Gold Price All Time High: સોનાના ભાવ રોકેટ ગતિએ સતત નવા ઓલટાઇમ હાઇ લેવલ બનાવી રહ્યા છે. સોનું રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે પીળી કિંમતી ધાતુ ખરીદવી મુશ્કેલ થઇ રહી છે. સોના પાછળ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં 10 ગ્રામ સોનું 6000 રૂપિયાથી વધુ મોંઘુ થયું છે.
Gold Price Record High : સોનાનો નવો રેકોર્ડ, 10 ગ્રામનો ભાવ 85000
સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાની કિંમત 1000 રૂપિયા વધી છે. જેના પગલે 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 85000 રૂપિયા થઇ છે. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે સોનું 84000 રૂપિયાની ટોચે પહોંચ્યું હતું. સળંગ 3 દિવસથી સોના ભાવ નવા રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે. 3 દિવસમાં સોનું 2000 રૂપિયા મોંઘુ થયું છે. આજે 99.5 શુદ્ધ સોનાની કિંમત 84800 રૂપિયા હતી.
સ્થાનિક ઝવેરી બજારમાં 31 ડિસેમ્બર, 2024ના રોજ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 78700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 31 જાન્યુઆરી, 2025ના સોનાનો ભાવ 85000 રૂપિયાની ટોચે પહોંચ્યો છે. આમ જાન્યુઆરીમાં સોનું 6300 રૂપિયા મોંઘુ થયું.
Silver Price Today : ચાંદી મોંઘી થઇ
સોનામાં ઐતિહાસિક તેજી સાથે ચાંદી પણ મોંઘી થઇ રહી છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદીની કિંમત 500 રૂપિયા વધી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 93000 રૂપિયા અને રૂપું ચાંદી એટલે કે ચાંદીના દાગીનાની કિંમત 92800 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી.
બજેટ 2025માં સોનું ચાંદી સસ્તા થશે?
બજેટ 2025માં સોનું ચાંદી સસ્તા થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો યુનિયન બજેટમાં સોના ચાંદી પર એક્સાઇઝ ડ્યુટી ઘટે તો સોના ચાંદીની કિંમત ઘટી શકે છે. ભારત સોના ચાંદીની આયાત કરે છે. ભારત સરકાર સોના ચાંદીની આયાત પર પર જંગી ટેક્સ વસૂલે છે. 23 જુલાઇ, 2024ના રોજ રજૂ કરાયેલા સંપૂર્ણ બજેટ માં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા થી ઘટાડી 6 ટકા કરવામાં આવી હતી. તો પ્લેટિનમ પરની આયાત જકાત ઘટાડી 6.5 ટકા કરવામાં આવી હતી.
વૈશ્વિક બજારમાં સોનામાં તેજી
વૈશ્વિક બજારમાં સોનામાં તેજીનો માહોલ છે. હાલ વૈશ્વિક બુલિયન બજારમાં સોનું 2800 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. નબળા જીડીપી ડેટા તેમજ કેનેડા અને મેક્સિકો પર જંગી ટેરિફ લાદવાની ચેતવણીના પગલે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી છે, જેના પગલે સોનાના ભાવ વધી રહ્યા છે.





