ભારતમાં સોનાના વેચાણને લઇને નવા નિયમો આવી રહ્યા છે અને તે આગામી 1 એપ્રિલથી અમલી બનશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, 1 એપ્રિલ, 2023થી દેશમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર વિના સોનાના દાગીના અને સોનાની ચીજવસ્તુઓના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, “ગ્રાહકના હિતમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 માર્ચ, 2023 પછી HUID હોલમાર્ક વગર સોનાના દાગીના અને સોનાના આર્ટીકલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. HUID વગર ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટીકલ્સના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ HUID ચાર અંકનો હતો. અત્યાર સુધી બજારમાં HUID (4 અને 6-અંક) બંનેનો ઉપયોગ થાય છે. અમે જણાવી રહ્યા છીએ કે, 31 માર્ચ, 2023 બાદ દેશમાં માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક કોડને મંજૂરી આપવામાં આવશે.”
HUID શું છે?
HUID એ 6 અંકનો યુનિક આલ્ફાન્યૂમેરિક કોડ છે જેમાં સંખ્યા અને અક્ષરોનો બનેલો હોય છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોલમાર્કિંગના સમયે દરેક સોનાના દાગીનાને HUID આપવામાં આવશે અને તે દરેક દાગીના માટે યુનિક / અલગ હશે. આ યુનિક અંકને હોલમાર્કિંગ સેન્ટરો પર સોનાના દાગીનાની પર મેન્યુઅલી રીતે અંકિત કરવામાં આવે છે.
કન્ઝ્યુમર વિભાગના જણાવ્યા અનુસાર, HUID જ્વેલરીના વ્યક્તિગત ટુકડાને ટ્રેસ કરવાનું સરળ બનાવે છે અને ગુણવત્તાની ખાતરી આપે છે.
ગ્રાહક બાબતોની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર “HUID આધારિત હોલમાર્કિંગમાં જ્વેલર્સનું રજિસ્ટ્રેશન કોઇપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર સ્વયં સ્વચાલિત છે. તેનો હેતુ હોલમાર્કવાળી જ્વેલરીની શુદ્ધતાની ખાતરી કરવાનો અને કોઈપણ ગેરરીતિને રોકવાનો છે. HUID એક સુરક્ષિત સિસ્ટમ છે અને આંકડાઓ ગુપ્ત રહે છે તેમજ સુરક્ષા માટે કોઈ જોખમ રહેતું નથી. સોનાના દરેક દાગીના માટે અલગ-અલગ HUID-આધારિત હોલમાર્કિંગ હોય છે, તેનાથી પારદર્શિતા આવે છે.” ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઇટ કહે છે.

નિધિ ખરેએ જણાવ્યું હતું કે 23મી જૂન 2021થી 256 જિલ્લાઓને ફરજિયાત હોલમાર્કિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા અને 1લી જૂન 2022થી વધુ 32 જિલ્લાને ફરજિયાત હોલમાર્કિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આ સાથે હોલમાર્કિંગ હેઠળ આવરી લેવામાં આવેલા જિલ્લાઓની કુલ સંખ્યા 288 થઈ ગઈ છે. ઉપરાંત વધુ 51 નવા જિલ્લા AHCs/OSCs સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે, આમ આ સુવિધા ધરાવતા જિલ્લાઓની કુલ સંખ્યા 339 થઈ ગઈ છે.
હોલમાર્ક કેવી રીતે તપાસવું?
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની માર્ગદર્શિકા મુજબ, BIS હોલમાર્કમાં 3 પ્રતીકોનો સમાવેશ થાય છે – BIS લોગો, શુદ્ધતાનો ગ્રેડ અને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ, જેને HUID તરીકે ઓળખવામાં આવે છે.
કોઈ પણ સોનાના દાગીના 100 ટકા સોનાથી બનેલા નથી હોતા, કારણ કે કિંમતી પીળી ધાતુ ખુબ જ નરમ હોય છે અને તેમાંથી દાગીના બનાવવા માટે તેમાં અન્ય ધાતુઓનું મિશ્રણ કરવું પડે છે. સોનાના દાગીના જેટલા શુદ્ધ હશે તેટલા કિમતી હશે.
સરકારી વેબસાઈટ મુજબ હોલમાર્કે જ્વેલરીની ત્રણ કેટેગરી છે: “22K916 એટલે કે તે 22 કેરેટનું સોનું છે અને આવા આવા દાગીનામાં 91.6 ટકા સોનું હોય છે. 18K750 એટલે કે તે 18 કેરેટનું સોનું છે અને તેમાં 75 ટકા સોનું છે. અને છેલ્લી કેટેગરીમાં 14K585 એટલે કે 14 કેરેટનું સોનું છે અને આવા દાગીનામાં 58.5 ટકા સોનું હોય છે.”
10.59 કરોડ નંગ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ થયું

નિધિ ખરેએ જણાવ્યું હતું કે 2022-23 દરમિયાન અત્યાર સુધીમાં 10.56 કરોડ નંગ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓપરેટિવ BIS રજિસ્ટર્ડ જ્વેલર્સની સંખ્યા 2022-23માં 1,53,718થી વધારે થઇ ગઇ છે.
જૂના દાગીનાની શુદ્ધતા કેવી રીતે ચકાસી શકાય?
સરકારી વેબસાઇટના જણાવ્યા અનુસાર “તમે કોઈપણ BIS-માન્ય એસેઇંગ અને હોલમાર્કિંગ સેન્ટર પર સોનાના દાગીનાની શુદ્ધતા ચકાસી શકો છો. આ માટે તમારે 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે.”
જો કે, ગ્રાહક તેના સોનાના દાગીના પર હોલમાર્ક મેળવવા માટે એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરને અરજી કરી શકતો નથી. આ કામગીરી BIS-રજિસ્ટર્ડ જ્વેલર દ્વારા કરવાની રહેશે.
હોલમાર્કવાળા દાગીના ખરીદવાના ફાયદાઓ
સૌથી સ્પષ્ટ ફાયદો એ છે કે ગ્રાહક જે સોનાના દાગીના ખરીદી રહ્યો છે તેની ગુણવત્તા / શુદ્ધતાથી માહિતગાર હોય છે અને તે છેતરાશે નહીં. હોમાર્કવાળા દાગીના ખરીદવાના ઘણા બધા ફાયદાઓ છે. હોલમાર્કમાં સોનાની શુદ્ધતાની બાંયધરી આપવામાં આવતી હોવાથી જ્યારે તે દાગીના ફરી વેચવામાં આવશે ત્યારે તેની પુરતી કિંમત મળે છે. ઉપરાંત, જો દાગીના ગીરવે પણ મૂકવામાં આવેતો જ્વેલરી હોલમાર્કવાળી હશે તો બેંકો સરળતા પૂર્વક લોન આપે તેવી શક્યતા રહે છે.