Gold ETF Investment Benefits: ગોલ્ડ ઇટીએફ સોનામાં રોકાણ માટે લોકપ્રિય વિકલ્પ બની રહ્યું છે. શેરબજારમાં મંદી સામે સોનામાં સતત તેજી છે અને ભાવ રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણના વિકલ્પ શોધી રહ્યા છે. સોનામાં રોકાણ માટે સોવિરન ગોલ્ડ બોન્ડ યોજના બંધ થયા બાદ ગોલ્ડ ઇટીએફ ઉત્તમ વિકલ્પ છે. ગોલ્ડ ઇટીએફ એ સોનામાં રોકાણનું ડિજિટલ સ્વરૂપ છે. ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણ સતત વધી રહ્યું છે.
ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણનો નવો રેકોર્ડ
ભારતમાં ગોલ્ડ ETFમાં રોકાણે જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જાન્યુઆરી 2025 દરમિયાન ગોલ્ડ ETFમાં રૂ. 3751.4 કરોડનું નવું રોકાણ આવ્યું છે, કોઇ એક મહિનામાં સૌથી વધુ નેટ ઇન્ફ્લો છે. ડિસેમ્બર 2024માં ગોલ્ડ ઇટીએફમાં રૂ. 640 કરોડનું રોકાણ આવ્યુ હતું, જે 9 મહિનામાં સૌથી ઓછું હતું. એટલે કે, માત્ર એક મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં ચોખ્ખા નવા રોકાણમાં 486%નો વધારો થયો.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આ આંકડાઓ જોતાં, મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન ઉદ્ભવશે કે શું ગોલ્ડ ETF ખરેખર સોનામાં રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે. અહીં ગોલ્ડ ઇટીએફ શું છે અને તેમાં રોકાણ કરવાના ફાયદા વિશે જાણીશું
ગોલ્ડ ઇટીએફ શું છે?
ગોલ્ડ ઇટીએફ હકીકતમાં ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ છે જે સોના અને તેના સંબંધિત સંશાધનોમાં રોકાણ કરે છે. ગોલ્ડ ઇટીએફ યુનિટ્સના ભાવ હાજર બુલિયન માર્કેટમાં બોલાતા ફિજિકલ ગોલ્ડના ભાવ પર આધાર રાખે અને તે મુજબ વધ ઘટ થાય છે. આ જ કારણ છે કે ગોલ્ડ ઇટીએફમાં કરવામાં આવેલા રોકાણ પરનું વળતર સામાન્ય રીતે ફિઝિકલ ગોલ્ડના રોકાણ પર મળેલા વળતરની ખૂબ નજીક હોય છે. ગોલ્ડ ઇટીએફ પણ અન્ય એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની જેમ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થાય છે અને રોકાણકારો તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સ દ્વારા તેમા ખરીદ વેચાણ કરી શકે છે. મોટાભાગના ગોલ્ડ ઇટીએફ રિસ્કોમીટર પર ઉંચા રિસ્ક રેટિંગ ધરાવે છે કારણ કે સોનાના ભાવમાં વધઘટની સીધી અસર તેના વળતર પર પડે છે.
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાના ફાયદા
રોકાણકારોના મનમાં આ પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે કે જો ગોલ્ડ ઇટીએફનું રિટર્ન ફિઝિકલ ગોલ્ડના ભાવ પર આધારિત હોય, તો પછી સોનાના દાગીના લગડી કે સિક્કા કરતા Gold ETFમાં રોકાણ કેવી રીતે ફાયદાકારક છે? જો સોનામાં રોકાણનો એકમાત્ર હેતુ વળતર મેળવવાનો હોય, તો નીચેના કારણોસર ગોલ્ડ ઇટીએફ ઉત્તમ વિકલ્પ છે.
- સોનાની લગડી સિક્કા કે દાગીના ખરીદતી વખતે સોનાની શુદ્ધતા વિશે ચિંતા કરવી પડે છે. જ્યારે ગોલ્ડ ઇટીએફમાં તમને ઉચ્ચ શુદ્ધતાવાળા 24 કેરેટ સોનામાં રોકાણ કરવાનો લાભ મળે છે, આથી શુદ્ધતા કે ભેળસેળની ચિંતા રહેતી નથી.
- ગોલ્ડ ઇટીએફ ડિજિટલ ફોર્મેટમાં હોય છે આથી તેને સોના દાગીના લગડી જેમ સાચવવાની કે ચોરાઇ જવાની ચિંતા રહેતી નથી.
- ગોલ્ડ ઇટીએફ યુનિટ્સ તમારા ડીમેટ ખાતામાં સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. ગમે ત્યારે ઓનલાઇન ચેક કરી શકાય છે.
- ગોલ્ડ ઇટીએફમાં ફિઝિકલ ગોલ્ડ કરતા વધુ સારી તરલતા હોય છે. એટલે કે ગોલ્ડ ઇટીએફ ખરીદવામાં અને વેચવામાં સરળતા રહે છે.
- સોનાના દાગીના વેચતી વખતે મેકિંગ ચાર્જ વગેરે બાદ કરવામાં આવે છે, આથી તમને ઘણી વખત સોનાની સંપૂર્ણ કિંમત પ્રાપ્ત થતી નથી. ગોલ્ડ ETFમાં આવું થતું નથી.
- ગોલ્ડ ઇટીએફ 3 વર્ષથી વધુ સમય સુધી રાખ્યા પછી વેચો છો, તો નફા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવે છે, જે ઊંચા ટેક્સ સ્લેબમાં આવતા રોકાણકારો માટે ફાયદાકારક બની શકે છે.
- સોનાની લગડી કે સિક્કા ખરીદવામાં માટે તમારે એક સાથે મોટી રકમ ચૂકવવી પડે છે. જ્યારે તમે 1000 રૂપિયાની મૂડી સાથે ગોલ્ડ ઇટીએફમાં રોકાણની શરૂઆત કરી શકાય છે.
- ગોલ્ડ ઇટીએફમાં તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા દર મહિને ખુબ નાની અને ચોક્સ રકમનું રોકાણ કરી મોટું ભંડોળ એકઠું કરી શકો છો.
ગોલ્ડ ઇટીએફ રોકાણ કોના માટે યોગ્ય છે?
શેરબજારમાં ઉથલપાથલ દરમિયાન, ઘણા રોકાણકારો વધુ સ્થિર અને સુરક્ષિત સંપત્તિમાં રોકાણ કરવા માંગે છે. દુનિયાભરમાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, જેમા ગોલ્ડ ઇટીએફ રોકાણ કરવાનો એક સરળ રસ્તો બની શકે છે. આ ઉપરાંત, પોર્ટફોલિયોનો અમુક ભાગ સોનામાં રોકાણ કરવો પણ ડાઇવર્સિફિકેશન માટે વધુ સારું માનવામાં આવે છે. આ સંદર્ભમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકાય છે. જે રોકાણકારો સોનામાં રોકાણ કરવા માંગે છે પરંતુ ભૌતિક સોનાની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત મુશ્કેલીઓથી બચવા માંગે છે તેઓ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું પણ વિચારી શકે છે. પરંતુ રોકાણ કરતા પહેલા, ધ્યાનમાં રાખો કે સોનાના ભાવમાં થતી વધઘટ ગોલ્ડ ઇટીએફના વળતરને અસર કરે છે. તેથી, તેમના ભૂતકાળના પ્રદર્શનને ભવિષ્યમાં સમાન વળતર મેળવવાની ગેરંટી તરીકે ગણી શકાય નહીં.
આ પણ વાંચો | સોનામાં રોકાણ માટે Gold ETF કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કઇ યોજના શ્રેષ્ઠ
(Disclaimer: આ લેખનો હેતુ ફક્ત માહિતી પૂરી પાડવાનો છે, કોઈપણ યોજનામાં રોકાણની ભલામણ કરવાનો નથી. રોકાણ બજારના જોખમનો આધિન હોય છે. આથી રોકાણ સંબંધિત કોઇ નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)





