ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓના ફરી ‘અચ્ચે દિન’ આવ્યા છે. અદાણી ગ્રૂપના શેરમાં સતત બીજા દિવસે તેજીની સર્કિટ લાગી છે. આ તેજી પાછળ હિંડનબર્ગ કેસ મામલે રાહત આપતા અહેવાલો અને અબજોપતિ રોકાણકાર દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓમાં મૂડીરોકાણ વધારવાની ઘોષણા છે.
GQG પાર્ટનર્સ LLC અદાણી ગ્રૂપની કંપનીમાં નવુ રોકાણ કરી હિસ્સો વધારશે
અનુભવી રોકાણકાર રાજીવ જૈનની GQG પાર્ટનર્સ એલએલસી એ અબજોપતિ ગૌતમ અદાણીના સમૂહમાં તેમનો હિસ્સો લગભગ 10% વધાર્યો છે અને તે “ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ” તરીકે ઓળખાતા કોંગ્લોમેરેટના ભાવિ ફંડ એકત્રીકરણમાં ભાગ લેશે. જીક્યુજીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જૈને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “પાંચ વર્ષમાં, અમે મૂલ્યાંકનના આધારે અદાણી ગ્રૂપમાં પરિવાર બાદ સૌથી મોટા રોકાણકારો પૈકીના એક બનવા માંગીએ છીએ.” “અમે ચોક્કસપણે અદાણી ગ્રુપની કોઈપણ નવી ઓફરમાં ભાગીદાર બનવા ઇચ્છીયે છીએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, GQGનું હાલ અદાણી ગ્રૂપમાં રોકાણનું મૂલ્ય 3.5 અબજ ડોલરની નજીક છે. જો કે એ સ્પષ્ટતા નથી કરી કે તેમણે કઈ કંપનીઓમાં કેટલો હિસ્સો ખરીદ્યો છે.
માર્ચમાં અદાણીની ચાર કંપનીમાં 2 અબજ ડોલરના શેર ખરીદ્યા હતા
નોંધનિય છે કે, ગત માર્ચમાં GQG એ ફેમિલી ટ્રસ્ટ પાસેથી અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના લગભગ 2 અબજ ડોલરની (લગભગ 15446 કરોડ રૂપિયા) મૂલ્યના શેર હસ્તગત કર્યા હતા. નોંધનિય છે કે, અમેરિકાની શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા શેરમાં “કથિત” સટ્ટાકીય ટ્રેડિંગ અને કોર્પોરેટ કૌભાંડનો આરોપ મુકાયા બાદ સંકટગ્રસ્ત અદાણી સમૂહની માર્કેટ વેલ્યૂએશનમાં 150 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો હતો.
રાજીવ જૈન, જે ભારતીય મૂળના રોકાણકાર છે અને ફ્લોરિડામાં ફોર્ટ લૉડરડેલ ખાતે કામગીરી કરે છે, તેમણે જણાવ્યું હતું કે તેઓને શોર્ટ સેલર હિંડનબર્ગના આક્ષેપોની કોઇ ચિંતા નથી છે. અદાણી ગ્રૂપે હિંડનબર્ગના આક્ષેપોને નકારી કાઢ્યા છે. રાજીવ જૈને આ વર્ષની શરૂઆતમાં બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું હતું કે 30 વર્ષની રોકાણ કારકિર્દીમાં મને હજુ સુધી એક આદર્શ કંપની મળી નથી.”
જૈને અદાણી ગ્રૂપના કારોબારના મૂલ્ય તરફ નિર્દેશ કરીને તેના વિરોધાભાસી રોકાણને પણ યોગ્ય ઠેરવ્યું છે, જેમાં તેની કોલસા ખાણકામ અને એરપોર્ટ એસેટનો સમાવેશ થાય છે, જે ભારતના વિકાસના લક્ષ્યો સાથે જોડાયેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જેમની ગૌતમ અદાણી સાથે ગાઢ મિત્રતા હોવાનું કહેવાય છે, તેઓ સ્થાનિક કોર્પોરેટ ગ્રૂપને નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા દબાણ કરી રહ્યા છે અને ઉત્પાદનને ચીન જેવા સ્થળોથી ભારતમાં લાવવા માટે દબાણ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે ભારતની સર્વોચ્ચ અદાલતમાં સુપરત કરાયેલ વચગાળાની એક્સપર્ટ્સ પેનલના અહેવાલમાં અદાણી સમૂહ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા ન હોવાથી માર્કેટનો ટ્રેન્ડ્સ હાલ જૈનની તરફેણમાં હોવાનું જણાય છે.
અદાણી ગ્રૂપના શેરમાં તેજીનો વંટળો, અદાણી પોર્ટ 100 ટકા રિકવરી
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે પણ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર 19% જેટલો વધ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આ શેરમાં 46 ટકાનો ઉછાળો આવ્યો છે. તો અદાણી પોર્ટ્ સઅને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપનીનો શેર હિંડનબર્ગના આક્ષેપો બાદ બનેલા નીચા ભાવથી 100 ટકા રિકવર થયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં 3 ફેબ્રુઆરીના રોજ 394 રૂપિયાની વર્ષની નીચી સપાટી બની હતી. 23 મે, 2023ના રોજ આ શેરમાં 786 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે અડધા ટકાના સુધારામાં 733 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.