1 એપ્રિલથી સોનાના દાગીના, સિગારેટ, પ્લાસ્ટિકની ચીજવસ્તુ અને ઇલેક્ટ્રોનિકસ ગુડ્સ સહિત ઘણી બધી ચીજો મોંઘી થઇ જશે. 1 ફેબ્રુઆરી, 2023ના રોજ દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતી વખતે નવા કરવેરા લાદયા હતા, તે 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. બજેટમાં સરકારે કેટલીક ચીજવસ્તુઓની આયાત જકાત વધારી હતી. આથી પ્રાઇવેટ એરક્રાફ્ટ, હેલીકોપ્ટર, સોનું અને સોનાના દાગીના, હાઇ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિકનો સામન, જ્વેલરી, હાઇ ગ્લાસ પેપર જેવી અમુક ચીજવસ્તુઓની કિંમત વધી જશે.
આયાત થતી ચીજવસ્તુઓની જકાત વધશે
નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં સરકારે કેટલી ચીજવસ્તુઓની આયાત જકાતમાં વધારો કર્યો છે. બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રીએ કહ્યુ હતુ કે, ઇલેક્ટ્રિક કિચન ચિમની પરની કસ્ટમ ડ્યૂટી 7.5 ટાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે. તો બીજી બાજુ લેબોરેટરીમાં હીરા બનાવવા માટે વપરાતા સીડ્સ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે. ઉપરાંત કપડા-વસ્ત્રો, ફ્રોઝન સ્ક્વિડ, હીંગ અને કોકો બીન્સની આયાત જકાત ઘટાડવાનો નિર્ણય લીધો હતો.
ઉપરાંત દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ 2023 ભાષણમાં જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી કેમેરા લેન્સ અને સ્માર્ટફોન જેવી ચીજો સસ્તી થઈ જશે. તો બીજી બાજુ ઈલેક્ટ્રિક કિચન ચીમની અને ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ચીજોની કિંમતમાં વધારો થશે.
1 એપ્રિલથી શું મોંઘુ થશે
- ઇલેક્ટ્રોનિક કિચન ચીમની
- સોનું અને સોનાના દાગીના
- આયાત થતી ચીજવસ્તુઓ
- પ્લેટિનમ
- ચાંદીના વાસણો
1 એપ્રિલથી શું સસ્તુ થશે
- રમકડાં
- સાયકલ
- ટેલીવિઝન
- મોબાઇલ
- ઇલેક્ટ્રિક વ્હિકલ
- LED ટીવી
- કેમેરા લેન્સ