Gold Price and Investment Strategy : સોનું રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ મનાય છે અને ભારતીયો વર્ષોથી તેમાં રોકાણ કરે છે. સોનું એ રોકાણનો એક એવો વિકલ્પ છે જે તમને બજારની અનિશ્ચિતતા, ફુગાવો, વધતા વ્યાજદર સામે સુરક્ષા આપે છે. સોનામાં વચ્ચે વચ્ચે ભલે વધ-ઘટ થતી હોય, પરંતુ આ પીળી ધાતુની કિંમત દર વર્ષે વધી રહી છે. રોકાણકારો માટે આ એક સ્થિર વળતર મેળવવાનો વિકલ્પ છે. આ કારણે બજારનો માહોલ ગમે તેવો હોય, પરંતુ સોનું હંમેશા ચમકતું રહે છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ ખૂબ જ સારો સમય છે. આગામી દિવસોમાં દશેરા, ધનતેરસ અને દિવાળી ઉપરાંત લગ્નસરાની સિઝનના કારણે સોનાની માંગમાં વધવારો થશે. આ કારણોસર, માર્કેટ એક્સપર્ટ્સ સોનામાં રોકાણને લઇ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આઉટલૂક વિશે ખૂબ જ બુલિશ છે અને જ્યારે ભાવ ઘટે ત્યારે રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.
સોનાના ભાવ ઉંચા રહેશે, આ રહ્યા કારણો (Gold Price)
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી સેગમેન્ટના હેડ અનુજ ગુપ્તા કહે છે કે, સોના માટેનો આઉટલૂક સંપૂર્ણપણે સકારાત્મક લાગે છે. મોર્ગન સ્ટેનલીએ પહેલા અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું અને હવે જેપી મોર્ગને ચીનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. એટલે કે મોટી અર્થવ્યવસ્થાઓમાં અનિશ્ચિતતાનો માહોલ છે. યુરોપમાં પણ આર્થિક અનિશ્ચિતતા વધી છે. અમેરિકામાં મોંઘવારી અંકુશ બહાર છે, જેના કારણે યુએસ ફેડ રિઝર્વ દ્વારા તાજેતરમાં વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં વધુ એક રેટ હાઇકની આગળ શક્યતા છે. આવી સ્થિતિમાં લાંબા ગાળે સોનાનું આઉટલૂક પોઝિટિવ છે, સ્થાનિક સ્તરે આગામી તહેવારો અને લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને માંગમાં વધારો થવાની ધારણા છે.
સોનામાં ટ્રેડિંગ કરવાની સ્ટ્રેટેજી (Gold Trading Strategy)
અનુજ ગુપ્તાનું કહેવું છે કે અત્યારે વાયદાામાં સોનું 58750 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. તેને 60,000 રૂપિયાના સ્તરે મજબૂત પ્રતિકાર છે. આવી સ્થિતિમાં દિવાળી સુધી સોના માટેનો પહેલો ટાર્ગેટ 60000 રૂપિયા રહેશે. જો આ કુદાવી જાય તો સોના ભાવ 62000ના લેવલ સુધી જઈ શકે છે. તેમનું કહેવું છે કે સોનાને નીચામાં 57500 રૂપિયાના લેવલ પર સપોર્ટ મળી રહ્યો છે. તેથી 57,500 રૂપિયા પર સ્ટોપ લોસ મૂકીને 58,000 રૂપિયાના ભાવે ખરીદી કરીને સોનામાં રોકાણની શરૂઆત કરી શકાય છે.
વિશ્વ બજારમાં સોનાના ભાવ
વૈશ્વિક બજારમાં સોનાને 2000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર મજબૂત પ્રતિકાર છે. જો આ લેવલ કુદાવી તૂટે તો સોનું 2100 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેને 1850 ડોલર લેવલ પર મજબૂત સપોર્ટ છે. તેથી 1850 ડોલર પર સ્ટોપ લોસ મૂકવા અને 1870 ડોલરના ભાવની આસપાસ સોનું ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો | દાવા વગરની બેંક થાપણો શોધવા RBIએ ઉદગમ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ, જાણો રજિસ્ટ્રેશન અને દાવો કરવાની રીત
LKP સિક્યોરિટીઝના VP રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદી કહે છે કે, ડૉલર સામે રૂપિયો નબળાઈના સંકેતો આપે છે અને ભારતમાં તહેવારોની મોસમ નજીક હોવાથી રોકાણકારોએ સોનામાં પોઝિટિવ ટ્રેન્ડનો લાભ લેવાનું વિચારવું જોઈએ. ભારતમાં તહેવારોની મજબૂત માંગ સોનાના ભાવને સ્થિર રાખવા માટે તૈયાર છે. સોનામાં 58500 અને 57000ના સ્તરે એન્ટ્રી થઈ શકે છે. વૈશ્વિક મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીનું વલણ, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય, મજબૂત ડોલર અને ઊંચા વ્યાજદરને લીધે સોનાના ભાવ સ્થિર રહેવાની ધારણા છે, ભલે તેમાં મોટા ઉછાળો ન આવે. તેમનું કહેવું છે કે આ પરિબળોને ધ્યાનમાં રાખીને રોકાણકારો વર્ષના અંત સુધીમાં 61000 થી 62000ની વચ્ચે ટાર્ગેટ રાખીને સોનામાં રોકાણ કરી શકે છે.





