ટના વિવાદ છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં રોકાણકારોને 80 ટકા સુધીનું જંગી નુકસાન થયું છે. જેમાં અદાણી ટોટલ ગેસ કંપનીનો શેર સૌથી વધુ 80 ટકા, ત્યારબાદ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી 73 તેમજ અદાણી એન્ટરપ્રાઇસનો શેર 60 ટકા તૂટ્યો છે.

વિશ્વના ધનિકોની યાદીમાં ટોચ પરથી તળિયે પટકાયા
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મસમોટા કડાકાથી ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ટોચ પરથી નીચે પટકાયા છે. 24 જાન્યઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપની ગેરરીતિનો રિપોર્ટ બહાર પાડ્યો ત્યારે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિકોની યાદી એટલે કે બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં ત્રીજા ક્રમે હતા. જો કે ત્યારબાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર જંગી વેચવાલીને પગલે 80 ટકા સુધી તૂટ્યા અને તેના પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિ નોંધપાત્ર ઘટી છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં 77.9 અબજ ડોલરનું ધોવાણ
બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી 42.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં હાલ 29માં ક્રમે છે જ્યારે બે દિવસ પહેલા તેઓ 49.1 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 25માં ક્રમે હતા, તો પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં 1.50 અબજ ડોલરે પહોંચી ગઇ હતી. આમ એક મહિનામાં ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ‘અર્શ પરથી ફર્શ પર’ પટકાયા છે. તાજેતરમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 3.39 અબજ ડોલર અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77.9 અબજ ડોલરનું ધોવાણ થયું છે.
MSCI : 4 શેરમાં વેઇટેજ ઘટાડવાની યોજના
મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ (MSCI) એ અદાણી ગ્રૂપના સ્ટોક્સે ઇન્ડેક્સમાં યથાવત રાખ્યા છે, પરંતુ તેની ગણતરીમાં 4 સ્ટોક્સમાં ફ્રી ફ્લોટની સંખ્યામાં ઘટાડી દીધી છે. ઇન્ડેક્સ પ્રોવાઇડરે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને એસીસીના ફ્રી ફ્લોટ્સ ઘટાડ્યા છે. રોઇટર્સના જણાવ્યા મુજબ, આ 4 સ્ટોક્સનું વેઇટેજ ઘટાડવાની યોજના છે. મૂડીઝે અદાણી ગ્રૂપ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશનમાં ધરખમ ઘટાડા બાદ ગ્રૂપની 4 કંપનીઓનું ક્રેડિટ રેટિંગ ‘સ્ટેબલ’થી ડાઉનગ્રેડ કરીને ‘નેગેટિવ’ કર્યું છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણી PTC ઇન્ડિયા માટે બિડ નહીં કરે, તાજેતરમાં જ DB પાવર ખરીદવાનો સોદો રદ કર્યો હતો
નોર્વે વેલ્થ ફંડે અદાણી કંપનીમાં હિસ્સો વેચ્યો
વિશ્વના સૌથી મોટા સ્ટોક રોકાણકાર નોર્વે વેલ્થ ફંડે અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં તેનું તમામ ઇક્વિટી રોકાણ વેચી દીધું છે અને હવે આ જૂથમાં તેનું એક પૈસાનું રોકાણ નથી.